નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના ચાંદ બાગ પુલિયાની કેનાલ પાસેથી IB સિપાહી અંકિત શર્માનો મૃતદેહ મળી આવ્યો છે, ત્યારે તેમની હત્યા હિંસક બનેલા ટોળા દ્વારા થઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે, તો બીજી તરફ આ હિંસા અટકવાનું નામ જ લઈ રહી નથી. મોતના આંકડામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે તંત્ર આ મુદ્દે ગોકળગાયની ગતિએ કાર્યવાહી કર્યુ હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આમ, દિલ્હીના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી હિંસા થઈ રહી છે. જેમાં અત્યાર સુધી 24 લોકોના મોત થયાં છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે. તો હજુ પણ આ આંકડામાં વધારો થઈ શકે તેવી શંકા વ્યક્ત કરાઈ છે. આ હિંસક પ્રવૃત્તિઓ પોલીસના અંકુશની બહાર થઈ હોવાથી દિલ્હીમાં સેના તૈનાત કરવાની અપીલ કરાઈ રહી છે.
નોંધનીય છે કે, સોમવારે ગોકુલપુરી વિસ્તારમાં થયેલી હિંસા દરમિયાન હેડ કોન્સ્ટેબલ રતનલાલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. રતનલાલને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં થોડા સમય પછી ડૉક્ટરોએ રતનલાલને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવમાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું હતું કે, ઈજાને કારણે તેનું મોત નીપજ્યું હતુ, પરંતુ મંગળવારે મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાયું છે, જેમાં તેને ગોળી વાગી હોવાનું સામે આવ્યું છે.