નવી દિલ્હી: વિદેશ મંત્રાલયે ગુરૂવારે જણાવ્યું કે, ભારત કોરોના વાયરસથી અસરગ્રસ્ત હુબેઈ પ્રાંતમાંથી પાકિસ્તાની વિદ્યાર્થીઓને બચાવવા વિચાર કરી શકે છે. જો કે, મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે, પાકિસ્તાને હજૂ સુધી આવો કોઈ અનુરોધ કર્યો નથી.
કોરોના વાયરસથી અસરગ્રસ્ત વુહાન શહેરમાં અને હુબેઈ પ્રાંતમાં ફસાયેલા પાકિસ્તાની વિદ્યાર્થીઓએ તેમને ચીનમાંથી બહાર લાવવા માટે ઈમરાન ખાનની સરકારને ઘણી વખત અપીલ કરી છે.
પાકિસ્તાની વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી અપીલના સંદર્ભે ભારત તેમને ત્યાંથી બચાવવામાં મદદ કરી શકે છે, એવા પૂછવામાં આવેલા પ્રશ્નમાં વિદેશ પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, પાકિસ્તાન સરકારે હજૂ સુધી કોઈ પ્રકારનો અનુરોધ કર્યો નથી, પરંતુ જો આ પ્રકારની કોઈ સ્થિતિ ઉત્પન્ન થશે તો પ્રાપ્ત સંસાધનોને ધ્યાનમાં રાખીને અમે આ અંગે વિચાર કરશું.
જો કે, તેમણે એ સ્પષ્ટ નથી કર્યું કે, અનુરોધમાં વિચાર કરવા માટે શરતો શું હશે. ભારત વુહાનમાંથી શનિવારે અને રવિવારે માલદીવના 7 નાગરિકો સહિત 654 લોકોને પરત લાવ્યું છે.
ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા પર પાકિસ્તાની વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને પોતાની સરકારને પણ આવું કરવા અંગે કહ્યું હતું.