ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સાયબર આતંકઃ છૂપા રુસ્તમનું રોકડિયું જોખમ... - ફાઇનાન્સ અને ડિફેન્સ નેટવર્ક

છુપા દુશ્મન તરફથી આક્રમણ થાય તેનો ભય દુનિયાભરના દેશોમાં હોય છે. કમ્પ્યુટર, સ્માર્ટફોન અને ડિજિટલ નેટવર્ક્સનો ઉપયોગ કરીને સાયબર ગુના કરનારા ચાલાક લોકો ભારતમાં પણ મોટી મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. ઓનલાઇન થતી છેતરપિંડીને કારણે અનેક લોકો લાખો રૂપિયા ગુમાવવા લાગ્યા છે. હૈદરાબાદમાં દર કલાકે એક સાયબર ક્રાઇમ થાય છે. સાયબર જગતમાં છેતરપિંડી વધી રહી છે તેને ધ્યાનમાં લઈને તેલંગાણા પોલીસે નેશનલ પોલીસ એકેડમી (એનપીએ) સાથે એમઓયુ સાઇન કર્યા છે.

Cyber Terror
સાયબર આતંક

By

Published : Feb 2, 2020, 1:36 PM IST

આ સમજૂતિ કરાર પ્રમાણે એનપીએ તેલંગાણાના પીએસઆઈથી માંડીને ડીએસપી કક્ષાના પોલીસ અધિકારીઓને તાલીમ આપશે. કમ્પ્યુટર અને ઓનલાઇનમાં ગુનેગારો કેવી રીતે કામ કરે છે અને તેમનો સામનો કેવી રીતે કરવો તેની તાલીમ અપાશે. તેલંગાણામાં ગયા વર્ષે વિક્રમી 14,000 સાયબર ગુના નોંધાયા હતા, પણ તેમાંથી બહુ થોડા ઉકેલી શકાયા હતા. પોલીસ અધિકારીઓને તાલીમ આપવાથી કેટલો ફરક પડે છે તે જોવા રાહ જોવી પડશે.

કર્ણાટક સરકારે હાલમાં જ સાયબર, નાણાકીય અને ડ્રગ ટ્રાફિકિંગના ગુના માટે વિશેષ પોલીસ સ્ટેશન્સની સ્થાપના કરી છે. જોકે સરકાર જણાવી રહી છે કે આવા ગુના ઉકેલવા માટે જરૂરી કુશળ સ્ટાફની અછત છે. એ વાત પણ જાણીતી છે કે આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સરકારે અગત્યના ડેટાની ચોરી ના થઈ જાય તે માટે બ્લોકચેઇન ટેક્નોલૉજી અપનાવી છે.

સાયબર ગુના કરનારા દૂર બેસીને ગુનો કરે છે. દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાંથી ઓનલાઇન રીતે છેતરપિંડી કરવામાં આવે છે. તેના કારણે ઇ-કોમર્સ અને બેન્ક એકાઉન્ટ હેક કરીને થતી ઉપાચતને નિયંત્રિત કરવી મુશ્કેલ બની રહી છે.

આરબીઆઈના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર એસ. પી. તલવારે સૂચન કર્યું હતું તે પ્રમાણે બેન્કિંગ અને નાણાં સંસ્થાઓમાં સરકારે એક્સેસ કન્ટ્રોલ સિસ્ટમ્સ દાખલ કરવાની જરૂર છે.
નેશનલ ક્રાઇમ રેકર્ડ્સ બ્યૂરો (NCRB)નાં આંકડાં અનુસાર આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સૌથી વધુ સાયબર ગુના નોંધાતા ટોચના છ રાજ્યોમાં સ્થાન પામે છે. 2016થી 2018 દરમિયાન ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સાયબર ક્રાઇમના 33,000 ગુના નોંધાયા હતા.

તે જ સમયગાળામાં આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં તેનાથી બે ગણા સાયબર ગુના થયા હતા. રાજસ્થાનના ભરતપુરમાં OLX પર વાહનોની ખરીદવેચાણની સૌથી વધુ છેતરપિંડી થાય છે, જ્યારે ઝારખંડના જામતારામાં બેઠેલા ચોરટા ડેબિટ અને ક્રેડિટ કાર્ડમાંથી નાણાંની ઉપાચત કરી જાય છે. આ વિસ્તારોમાં અડ્ડો જમાવીને બેઠેલી ગેંગ દક્ષિણ ભારતના રાજ્યોમાં ગુનાખોરી કરે છે.

હાલમાં છેતરપિંડીનો નવો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં ધૂતારાઓએ નકલી પાન કાર્ડ તૈયાર કરીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. જાણીતી બ્રાન્ડની વસ્તુઓ બહુ સસ્તામાં મળી રહી છે તેવી લલચામણી જાહેરખબર આપીને લોકો પાસેથી પૈસા પડાવી લેવાના કિસ્સા બહુ ઝડપથી વધી રહ્યા છે.

લોકો હવે ફિલ્મની ટિકિટથી માંડીને કરિયાણું પણ ઓનલાઇન ખરીદવા લાગ્યા છે ત્યારે સાયબર ક્રાઇમ કરનારાને મોકળું મેદાન મળી ગયું છે. જરાક ચૂક થાય એટલે તમારું ખાતું ખાલી જઈ જાય. ભારત સરકારે હાલમાં જ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ તૈયાર કર્યું છે, જ્યાં ઓનલાઇન સાયબર ક્રાઇમની ફરિયાદ થઈ શકશે. આ પહેલને સફળ બનાવવા માટે મોદી સરકારે જુદા જુદા રાજ્યો સાથે પણ સંકલન સાધવું જરૂરી છે, જેથી ડિજિટલની દુનિયામાં વધી રહેલી છેતરપિંડીને રોકી શકાય.

સાયબર ક્રાઇમને કારણે વ્યક્તિ લોકોને લાખોનું નુકસાન થાય તેટલા પૂરતી વાત નથી. તેના કારણે અર્થતંત્રને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. તેનાથી મોટી દુર્ઘટના પણ થઈ શકે છે. કુદનકુલમ અણુ વીજમથકના નેટવર્કમાં પણ હેકર ઘૂસી ગયા હતા તેના અહેવાલ વાંચીને સોશ્યલ મીડિયાના યુઝર્સ હચમચી ગયા હતા. હાલમાં જ આધ્ર પ્રદેશ અને તેલંગાણાની વીજ વિતરણ કંપનીઓના નેટવર્કમાંપણ રેન્સમવેર ઘૂસી ગયો હતો. તેના પરથી ખ્યાલ આવે છે કે દેશમાં સાયબર ક્રાઇમની સ્થિતિ ગંભીર બની છે.

છેલ્લા પાંચ વર્ષોમાં સાયબર એટેકના કારણે મલ્ટિનેશનલ કંપનીઓએ 370 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા હોવાનું માનવામાં આવે છે. સાયબર સિક્યુરિટી કંપની સાયમનટેકના જણાવ્યા અનુસાર પોલેન્ડ, વિયેટનામ, બાંગ્લાદેશ અને ઇક્વેડોરમાં મોટા પાયે બેન્ક એકાઉન્ડમાં હેકિંગ થયું હતું. ભારતમાં સાયબર સેફ્ટીની સ્થિતિ બહુ ખરાબ છે તેની ચેતવણી પણ કંપનીએ આપી છે. ચીન ગંભીરતાને ધ્યાનમાં લઈને જ સાયબર સિક્યુરિટી અને ડેટા પ્રોટેક્શન માટે આખું તંત્ર ઊભું કરી રહ્યું છે.

ભારત સરકારે ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામની જાહેરાત કરી છે અને સાયબર સિક્યુટિરી માટે વિશેષ પોર્ટલ તૈયાર કર્યું છે, પણ છતાંય ઓનલાઇન છેતરપિંડી વધી રહી છે. તેના પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે જુદા જુદા સરકારી વિભાગો વચ્ચે સંકલનનો અભાવ છે. નેશનલ એસોસિએશન ઑફ સોફ્ટવેર એન્ડ સર્વિસીઝ કંપનીઝ (NASSCOM)ના અંદાજ અનુસાર 2020 સુધીમાં ભારતના ફાઇનાન્સ અને ડિફેન્સ નેટવર્કને સુરક્ષિત રાખવા માટે 10 લાખ સાયબર સિક્યુરિટી પ્રોફેશનલ્સની જરૂરત પડશે.

ઓનલાઇન દુનિયાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે વધારે ને વધારે સાયબર સિક્યુરિટી નિષ્ણાતોની જરૂર છે. આમ છતાં તેની અછત છે. સરકારે હવે આગળ આવીને ગંભીર સ્વરૂપ ધારણ કરી રહેલા સાયબર ગુનાઓ અટકાવવા માટે વ્યાપક પગલાંઓ લેવાની જરૂર છે.

ABOUT THE AUTHOR

...view details