દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં કોરોના વાઇરસના વધી રહેલા પોઝિટિવ કેસને કારણે સરકાર ચિંતામાં છે. બીજી તરફ આ તમામ વચ્ચે ઉત્તરાખંડના કેબિનેટ પ્રધાન સતપાલ મહારાજ અને તેમના સમગ્ર પરિવારનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શનિવારે સતપાલ મહારાજની પત્ની અમૃતા રાવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ આરોગ્ય વિભાગે સતપાલ મહારાજ અને તેમના પરિવારના લોકોના સેમ્પલ લીધા હતા. જેમાં તેમના નિવાસ સ્થાને કામ કરનારા કર્મચારીઓના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગે સતપાલ મહારાજ સહિત 41 લોકોના સેમ્પલ લીધા હતા. જેમાં સ્ટાફના 35 લોકો પણ સામેલ છે.
કોણ-કોણ આવ્યું કોરોના પોઝિટિવ?
સતપાલ મહારાજ, તેમના પુત્ર અને પુત્રવધૂનો કોરોના પોઝિટિવ આવ્યો છે. એક દિકરાના રિપોર્ટમાં આશંકા છે. જેથી તેમનું સેમ્પલ બીજી વખત લેવામાં આવશે. આ સાથે જ તેમના સ્ટાફના 17 લોકો પણ પોઝિટિવ મળી આવ્યા છે. આ ઉપરાંત તેમના સ્ટાફના 12 લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
આરોગ્ય વિભાગે સતપાલ મહારાજના ઘરે કામ કરનારા તમામ કર્મચારીઓને ઈન્સ્ટીટ્યૂશનલ ક્વોરેન્ટાઈન કર્યા છે. આ સાથે જ મહારાજના પરિવારને દેહરાદૂનની હોટલમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો છે.
શનિવારે કેબિનેટ પ્રધાન સતપાલ મહારાજની પત્ની અમૃતા રાવતનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને ઋષિકેશ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યાં છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.