ગુજરાત

gujarat

ભારતની ન્યાય પ્રણાલીમાં 'તારીખ પે તારીખ'

By

Published : Dec 30, 2019, 7:34 PM IST

ન્યૂઝ ડેસ્ક: હૈદરાબાદમાં ગેંગ રેપ અને હત્યાના કેસના કારણે જાગેલા આક્રોશના કારણે, દુષ્કર્મીઓ સામે કામ ચલાવી શકાય તે પહેલાં શંકાસ્પદ રીતે તેમનું એન્કાઉન્ટર થયું. બાળકો અને મહિલાઓ સામે વધી રહેલા ગુનાઓ સામે હવે ન્યાયતંત્રે સજાગ થઈ જવું જરૂરી બન્યું છે.

INDIA
ભારતની ન્યાય વ્યવસ્થા

દેશમાં લગભગ 1.67 લાખ દુષ્કર્મના કેસ ચાલી રહ્યા છે, જેમાંથી બહુ મોટી સંખ્યા એટલે કે 1.60 લાખ બાળકો પરના દુષ્કર્મના કેસો છે. આ કેસોને ઝડપથી ચલાવવા માટે કેન્દ્રના કાયદા મંત્રાલયે દેશમાં 1000 વિશેષ અદાલતો બેસાડવા માટે યોજના તૈયાર કરી છે તેમાં રાજ્ય સરકારો અને રાજ્યોની હાઈકોર્ટ્સ દ્વારા સહયોગ જરૂરી બન્યો છે.

કાયદો અને વ્યવસ્થા એ રાજ્ય સરકારનો વિષય હોવાથી રાજ્ય સરકારોએ તેમાં આગેવાની લેવી પડશે અને કેન્દ્ર સરકારે ભંડોળ ફાળવવું પડશે. વર્ષો સુધી ન્યાય ન મળે ત્યારે લોકો પણ ઝડપથી અને તત્કાલ ઉપાયની તરફેણ કરતાં થઈ જાય છે. લોકશાહીમાં જનતા ટોળાંના ન્યાયને વાજબી ઠેરાવતી થાય, તે વહિવટીતંત્રની નિષ્ફળતાની નિશાની છે. બહુ ચગેલા નિર્ભયા દુષ્કર્મ-હત્યાના કેસમાં સાત સાત વર્ષ પછી પણ ગુનેગારોને ફાંસીની પ્રક્રિયા પૂર્ણ ન થઈ શકી હોય ત્યારે સવાલ થાય કે આ કેવું ન્યાયતંત્ર? ન્યાયમાં આ પ્રકારના વિલંબના કારણે લોકો તત્કાલ ફેંસલો લાવવાની માગણી કરતા થઈ ગયા છે.

ફોજદારી કેસમાં સજા જેટલો સમય કેદમાં કાઢ્યા પછી સુનાવણી થતી હોય છે, જ્યારે દિવાની દાવા 2-3 પેઢી સુધી ચાલતા હોય છે. આ એક ગંભીર સમસ્યા છે. ભારતમાં ન્યાય માટે બહુ લાંબી રાહ જોવી પડે છે, કેમ કે પ્રથમ તબક્કાની એટલે કે જિલ્લા અદાલતોમાં 3 કરોડથી વધુ કેસ પેન્ડિંગ પડ્યા છે અને સંખ્યા વધતી જ જાય છે. પડતર કેસમાંથી બે તૃતિયાંશ ફોજદારી છે, જે ઝડપી પ્રક્રિયાનો અભાવ દાખવે છે.

લાંબો સમય કેસ પડતર રહે તે બે કારણોસર ચિંતાજનક છે. તેના કારણે ગુનાનો ભોગ બનેલા લોકોને લાંબો સમય ન્યાય મળતો નથી. બીજું, લાંબો સમય કાર્યવાહી ચાલે તેના કારણે આરોપીઓ કાચા કામના કેદી તરીકે જેલમાં રહે છે. ઘણી વાર ગુનાની સજા કરતાં વધુ સમય કાચા કામના કેદી તરીકે કાઢવો પડતો હોય છે.

અદાલતમાં દુષ્કર્મના કેસમાં ભરાવો થયો છે તે મોટી સમસ્યા છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરવાથી તેના એક જ પાસાનો હલ થશે. એટલી જ ચિંતાજનક બાબત છે દુષ્કર્મના કેસમાં આરોપોની સાબિતી. ફક્ત 32 કેસમાં જ ગુનો સાબિત થાય છે. અર્થાત્ ન્યાયતંત્રની દરેક બાબત નિષ્ફળ જઈ રહી છે. પોલીસ પૂરતી તપાસ કરવામાં નિષ્ફળ જાય છે, ફરિયાદ પક્ષ કેસ સાબિત કરી શકતા નથી અને ન્યાયાધીશોની અછતને કારણે કેસનો ભરાવો થાય છે.

ન્યાયાધીશોની અછતની બાબતમાં કેન્દ્ર સરકાર પણ એટલી જ જવાબદાર છે, કેમ કે હાઈકોર્ટના ન્યાયાધીશોની મંજૂર થયેલી 1079 જગ્યાઓમાંથી 410 ખાલી પડેલી છે. હાલમાં જ હાઈકોર્ટમાં નિમણૂક માટે નક્કી થયેલા નામોને કેન્દ્ર તરફથી મંજૂરી મળી નથી તેની સામે સુપ્રીમ કોર્ટે રોષ દાખવ્યો હતો. કેન્દ્ર તરફથી વાંધા પછીય કોલેજિયમ તરફથી ફરી નામો મોકલી આપવામાં આવે તે પછી કેન્દ્ર નિમણૂકો અટકાવી રાખી શકે નહિ તેવો ધારો પડેલો છે.

હાઈકોર્ટમાં ખાલી પડેલી જગ્યાઓને કાણે ન્યાયમાં વિલંબ થાય છે. ભારતીય નારીઓને ક્રૂર ગુનેગારોનો ભોગ બનતી અટકાવવી હોય તો એ જરૂરી છે કે ન્યાય વ્યવસ્થા માટે જવાબદાર બધા જ - કેન્દ્ર, રાજ્ય સરકાર અને ન્યાયતંત્ર પોતે સમગ્ર વ્યવસ્થામાં સુધારા માટે વિચારે.

ભારતની જુદી જુદી અદાલતોમાં 3.5 કરોડ કેસ પડતર પડ્યા છે. તેમાંના ઘણા બધા 10 વર્ષથી પડતર છે. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ્સ અને જિલ્લા તથા નીચલી અદાલતોમાં કેટલા કેસ પડતર છે તેની વિગતો નીચે પ્રમાણે છેઃ

દિવાની કેસ લગભગ 1.09 કરોડ

ફોજદારી કેસ લગભગ 2.28 કરોડ

રિટ પિટિશન્સ લગભગ 13.1 લાખ

નીચલી અદાલતોમાં એક કેસના નિકાલ માટે સરેરાશ ત્રણથી ચાર વર્ષ લાગી જાય છે. બાબતને હાઈકોર્ટમાં લઈ જવામાં આવે તો ફેંસલો આવતા સરેરાશ 10 વર્ષ થઈ જાય છે. દિવાની બાબતોમાં સુપ્રીમ કોર્ટમાં પણ સરેરાશ 10 વર્ષ લાગી જાય છે.

ફોજદારી કેસની બાબતમાં નીચલી અદાલતોમાં સરેરાશ બે વર્ષનો સમય લાગે છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં તેની સામે અપીલ કરવામાં આવે તેમાં સરેરાશ 5થી 8 વર્ષનો સમય લાગી જાય છે.

દર વર્ષે પાંચ કરોડ નવા કેસ દાખલ થાય છે, જ્યારે માત્ર બે કરોડનો ફેંસલો આવે છે. તેના કારણો જોઈએ તોઃ

અધિકારોની બાબતમાં સામાન્ય માણસની જાગૃતિમાં વધારોઃ

સામાજિક આર્થિક વિકાસના કારણે કાનૂની અધિકારો પ્રત્યે જાગૃતિ વધી છે. તેના કારણે નાગરિકો અદાલતનો વધારે આશરો લેતા થયા છે.

નવી પદ્ધતિઓ (જેમ કે PIL) અને નવા અધિકારો (જેમ કે RTI).

સરકારે 'માહિતી અધિકાર' અને 'શિક્ષણનો અધિકાર' જેવી નીતિઓ દાખલ કરી તે પછી નારાજ થનારો પક્ષ અદાલતોનો આશરો લેતો થયો છે. આ ઉપરાંત સક્રિય બનેલા ન્યાયતંત્રે પણ જાહેર હિતની અરજી (પીઆઈએલ) સાંભળવાનું શરૂ કર્યું છે, તેના કારણે પણ વધુ કેસની સંખ્યા વધી છે.

  • ન્યાયાધીશોની નિમણૂકનો અભાવ:

ભારતમાં માત્ર 21,000 જેટલા ન્યાયાધીશો છે, જે સંખ્યા અપૂરતી છે. વસિત સામે ન્યાયમૂર્તિનો હાલનો દર 10 લાખે 10નો થાય છે. લૉ કમિશને 1987માં ભલામણ કરી હતી કે 10 લાખ સામે 50 ન્યાયાધીશો હોવા જોઈએ. 1987 પછી વસતિમાં 25 કરોડનો વધારો થયો છે. કેન્દ્ર કહે છે કે રાજ્ય સરકારોએ વધારે ન્યાયાધીશોની નિમણૂક કરવી જોઈએ, જ્યારે રાજ્યો કહે છે કે કેન્દ્રએ આ બાબતમાં પહેલ કરવી જોઈએ. આ ખેંચતાણના કારણે ન્યાયાધીશોની સંખ્યા વધતી નથી અને આરોપીઓ જેલમાં પડ્યા રહે છે.

અડધાથી વધારે જગ્યાઓ ખાલી પડી છે. સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટ્સમાં ન્યાયાધીશોની નિમણૂકની બાબતમાં પણ ન્યાયતંત્ર અને કારોબારી (સરકાર) વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. બ્રિટિશરોના સમયમાં હતી તેની લાંબા વેકેશેનોની પ્રથા હજીય નડી રહી છે.

  • અપૂરતી સંખ્યામાં અદાલતો:

ભારતીય ન્યાયતંત્ર પાસે સ્રોતોનો અભાવ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો બંનેને ન્યાયતંત્ર પાછળ ખર્ચ કરવામાં રસ નથી. સમગ્ર બજેટના માત્ર 0.1%થી 0.4% ટકા જેટલી જ ફાળવણી ન્યાયતંત્ર માટે થાય છે.

ભારતમાં વધુ અદાલતો અને વધુ બેન્ચીઝની જરૂર છે. આધુનિકીકરણ અને કમ્પ્યુટરાઇઝેશન બધી અદાલતોમાં સુધી પહોંચ્યા નથી.

સરકાર તરફથી થતા વધુ પડતા મુકદ્દમા:

ભારતમાં સૌથી વધુ મુકદ્દમા કરનાર સરકાર જ છે, અને અડધોઅડધ પેન્ડિંગ કેસો સરકારના જ છે. તેમાંના મોટા ભાગના એક સરકારી વિભાગે બીજા સામે કર્યો હોય તેના છે. વિભાગો નિર્ણયો કરવાની જવાબદારી આ રીતે કોર્ટ પર નાખી દે છે.

બીજું મોટા ભાગના કેસમાં જોવા મળ્યું છે કે સરકાર કેસ દાખલ કરે તે પછી ભાગ્યે જ તે પોતાની બાજુ સાબિત કરવામાં સફળ રહેતી હોય છે.

નીચલી અદાલતોમાં ગુણવત્તાનો અભાવ:

ભારતીય ન્યાયતંત્ર પ્રતિભાવાન લોકોને પોતાને ત્યાં આકર્ષવામાં નિષ્ફળ ગયું છે.

નીચલી અદાલતોમાં ન્યાયાધીશોની ક્ષમતા હંમેશો ધોરણોસરની હોતી નથી. તેના અપાયેલા ચુકાદા સામે ઉપલી અદાલતોમાં અપીલ થતી રહેતી હોય છે, તેના કારણે પણ કેસોનો ભરાવો થાય છે.

  • જૂના અથવા અસ્પષ્ટ કાયદાઓ:

જૂના અને અપ્રસ્તૂત થઈ ગયેલા કાયદા હજુય પોથીઓમાં નોંધાયેલા રહ્યા છે. કાયદાનું ઘડતર એટલી કાચી રીતે અને અસ્પષ્ટ ભાષામાં થયું હોય છે કે જુદી જુદી અદાલતો તેનું અલગ અલગ અર્થઘટન કરે છે. તેના કારણે કેસ લાંબા ચાલતા રહે છે. કેટલાક કાયદાઓ તો 1880ના દાયકાના છે. કોઈ માણસ કશુંક કરવા માગતો હોય તો તેમને ગઈ સદીનો કાયદો બતાવીને તેમ કરતા અટકાવી દેવામાં આવે છે.

ભારતીય અદાલતોમાં મુકદ્દમાના ભારણની સમસ્યા:

ન્યાયતંત્રમાં લોકોનો ભરોસો બહુ ઓછો થઈ ગયો છે. ગરીબ માણસોને અને કાચા કામના કેદીઓને તેમનો ન્યાય મળતો નથી. ઝડપી ન્યાયતંત્રના અભાવે આર્થિક સુધારા કાગળ પર જ રહી ગયા છે.

વિદેશી મૂડીરોકાણોને હંમેશા સમયસર ન્યાય મળશે કે નહિ તેની ચિંતા રહેતી હોય છે. તેના કારણે જ મેક ઇન ઇન્ડિયા જેવા કાર્યક્રમો સફળ થઈ શકતા નથી.

મુકદ્દમાનો દરિયો ઉમટ્યો હોય તેને પહોંચી વળવા માટે ન્યાયતંત્ર સક્ષમ નથી. ન્યાયાલયો પર કામનું ભારણ એટલું વધી ગયું છે કે તે કાર્યક્ષમ રહી શકે નહિ. ન્યાયમાં વિલંબ એ અન્યાય જ છે અને ઉતાવળે ન્યાય આપવામાં ન્યાયને હાની થતી હોય છે.

  • મુકદ્દમાનું ભારણ ઓછું કરવાના ઉપાયો:

સરકારે ભારતીય જ્યુડિશિય સર્વિસ શરૂ કરીને ભારતમાં ન્યાયાધીશોની સંખ્યા બેગણી કરવાની જરૂર છે. હાલમાં ખાલી પડેલી જગ્યાઓ ભરીને 21,000 ન્યાયાધીશો છે, તેની સંખ્યા વધારીને 50,000 તાકિદે કરવાની જરૂર છે.

આપણી ન્યાય પ્રણાલીમાં શા માટે વિલંબ થાય છે તે જાણવા માટે અને ન્યાયતંત્રને વધારે ચુસ્ત બનાવવા માટે જરૂરી ઉપાયોની વિચારણા કરવા માટે વિશષ ચર્ચા-વિચારણા અને સલાહ-વિમર્શ કરવાની જરૂર છે.

સરકારી નિયમો, આદેશો અને નિયંત્રણો સ્પષ્ટ હોવા જોઈએ અને સંબંધિત પક્ષો સાથે ચર્ચા બાદ તૈયાર કરવા જોઈએ, જેથી બિનજરૂરી મુકદ્દમા ઊભા થાય નહિ.

સુપ્રીમ કોર્ટ (નંબર ઑફ જજીઝ) એમેન્ટમેન્ટ બીલ, 2019 હાલમાં પસાર કરવામાં આવ્યું છે. તેમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓની સંખ્યા 31થી વધારીને 34 કરવામાં આવી છે. આ એ એક યોગ્ય દિશાનું કદમ છે.

ઝડપી ન્યાય એ માત્ર મૂળભૂત અધિકાર જ નથી, પણ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તથા સુશાસન માટે પણ જરૂરી છે. ન્યાય ઝડપી ના મળે ત્યારે તેના કારણે ભ્રષ્ટાચારી અને કાયદો તોડનારા જ ફાવે છે.

ન્યાયતંત્રમાં સુધારાને ગંભીરતાથી લેવામાં આવે તો તેનાથી ન્યાય પ્રક્રિયા ઝડપી બનશે. તેમ થશે તો વિશ્વ બેન્ક સહિતની ન્યાય પ્રણાલીઓનો અભ્યાસ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ભારતની આબરૂ પણ ઉજળી થશે.

- પી. વી. રાવ, જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર, પેન્નાર ઈન્ડસ્ટ્રીઝ

ABOUT THE AUTHOR

...view details