આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશમાં રવિવારે વહેલી સવારે વિજયવાડાની કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગની દુર્ઘટનામાં આશરે 10 લોકો મોતને ભેટ્યા છે. વિજયવાડાની સુવર્ણ પેલેસ હોટેલને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવામાં આવી હતી, જ્યાં આ આગનો બનાવ બન્યો છે.
આ અંગે તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા તેમણે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું હતું. આ બનાવના સમયે લગભગ 30 દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા અને 10 લોકોનો મેડિકલ સ્ટાફ તેમને અટેન્ડ કરી રહ્યો હતો. રિસેપ્શન એરિયાથી શરૂ થયેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને જ્વાળાઓથી બચવા દર્દીઓએ ગભરાઈને બૂમાબૂમ કરી મૂકી હતી.
ફાયરના જવાનો દ્વારા તરત જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને ફસાયેલા દર્દીઓને બહાર કાઢી લબ્બીપેટ ખાતેની રમેશ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. સમગ્ર ઘટનાની પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કૃષ્ણા જિલ્લાના કમિશ્નર ઈમ્તિયાજે જણાવ્યું હતું કે ઘટના વહેલી સવારના 5 વાગ્યાની આસપાસ બની છે. આખી બિલ્ડિંગને ખાલી કરી દેવાઈ છે. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે.
કોરોના સંક્રમણની દ્રષ્ટીએ આંધ્રપ્રદેશ દેશમાં ત્રીજા નંબરે છે. અહીં 2.17 લાખ કોરોનાના કેસ નોંધાયા છે. 85 હજાર 486 દર્દીની સારવાર ચાલી રહી છે. 1 લાખ 29 હજાર 615 દર્દી સાજા થઈ ગયા છે. જ્યારે 1939 લોકોએ જીવ ગુમાવ્યો છે.