નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાઈરસના સંકટ અને તેની આર્થિક અસર અંગેના વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મંગળવારે નોબલ પુરસ્કારથી સન્માનિત અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જી સાથે વાતચીત કરી હતી.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લોકોને આ વિશે માહિતી આપી હતી. તેમને જણાવ્યું કે, તેઓ મંગળવાર સવારે 9 કલાકે કોરોના વાઈરસના રોગચાળા અને તેના આર્થિક પ્રભાવ વિશે ચર્ચા કરશે. જેમાં નોબેલ પુરસ્કાર ઈકોનોમિસ્ટ અભિજીત બેનર્જી સાથે ચર્ચા કરવામાં આવશે. એક દિવસ પહેલા જ કોંગ્રેસે તેના ટ્વિટર પેજ પર રાહુલ અને અભિજિત વચ્ચેના સંવાદને ટ્વીટ કરીને માહિતી આપી હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોના વાઈરસ અને લોકડાઉનને લઈને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર સતત આકરા પ્રહારો કરી રહ્યા છે. રાહુલ ગાંધી સતત સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
કોંગ્રેસે જાણાવ્યું હતું કે, રાહુલ ગાંધી કોરોના વાઈરસથી થતાં આર્થિક સંકટમાંથી બહાર નીકળવાના માર્ગો પર શ્રેણીબદ્ધ ચર્ચામાં સરકારની નિતિ વિશે સવાલો કરશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન સાથે રાહુલ ગાંધીએ આ પ્રકારનો સંવાદ કર્યો હતો. આ સંવાદમાં રાજને કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે અમલમાં મૂકાયેલા લોકડાઉનને કાળજીપૂર્વક દૂર કરવાની હિમાયત કરતાં જણાવ્યું હતું કે, ગરીબોની મદદ માટે તેમના ખાતામાં સીધા પૈસા મોકલવા જોઈએ અને તેના પર લગભગ 65 હજાર કરોડનો ખર્ચ થશે.