નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઈરસનું જોખમ દિવસેને દિવસે વધી રહ્યું છે. દિલ્હીથી લઈને મુંબઈ, બેગલુરુ અને કોલકાતા સુધી કોરોના વાઈરસના પીડિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું છે. જેથી લોકો ઘર કેદ રહેવા માટે મજબૂર થયા છે.
આ બધાની વચ્ચે તંત્ર પણ લોકોની સહાય માટે અવનવી યોજનાઓ લાગુ કરી રહ્યું છે. સાથે લોકો સુધી વહેલી તકે મદદ પહોંચાડવા માટે પણ સજ્જ થયું છે, ત્યારે તમામ રાજ્યોમાં શું સ્થિતિ છે? તે અંગેની જાણકારી મેળવવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા રાજ્યપાલ સાથે મિટિંગ કરી હતી. જેમાં તેમણે રાજ્યની સ્થિતિ અને સુવિધા વિશેની જાણકારી મેળવી હતી.
રાષ્ટ્રપતિ ભવન દ્વારા મળેલી માહિતી અનુસાર, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉપરાષ્ટ્રપતિ સાથે મળીને COVID-19 સંબધિત મુદ્દાઓની ચર્ચા કરી હતી. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના રાજ્યપાલ, ઉપરાજ્યપાલ અને પ્રશાસકો સાથે વાતચીત કરી હતી. સાથે જે તેમના દ્વારા કરાયેલી કામગીરીને બિરદાવીને વધુ મજબૂત રીતે લોકોની સેવા માટે આગળ રહેવા જણાવ્યું હતું.