નવી દિલ્હીઃ દેશમાં કોવિડ-19ને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 1,568 થઈ છે અને ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 46433 થઈ છે. તે જ સમયે 32138 લોકો હજી પણ ચેપગ્રસ્ત છે, જ્યારે 12727 લોકો સ્વસ્થ થયા પછી ઘરે પરત ફર્યા છે.
આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. સંયુક્ત સચિવે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 3900 નવા કેસ નોંધાયા છે. તો 195 લોકોના કોરનાને કારણે મોત થયા છે.
સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. તેમણે જણાવ્યું હતું કે હવે દર્દીઓ 27.41 ટકાના દરે સ્વસ્થ થઈ રહ્યા છે. તેમજ સચિવે માહિતી આપી હતી કે ડો.હર્ષ વર્ધનની અધ્યક્ષતામાં આજે ગ્રુપ ઓફ મંત્રીઓની બેઠક મળી હતી.
બીજી તરફ ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ, પુણ્ય સલીલા શ્રીવાસ્તવે કહ્યું કે, સામાજિક અંતર જાળવવા 50 થી વધુ વ્યક્તિઓને લગ્ન કાર્યક્રમમાં ભેગા થવાની મંજૂરી નથી. સાથે સાથે 20 થી વધુ વ્યક્તિઓને મૃતકના અંતિમ સંસ્કારમાં ભેગા થવાની પણ મંજૂરી નથી. દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું આવશ્યક છે.
તેમણે એમ પણ કહ્યું કે જાહેર સ્થળોએ બે યાર્ડ જરૂરી છે. કચેરીઓમાં મોટી સભાઓ ટાળવી જોઈએ. હાલમાં કાર્યરત ઓફિસોએ કર્મચારીઓનું થર્મલ સ્કેનીંગ સુનિશ્ચિત કરવું જોઈએ. પ્રભારીએ ચહેરાના માસ્ક અને સેનિટાઈઝરની પૂરતી ઉપલબ્ધતાની ખાતરી કરવી જોઈએ. આરોગ્ય સેતુ એપ્લિકેશન પર કર્મચારીઓની નોંધણી થવી જોઇએ.