નવી દિલ્હીઃ કોરોના વાઇરસ મહામારીમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 74,000ને પાર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 3,525 નવા કેસ સામે આવ્યા છે અને 122 લોકોના મોત થયા છે. કુલ સંક્રમિતોમાંથી 47,480 લોકોની સારવાર ચાલી રહી છે.
સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં કોવિડ 19ના 47,480 દર્દીઓની સારવાર થઇ રહી છે, જ્યારે 24,386 લોકો સ્વસ્થ થયા છે અને એક દર્દી દેશની બહાર પણ ગયો છે. મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 31.73 ટકા દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે.
મંગળવારે સવારે કુલ 122 મોતમાંથી સૌથી વધુ મહારાષ્ટ્રમાં 36 લોકોના મોત થયા છે. જે બાદ ગુજરાતમાં 20, મધ્ય પ્રદેશ, તમિલનાડૂ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં 6 લોકોના મોત થયા છે. પશ્ચિમ બંગાળમાં પાંચ અને હરિયાણા તથા જમ્મુ-કાશ્મીરમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.
રાજ્યવાર આંકડા
દેશમાં આ વાઇરસથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 868 લોકોના મોત થયા છે. જે બાદ ગુજરાતમાં 513, મધ્ય પ્રદેશાં 221, પશ્ચિમ બંગાળમાં 190, રાજસ્થાનમાં 113, ઉત્તર પ્રદેશમાં 80, દિલ્હીમાં 73, તમિલનાડૂમાં 53 અને આંધ્ર પ્રદેશમાં 45 લોકોના મોત થયા છે.