ન્યૂઝડેસ્ક : જર્મનીના એકીકરણ બાદ, ના, બીજા વિશ્વ યુદ્ધ પછી આપણા દેશમાં આટલી મોટી સમાન અને સંયુક્ત કાર્યવાહીની જરૂર સર્જાઇ હોય તેવો આ પ્રથમ પડકાર આપણી સામે આવ્યો છે." જી હા, તેઓ ‘મેડ ઇન ચાઇના’ કોરોનાવાઇરસને અનુલક્ષીને આમ કહી રહ્યાં હતાં. જર્મની સામે (૨૧મી માર્ચ સુધીમાં) ૨૨,૩૬૪ કેસો આવ્યા, તેમાંથી ૮૪ લોકોને બાદ કરતાં તમામ લોકોને ઉગારી લેવાયા, વૈશ્વિક સ્તરના ૪.૨૬ ટકાની સરેરાશ સામે જર્મનીમાં કોવિડ ૧૯ને કારણે નોંધાયેલા મૃત્યુનો દર ૦.૩૭ ટકા છે.
બીજી તરફ, ઇટાલીમાં (૫૩,૫૭૮ કેસોમાંથી) ૪,૮૨૫ લોકોએ જીવ ગુમાવ્યા, જે ૯ ટકાના મૃત્યુ દર સાથે વિશ્વમાં આ મહામારીને કારણે સૌથી વધુ નાગરિકો ગુમાવનાર દેશોની યાદીમાં મોખરે છે. આપણને પ્રશ્ન થાય કે, જર્મનીએ એવું તે શું કર્યું હતું, જે ઇટાલીએ ન કર્યું? શું તેમાં ભારત માટે કોઇ બોધપાઠ રહેલો છે ખરો? અને અત્યાર સુધી ભારતનું પ્રદર્શન કેવું રહ્યું છે? આ તમામ પાસાંઓ ઉપર નજર નાંખવી યોગ્ય બની રહેશે.
૧૬મી માર્ચના રોજ જીનીવામાં એક પત્રકાર પરિષદને સંબોધતાં હૂ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)ના વડા ટેડ્રોસ એધનોમ ગેબ્રિયેસસે કહ્યું હતું કે - "અમે તમામ દેશોને એક સાદો, સરળ સંદેશ પાઠવીએ છીએ – ટેસ્ટ, ટેસ્ટ, ટેસ્ટ... તમામ શંકાસ્પદ કેસોનો ટેસ્ટ કરાવો... અપૂરતી જાણકારી કે અપૂરતી સજ્જતા સાથે આ મહામારીને લડત આપી શકાશે નહીં." જર્મનીએ આ સંદેશો આત્મસાત કર્યો, પ્રમાણમાં હળા જણાતા કેસોનું પણ સઘનપણે ટેસ્ટિંગ કર્યું. ભારતની માફક તેણે પણ તેની શાળાઓ અને જાહેર સ્થળોને તાળાં મારી દીધાં, લોકોના જમાવડા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો અને ટૂંક સમયમાં તે લોકડાઉન (તાળાબંધી)નો આશરો પણ લઇ શકે છે. તેમ છતાં, અન્ય કોઇપણ દેશની માફક, ત્યાં હજી પણ નવા કેસો ફૂટી રહ્યા છે. ૧૦મી માર્ચના રોજ જર્મનીમાં કુલ ૩૪૧ કેસો હતા, તે વધીને ૨૦મી માર્ચે ૪,૫૨૮ થયા હતા. સ્પેશ્યાલિસ્ટ્સ તેને ‘કમ્યુનિટી ટ્રાન્સમીશન’ ગણાવે છે અને આ મહામારી ક્યાં સુધી રહેશે, તેનો તેમની પાસે કોઇ જવાબ નથી.
ભારત વહેલી તકે આ રોગચાળાના પડકારની ગંભીરતા પામી જઇને સઘન પગલાં લેવાનું શરૂ કરી દેનારા ગણ્યાગાંઠ્યા દેશો પૈકીનું એક હતું. બિહામણી આંકડાકીય વાસ્તવિકતાઓ નજર સામે આવી રહી હોવા છતાં, નવી દિલ્હીએ પહેલી ફેબ્રુઆરીથી વુહાન (ચીન) ખાતેથી તેના નાગરિકોને ખસેડવાનું શરૂ કરી દીધું. ચોથી ફેબ્રુઆરીના રોજ કોઇ પણ વ્યક્તિના ચીનથી ભારતના પ્રવાસ ઉપર પ્રતિબંધ ફરમાવી દેવાયો. ચાઇનિઝ નાગરિકોને જારી કરવામાં આવેલા વિઝા પણ રદ કરી દેવાયા. આ પ્રતિબંધ ક્રમશઃ જાપાન, દક્ષિણ કોરિયા, યૂરોપ, મલયેશિયા, ઇરાન, ખાડીના દેશો તેમજ અન્ય દેશો સુધી વિસ્તરતો ગયો. હવે ભારતે ૨૨થી ૨૯ માર્ચ સુધી તેની તમામ હવાઇ સેવાઓ બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે.
9મી માર્ચથી ૧.૧ અબજ ભારતીય મોબાઇલ ફોન વપરાશકર્તાઓ કોવિડ-૧૯ના વ્યાપને અટકાવવાને લગતા, સરકાર માન્ય ટૂંકા પ્રિ-રેકોર્ડેડ મેસેજ સાંભળતા થયા "હાથને નિયમિતપણે સાબુ વડે સાફ કરો અને તમારા ચહેરા, આંખો તથા નાકને સ્પર્શ કરશો નહીં." આ સૌથી સફળતમ અભિયાનો પૈકીનું એક હતું, જેણે આપણા દેશના ખૂણે-ખૂણે જાગૃકતા જગાવી.
ત્યારથી લઇને, સોશ્યલ ડિસ્ટન્સિંગ લાગુ કરવા માટે અને આ ચેપી રોગનો પ્રસાર અટકાવવા માટે શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યાં છે. ૧૮મી માર્ચના રોજ દેશને આપેલા રાષ્ટ્રજોગ સંદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સંકલ્પ અને સંયમ’ની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. તેમણે અતિશય ભય કે અતિશય હરખ – બંનેથી ચેતવ્યા હતા. તેઓ રવિવાર, ૨૨મી માર્ચના રોજ ‘જનતા કરફ્યૂ’માં સ્વૈચ્છિકપણે સામેલ થવાનો અનુરોધ કરીને દેશને સંભવિત અંશતઃ કે સંપૂર્ણ તાળાબંધી (લોકડાઉન) માટે સજ્જ કરી રહ્યા છે. આ યુદ્ધ પહેલાંના એક ફુલ-ડ્રેસ રિહર્સલ સમાન કાર્યવાહી છે. અને આ યુદ્ધનો એક ઉમેરારૂપ પડકાર એ છે કે, શત્રુ કદાવર, અજાણ્યો અને અદ્રશ્ય છે.
ભારત કોવિડ-૧૯ના શંકાસ્પદ કેસોના ટેસ્ટિંગ અને સ્ક્રીનિંગની ક્ષમતા વધારવા માટે પણ પ્રયાસ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં (૨૦મી માર્ચ સુધીમાં) આશરે ૧૪,૫૧૪ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, જે એક રીતે જોતાં ઓછું છે. ઉદાહરણ તરીકે, મહામારીને નિયંત્રણ હેઠળ લાવનાર દક્ષિણ કોરિયા (વસ્તી ૫૧ મિલિયન)એ સમાન સમયગાળામાં ૩,૧૬,૬૬૪ ટેસ્ટ્સ હાથ ધર્યા હતા. વધારાની ૧૦ લાખ ટેસ્ટ કિટ્સ વિદેશમાંથી પ્રાપ્ત કરવામાં આવી રહી છે અને ટેસ્ટિંગ કિટના ઉત્પાદન માટેની સ્થાનિક ક્ષમતાઓ વિકસાવવામાં આવી રહી છે.
આ કટોકટીને સ્થાનિક સ્તરે અંકુશમાં લાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંકલ્પના અને ભારતની જવાબદારીની ભાવના દર્શાવતાં, ભારત પાડોશી દેશો સાથે પોતાનાં સંસાધનો તથા ક્ષમતાઓની વહેંચણી કરવા માટે ઉત્સુકતા દર્શાવતું આવ્યું છે. ગત મહિને ચીનને ૧૫ ટન ફેસ માસ્ક્સ, ગ્લવ્ઝ અને અન્ય પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો. માલદિવ્ઝ, બાંગ્લાદેશ અને ભુટાન જેવા દેશોએ સહાય માટે ભારતને વિનંતી કરી છે. પીએમ મોદીએ ૧૫મી માર્ચના રોજ વિડિયો કોન્ફરન્સ થકી સાર્ક સમિટને સંબોધી હતી, જેમાં તેમણે કોરોનાવાઇરસનો સામનો કરવા માટે સાર્ક ઇમર્જન્સી ભંડોળ સ્થાપવાની દરખાસ્ત કરી હતી અને પ્રારંભમાં ૧૦ મિલિયન ડોલરની સહાય પૂરી પાડવાની કટિબદ્ધતા દર્શાવી હતી. તેમના સૂચનના આધારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ ટૂંક સમયમાં જ સ્થિતિના સહનિર્દેશન માટે તથા શ્રેષ્ઠ કામગીરી હાથ ધરવા માટે જી-૨૦ વિડિયો સમિટ સંબોધશે.
આ મહામારીને નાથતાં હજી કેટલો સમય લાગશે, તેનું અનુમાન કરવું આ તબક્કે શક્ય નથી. જોકે, એક વાત ચોક્કસ છે કે, તેનાથી માનવીની સાથે આર્થિક દ્રષ્ટિએ ઘણી પાયમાલી સર્જાશે. ભારત સહિતના વિશ્વના દેશો અગાઉથી જ આર્થિક મંદીનો સામનો કરી રહ્યા હતા. એક અંદાજ પ્રમાણે, આ કટોકટીની સમય અવધિ અને તીવ્રતાના આધારે વૈશ્વિક જીડીપી વૃદ્ધિ દર ૦.૫ ટકાથી એક ટકા ઘટી જશે. વૈશ્વિક જીડીપી ૮૭ ટ્રિલિયન ડોલર છે, તે જોતાં, 5૦૦ અબજ ડોલરથી એક ટ્રિલિયન ડોલર જેટલું નુકસાન થશે, જે વિશ્વને વધુ એક આર્થિક મંદી તરફ ધકેલશે. આ સમયે, પ્રત્યેક દેશ આર્થિક પુનરુત્થાનનો વિચાર કરતાં પહેલાં માનવ જીવનને બચાવવા તરફ અને પ્રસરણના ચક્રને તોડવા તરફ પોતાની ઊર્જાઓ વાપરી રહ્યો છે.
પ્રોત્સાહક બાબત એ છે કે, દેશ રાજકીય મતભેદોને ભૂલાવીને આ આવી પડેલી અભૂતપૂર્વ આફતને મ્હાત આપવા માટે એકજૂટ થઇને ઊભો છે. સોશ્યલ ડિસ્ટન્સિંગ અને ભારે સંયમ એ સામુદાયિક પ્રસરણના ત્રીજા તબક્કાની ચાવી છે. એઇમ્સના એક વિચક્ષણ ફિઝિશિયન કહે છે, "આ વાઇરસનો અહમ ઘણો મોટો છે. તે સામે ચાલીને તમારા ઘરે નહીં આવે. જો તમે બહાર નિકળીને તેને તમારા ઘરે આવવાનું આમંત્રણ આપશો. તો જ તે આવશે."
(દક્ષિણ કોરિયા અને કેનાડાના ભૂતપૂર્વ દૂત તથા બાહ્ય બાબતોના મંત્રાલયના પ્રવક્તા એમ્બેસેડર વિષ્ણુ પ્રકાશ વિદેશી બાબતોના વિશ્લેષક તેમજ લેખક છે.)