વૉશિંગ્ટનઃ યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મલેરિયાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવા હાઇડ્રોક્સિક્લોરોક્વિનની આડઅસરો અંગે ચેતવણી આપી છે.
ફુડ અને ડ્રગ વિભાગ અનુસાર, આ દવાની આડઅસરથી હ્રદયગતિ સાથે જીવ જોખમ જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે. જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, કોવિડ-19ના ઉપચારમાં આ દવા લાભદાયક છે.
એફડીએએ દવા સુરક્ષા સંવાદમાં કહ્યું હતું કે, કોરોના વાઈરસના દર્દીઓની સારવાર માટે આપત્તિની સ્થિતિમાં આ દવાનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. તેમજ એફડીએ કમિશ્નર સ્ટીફન એમ. હેને કહ્યું કે, "અમે જાણીએ છીએ કે આરોગ્ય કર્મચારીઓ તેમના દર્દીઓ માટેના દરેક સંભવિત વિકલ્પો પર ધ્યાન આપી રહ્યાં છે અને અમે ખાતરી આપવા માંગીએ છીએ કે, અમે તેમને યોગ્ય માહિતી આપી રહ્યાં છીએ. જેથી તેઓ યોગ્ય નિર્ણયો લઈ શકે."
વધુમાં તેમણે કહ્યું કે, 'કોવિડ-19ની સારવારમાં આ દવાઓ કેટલી સલામત અને અસરકારક છે, તે શોધવા માટે ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે, પરંતુ આ દવાઓની આડઅસરોને પણ ધ્યાનમાં લેવી આવશ્યક છે.'
મહત્વનું છે કે, કેટલાક રિપોર્ટમાં સંકેત મળ્યાં છે કે, મલેરિયાની સારવારમાં કામ આવતી દવા કોરોના સંક્રમિત દર્દીને શરૂઆતી સમયમાં ફાયદો આપે છે, પંરતુ હ્રદયરોગથી પીડાતા લોકો માટે આ દવા જોખમી બની શકે છે.