નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા શનિવારે 62,000ને પાર પહોંચી હતી, જ્યારે આ મહામારીના કારણે મરનારા લોકોની સંખ્યા 2,109 થઇ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પોતાના દૈનિક અપડેટમાં જણાવ્યું કે, ગત 24 કલાક દરમિયાન 127 મોત બાદ કુલ મૃતકોની સંખ્યા 2,109 થઇ છે, જ્યારે સંક્રમણના 3,277 નવા કેસ સામે આવવાથી કુલ સંક્રમિતોની સંખ્યા 62,939 થઇ છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને કહ્યું કે, કોવિડ-19ની તપાસ વધારીને પ્રતિદિન લગભગ 95,000 કરવામાં આવી છે, જ્યારે 332 સરકારી સ્કૂલ અને 121 ખાનગી લેબમાં અત્યાર સુધી 15 લાખથી વધુ નમૂનાની તપાસ કરવામાં આવી છે.
થોડા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં અવાર-નવાર મોટી સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. કેરલ અને પૂર્વોત્તર સહિત થોડા નાના રાજ્યોમાં સંક્રમણની સંખ્યા ખૂબ ઓછી થઇ છે.
તમિલનાડુમાં શનિવારે કોરોના વાઇરસના કારણે 4 લોકોના મોત થયા હતા અને 526 નવા કેસ સામે આવ્યા હતા. જેથી કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 6,535 થઇ છે.
મહારાષ્ટ્રમાં કોવિડ-19 સંક્રમણના 1,165 નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 20,228 પહોંચી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, ગત 24 કલાકમાં સંક્રમણના કારણે 48 લોકોનાં મોત થયાં છે. જેથી મહારાષ્ટ્રમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 779 થઇ છે.