નવી દિલ્હી: ભારતમાં સતત પાંચમાં દિવસે કુલ 6,535 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે કોરોના રોગચાળાથી પ્રભાવિત વિશ્વના ટોચના 10 દેશોમાં સામેલ થયા છે. જો કે, સોમવારે નોંધાયેલા કેસ (6,977 કેસ) કરતા થોડા ઓછા છે. આ સાથે દેશમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 1,45,380 પર પહોંચી ગઈ છે, જ્યારે આ કોરોના વાઈરસે 4,167 લોકોનો ભોગ લીધો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 146 લોકોના મોત નીપજ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા મંગળવાર સવારે આઠ કલાકે જાહેર કરેલા બુલેટિન મુજબ દેશમાં સક્રિય કેસની સંખ્યા પણ 80 હજારથી વધીને 80,722 થઈ ગઈ છે. એટલે કે ઘણાં દર્દીઓની સારવાર વિવિધ હોસ્પિટલોમાં કરવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં કુલ 60,491 દર્દીઓ સ્વસ્થ બન્યા છે. દર્દીઓનો હાલનો સ્વસ્થ થવાનો દર 41.61 ટકા છે, જે અત્યાર સુધીનો સર્વોત્તમ છે. જ્યારે દેશમાં કોરોનાને કારણે મૃત્યુનો દર 2.87 ટકા છે.
17 રાજ્યોમાં 500થી વધું કોરોના પોઝિટિવ કેસ
દેશમાં હાલમાં એવા 17 રાજ્યો છે, જ્યાં ચેપના 500થી વધુ કોરોના પોઝિટિવ કેસો છે. જેમાં 3000થી ઓછા કોરોના પોઝિટિવ કેસ ધરાવતા રાજ્યોનો સમાવેશ થાય છે. બિહાર (2,730), કર્ણાટક (2,182), પંજાબ (2,060), તેલંગાણા (1,920), જમ્મુ અને કાશ્મીર (1,668), ઓડિશા (1, 1,448), હરિયાણા (1,184) અને કેરળ(896) છે.