ન્યૂઝ ડેસ્કઃ સમગ્ર વિશ્વ કોરોનાવાઇરસનો બીજો રાઉન્ડ શરૂ થવાની આશંકા સેવી રહ્યું છે, ત્યારે બ્રિટને આંશિક ધોરણે શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો છે. અત્યારે, જેમનાં માતા-પિતાનો મહત્વની વર્કફોર્સમાં સમાવેશ થતો હોય, ફક્ત તેવાં બાળકોને જ શાળાએ જવાની પરવાનગી આપવામાં આવી છે. ચાઇલ્ડ કેર સેન્ટર્સને કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. સરકારે શાળાઓને ડિજિટલ વર્ગો માટે સજ્જ થવા જણાવી દીધું છે. ત્રણ તબક્કાના આયોજનના બીજા તબક્કામાં, પૂર્વ-પ્રાથમિક (પ્રિ-પ્રાઇમરી) અને પ્રાથમિક શાળાઓને વર્ગો શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે. દરેક વ્યક્તિએ બે મીટરના ફિઝિકલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. બ્રિટને તેના નાગરિકોને જાહેર પરિવહનનો ઉપયોગ ટાળવા માટે જણાવ્યું છે અને તેના સ્થાને મુસાફરી માટે તેમનાં પોતાનાં વાહનોનો ઉપયોગ કરવા જણાવ્યું છે. સરકારે ખાસ બાઇસિકલ ટ્રેક માટે જીબીપી 2 અબજની ફાળવણી કરી છે. ટ્રેનોમાં વધુ પડતી ભીડને ખાળવા માટે સરકારે ઓફિસોને શિફ્ટના સમયમાં ફેરફાર કરવા માટે જણાવ્યું હતું.
નાગરિકોને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરીને તેમનાં પોતાનાં વાહનોમાં મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તર આયર્લેન્ડમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. બ્રિટન બાળકો, વયોવૃદ્ધ અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને/અથવા કેમોથેરેપીના દર્દીઓની ખાસ સંભાળ રાખી રહ્યું છે. વૃદ્ધાશ્રમો તથા વૃદ્ધો માટેનાં કેર હોમ્સમાં નિયમિતપણે ટેસ્ટિંગ અને તપાસ હાથ ધરાશે. શુક્રવારથી દરેક કેર હોમ માટે એક ડોક્ટરની વ્યવસ્થા કરવામાં આવશે. સરકાર તેમના સંસદ ગૃહને અનુકરણ કરવાયોગ્ય વર્કપ્લેસ મેનેજમેન્ટનું આદર્શ દ્રષ્ટાંત બનાવવા ક્ષેત્રે કાર્યરત છે. બ્રિટનનું સંસદ ગૃહ ઓછાં સત્રો અને સોશ્યલ ડિસ્ટન્સિંગનાં વધુ પગલાં સાથે ટૂંક સમયમાં જ કામગીરી શરૂ કરશે. તાજેતરનાં સત્રો દરમિયાન, ગૃહની અંદર માત્ર 50 ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રવેશવાની પરવાનગી આપવામાં આવી હતી. બાકીના સાંસદોએ વિડિયો કોન્ફરન્સ થકી ભાગ લીધો હતો.
આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ તેમની અંગત વિગતો સરકાર સમક્ષ પ્રગટ કરવાની રહેશે. વધુમાં, તેમણે NHS કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ ડાઉનલોડ કરવાની રહેશએ. જો તેઓ હોમ આઇસોલેશનમાં ન જઇ શકે, તો સરકાર તેમને ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઇનમાં મૂકશે. ત્રીજા તબક્કામાં તમામ વ્યવસાયોને કામ કરવાની છૂટ આપવામાં આવશે. ચોથી જુલાઇથી, સલોન, પબ, ધાર્મિક સ્થળો, રેસ્ટોરન્ટ્સ, સિનેમા હોલ્સ અને રિટેલ આઉટલેટ્સને લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવશે. પરંતુ દરેક આઉટલેટે સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું અચૂક પાલન કરવાનું રહેશે. વિજ્ઞાનીઓ એ તારણ પર આવ્યા છે કે, વાઇરસ કપડાં ઉપર દિવસો સુધી સક્રિય રહે છે. આથી, દરેક વ્યક્તિએ સેનિટાઇઝર હમેશા સાથે રાખવાનું રહેશે. સરકારે લોકોને રોજેરોજ વસ્ત્રો ધોવાની સલાહ આપી છે.