ન્યૂઝ ડેસ્ક : આપણને વિશ્વના નાગરિકોને જણાવાયું છે કે કોરોના વાયરસનો સામનો કરવા માટે બધા જ વિકલ્પો અપનાવાઈ રહ્યા છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી માંડીને બાયોટેક્નોલૉજીનો પણ સમાવેશ થાય છે.
સમગ્ર વિશ્વમાં લૉકડાઉન જેવી સ્થિતિ છે ત્યારે ચીન અને અમેરિકાની સરકારો AI અને ડૅટા એનેલિટિક્સ માટે ખાનગી કંપનીઓને મંજૂરી આપી રહી છે. કોરોનાનો ચેપ લાગ્યો હોય તે વ્યક્તિ ક્યાં છે તે જાણવા માટે ફેસ રેક્ગનિશનથી માંડીને ફોનના લોકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
અહેવાલો અનુસાર ટેન્સેન્ટ અને અલીબાબા જેવી કંપનીઓ ચીની સરકાર સાથે મળીને આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરી રહી છે. ચીન સરકાર એપ્સનો ઉપયોગ કરીને ટ્રાવેલ હિસ્ટ્રી મેળવી રહી છે. આ ઉપરાંત ચેપગ્રસ્ત વિસ્તારમાં વ્યક્તિ કેટલો સમય રહી, કોની કોની સાથે તેની મુલાકાત થઈ તેની માહિતી પણ AI અને એપ્સથી મેળવાઈ રહી છે.
ભારતમાં પણ હવે સ્ક્રિનિંગ માટે એપ્સને પ્રચલિત કરવામાં આવી રહી છે. ચીનમાં આ રીતે માહિતી મેળવવામાં આવે તે પછી અલ્ગોરિધમનો ઉપયોગ કરીને વ્યક્તિઓને આરોગ્ય લક્ષી કોડ આપવામાં આવે છે - પીળો, લાલ અને લીલો. આ કલર કોડના આધારે એ નક્કી થાય કે વ્યક્તિને ક્વૉરન્ટીન કરવાની જરૂર છે કે કેમ અને તેમને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની છુટ છે કે નહિ.
મોટા ભાગના ડૅટાની બાબતમાં નાગરિકોની મરજી ચાલતી નથી. વ્યક્તિ તરફથી અસ્પષ્ટ જવાબ મળે કે ખોટા જવાબ મળે ત્યારે AI સરકારને તેની જાણ કરે છે. તે પછી દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે.
સરકારે બધા જ ખાનગીપણાના સિદ્ધાંતોને બાજુએ રાખીને ખાનગી કંપનીઓને લોકોના ફોન, કમ્પ્યુટર, જાહેર કેમેરાની તપાસ કરવાની મંજૂરી આપી છે જેથી માહિતી મળી શકે. ચીનમાં એક વ્યાપક સામાજિક પદ્ધતિ ચાલે છે, જેને 'કાળો અરીસો અને અંધારું' એવી રીતે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિ હેઠળ દરેક વ્યક્તિના દરેક કાર્ય અને વર્તન પર દેખરેખ રાખવામાં આવે છે. તમારું વર્તન સરકારને માફક આવે તેવું હોય તો ઇનામ મળે છે, પણ વિરુદ્ધમાં હોય તો ટ્રેનમાં બેસવા પણ ના મળે.
પશ્ચિમ તરફ નજર કરીએ તો ઇંગ્લેન્ડ સ્કાય ન્યૂઝે અહેવાલ આપ્યો હતો કે, “સરકાર મોબાઇલ નેટવર્ક O2 સાથે મળીને સ્માર્ટફોનના લોકેશન ડેટાનો ઉપયોગ કરી રહી છે, જેથી લોકો સામાજિક સંપર્કો ટાળવાની માર્ગદર્શિકા પાળી રહ્યા છે કે કેમ તેનો ખ્યાલ આવે.”
ઇઝરાયલે એક ડગલું આગળ વધીને મોબાઇલ સર્વેલન્સનો ઉપયોગ કરીને વ્યક્તિગત મેસેજ મોકલવાનું શરૂ કર્યું છે કે તમને ચેપ લાગ્યો છે કે નહિ.
ફેસબૂક અને ગૂગલ જેવી કંપનીઓ પણ આપણી માહિતી સરકારને મુક્તપણે આપવા લાગી છે. તેનો અર્થ એ કે તમે ગમે ત્યાં હો કોરોના વાયરસનો બીગ બ્રધન તમારા પર સતત નજર રાખી રહ્યો છે. જોકે આ બધું ‘જાહેર આરોગ્ય માટે અને તમારા પોતાના હિત માટે જ છે’. અને આમ પણ આપણે છુપાવવા જેવું છે પણ શું!
અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વૉર AI આધારિત ટેક્નોલૉજીના ઉપયોગ સાથે આગળ વધ્યું છે ત્યારે જોખમ વધી રહ્યું છે. બંને દેશો AI આધારિત સર્વેલન્સ અને મેડિકલ ટેક્નોલૉજીની જબરદસ્ત તાકાતને જાણે છે. ટ્રમ્પ સિલિકોન વૅલીને પસંદ કરનારા નથી, પરંતુ અત્યારે ત્યાંની જ એક કંપની બ્લ્યૂડૉટની મદદ લઈને સર્વેલન્સ સિસ્ટમ તૈયાર કરી છે, જેથી COVID-19ના ફેલાવા પર નજર રાખી શકાય. માઇક્રોસોફ્ટ જેવી બીજી કદાવર કંપનીઓ પણ થોડા જ વખતમાં વ્હાઇટ હાઉસ સાથે જોડાઇને સરકારને દરેક પ્રકારની દેખરેખ માટેની સિસ્ટમ માટે કામ કરતી થઈ જશે. આવી કંપનીઓ એવા ઉત્તમ સર્વેલન્સ ટૂલ્સ બનાવી શકે છે કે તમારા મિનિટે મિનિટના હૃદયના ધબકારા પણ સરકાર સાંભળી શકે
વિશ્વભરમાં કટોકટીની જોગવાઈઓનો ઉપયોગ કરીને ડૅટા કલેક્શનનું કામ ઝડપી બનાવાઈ રહ્યું છે અને સરકારને યુદ્ધ વખતે મળી તેવી સત્તાઓ મળી રહી છે. બ્લ્યૂડૉટના કામરાન ખાને એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે સરકાર સમયસર માહિતી આપશે તેના પર આપણે આધાર રાખી શકીએ નહિ. આના પરથી જ ખ્યાલ આવે છે કે આ પ્રકારના ટેક્નોક્રેટ્સને પણ સરકાર અને લોકતાંત્રિક સંસ્થાઓ પર વિશ્વાસ નથી.