- 16 જાન્યુઆરીથી શરૂ થશે કોરોના વેક્સિનેશનની કામગીરી
- આરોગ્ય કર્મચારીઓને અને ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને પ્રથમિકતા અપશે
- પહેલા તબક્કામાં 30 કોરોડ લોકોને વેક્સિન આપવાનો ભારતનો લક્ષ્યાંક
નવી દિલ્હી : ભારત સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, 16 જાન્યુઆરી, 2021થી કોરોના વેક્સિનેશનની કામગીરી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વેક્સિનેશન પ્રક્રિયામાં આરોગ્ય કર્મચારીઓને અને ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને પ્રથમિકતા આપવામાં આવશે. જેમની સંખ્યા અંદાજે 3 કરોડ છે. જે બાદ 50 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા લોકોને તેમજ ગંભીર બિમારીઓથી પીડાતા લોકોને કોરોના વેક્સિન આપવામાં આવશે. જેમની સંખ્યા 27 કરોડ છે.
બે વાર રાષ્ટ્રવ્યાપી ડ્રાય રનનું આયોજન કરાયું
વેક્સિનેશન પ્રક્રિયા માટે દરેક રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જે માટે બે વાર રાષ્ટ્રવ્યાપી ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોવિડશિલ્ડ અને કોવેક્સિનના ઉત્પાદન કેન્દ્રથી લઇને વેક્સિનેશન બૂથ સુધી પહોંચાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
વેક્સિનને ઇન્સુલેટેડ વાન મારફતે ઉત્પાદન કેન્દ્રથી એરપોર્ટ સુધી પહોંચાડાશે
વેક્સિનને ઇન્સુલેટેડ વાન મારફતે ઉત્પાદન કેન્દ્રથી એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવશે. જ્યાંથી વેક્સિનને કરનાલ(ઉત્તર), મુંબઇ(પશ્ચિમ), ચેન્નાઇ(દક્ષિણ) અને કલકત્તા(પૂર્વ) સહિત ચાર ક્ષેત્રીય વેક્સિન સ્ટોર સુધી પહોંચાડવામાં આવશે. આ ચાર પ્રથમિક વેક્સિન ડેપોમાંથી તમામ રાજ્યમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બનાવવામાં આવેલા સ્ટોર સુધી પહોંચાડવામાં આવશે.
કોરોના રસીને 2થી 8 ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં રખાશે
37 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 29 હજાર કોલ્ડ ચેન સેન્ટર છે. જ્યાંથી રસીને વેક્સિનેશન બૂથ સુધી પહોંચાડવામાં આવશે. પહેલા તબક્કામાં 30 કોરોડ લોકોને વેક્સિન આપવાનો ભારતનો લક્ષ્યાંક છે. જે 6 મહિનામાં પૂર્ણ થશે. જે વેક્સિનેશન ઉત્પાદનકર્તાની ઉત્પાદન ક્ષમતા પર આધારિત રહેશે. કોલ્ડ ચેનમાં ડિપ ફ્રિજર હશે. જ્યાં કોરોના રસીને 2થી 8 ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં રાખવામાં આવશે. વેક્સિનેશન શરૂ થયાના એક દિવસ પહેલા કોરોના વેક્સિનને નિર્ધારિત સ્થળો પર પહોંચાડવામાં આવશે.