ભારત સહિતના ઘણા દેશો વિવિધ વાઇરસોની જિનેટિક રચના અંગે સંશોધન કરવા માટે તથા જિનોમનું વિશ્લેષણ કરવા માટેની માળખાકીય સુવિધા ધરાવે છે. જોકે, એવા ઘણા વાઇરસો મોજૂદ છે, જેમની રસી હજી સુધી શોધી શકાઇ નથી. વિજ્ઞાનીઓ કેટલાક સમયથી ચેતવણી આપી રહ્યા છે કે, કોરોના વાઇરસ માટેની રસી તૈયાર કરવી એ એટલું સરળ કાર્ય નથી. કોરોના વાઇરસમાં થનારાં અણધાર્યાં પરિવર્તનો સંશોધકો માટે ગંભીર પડકાર ઊભો કરે છે. છટકી જતો લક્ષ્યાંક વિજ્ઞાનીઓની દ્રઢતા અને સંકલ્પમાં વધારો કરી રહ્યો છે. આ મહામારીનો જિનોમ 7 જાન્યુઆરીના રોજ ચીન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં ઘણી મેડિકલ તથા ફાર્માસ્યુટિકલ કંપનીઓ આશરે છ હજાર જેટલાં રિસર્ચ પેપર્સ પ્રસિદ્ધ કરી ચૂકી છે અને જ્યારે તમામ લોકો ઝડપથી અસરકારક વિષ મારણ શોધવાની દુર્લભ ઘટના તરફ આતુરતાપૂર્વક નજર દોડાવી રહ્યા છે, તેવા સમયે બહુ-પરિમાણીય સંશોધનો સફળ તારણ તરફ આગળ વધી રહ્યાં છે – તે અહેવાલોએ આ મહાભયાનક દુર્ઘટનાનો અંત આણવા ક્ષેત્રે નવી આશાનો સંચાર કર્યો છે! કોરોનાથી પીડાઇ રહેલા વિશ્વ માટે આ સમચારા અંધારામાં આશાના કિરણસમાન છે.
થોડા જ મહિનાઓમાં આવી રહી છે કોરોનાની રસી ?
વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોનાનો નિર્દયી પંજો ફરી વળ્યો છે અને તેનું આક્રમણ હજી પણ યથાવત્ છે. સમગ્ર વિશ્વમાં લગભગ 40 લાખ કેસો અને 2,73,000 મોત સાથે કોરોનાના સ્વરૂપમાં એક ભયાવહ હોનારત આકાર પામી છે! સૌથી વધુ જાનહાનિ વહોરનારા દેશોની યાદીમાં અમેરિકા બાદ બ્રિટન, ઇટાલી અને સ્પેન જેવા દેશોનો ક્રમ આવે છે. 56 હજાર કરતાં વધુ કેસો અને આશરે 1900 લોકોનાં મોત સાથે ભારતમાં પરિસ્થિતિ ડરામણી બની રહી છે. ઘણા દેશોમાં 90,000 જેટલા હેલ્થ કેર વર્કર્સને પ્રભાવિત કરનારા કોરોનાએ માનવ અસ્તિત્વ સામે સર્જેલા જોખમને પગલે આખું વિશ્વ આ મહામારીને નાથી શકે તેવી રસીની રાહ જોઇ રહ્યું છે.
પોતાના ગુણવત્તાયુક્ત સંશોધન અને નવાં સંશોધનો માટે પ્રસિદ્ધ ઇઝરાયેલ કોવિડના દર્દીઓને ઝડપથી સાજા થવામાં મદદ મળી રહે, તે માટે સારવારની નવી પદ્ધતિ રજૂ કરે તેવી શક્યતા છે. જો દર્દીના શરીરમાં મોજૂદ વાઇરસને મારી નાંખી શકે તેવાં એન્ટિબોડીઝનું વ્યાવસાયિક ઉત્પાદન શક્ય તેટલી ઝડપથી શરૂ થાય, તો કોવિડને નિયંત્રિત કરવા ક્ષેત્રે આ એક મહત્વનું કદમ બની રહેશે. પ્રતિષ્ઠિત ઓક્સફર્ડ યુનિવર્સિટીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે, એડિનોવાઇરસ સાથે તૈયાર કરવામાં આવેલી રસીના ચિમ્પાન્ઝી પરના ઔષધીય પ્રયોગો સફળ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વયં એ વાતની પુષ્ટિ કરી છે કે, ભારતમાં વિવિધ તબક્કા પર ઓછામાં ઓછી 30 વેક્સિન ટ્રાયલ્સ ચાલી રહી છે. સાથે જ બીજા રાહતના સમાચાર એ પણ છે કે, ઇબોલાની સારવારમાં રેમેડીઝાઇવિર સાથે ઉપયોગમાં લેવાતી ચાર પ્રકારની દવાઓ કોરોના સામે લડત આપવા માટે પણ સક્ષમ છે. રસીઓ (વેક્સિન) પ્લેગ, ઓરી, શીતળા, પોલિયો વગેરે જેવી વિશ્વમાં ભારે પાયમાલી નોતરનારી અત્યંત ઘાતક મહામારીઓને નિયંત્રિત કરવાનો અભૂતપૂર્વ રેકોર્ડ ધરાવે છે. નિષ્ણાતોનો અંદાજ છે કે, જ્યારે કોરોના માટેની રસી થોડા મહિનાઓમાં તૈયાર થઇ જશે, ત્યારે ગણ્યા-ગાંઠ્યા મહિનાઓની અંદર જ તે વિશ્વની 780 મિલિયન વસ્તીમાંથી 50થી 70 ટકા વસ્તી માટે વપરાવી જોઇએ. અત્યંત વ્યાપક સ્તરે જરૂરી ડોઝ તૈયાર કરવો એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ ફાર્માસ્યુટિકલ કંપનીઓ સામેનો વાસ્તવિક પડકાર છે. જ્યારે પણ રસી શોધાય, ત્યારે વિશ્વનાં રાષ્ટ્રોએ ભેદભાવ રાખ્યા વિના માનવ સમુદાયને તે પોષણક્ષમ અને સસ્તી કિંમતે મળી રહે, તે માટે એક્તા દાખવવી જોઇએ. આવી મજબૂત તાકાતના નિદર્શન થકી જ કોરોનાને નિયંત્રિત કરીને તેને ડામી શકાશે.