અયોધ્યા: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ગુરુવારે ટ્વિટ કર્યું હતું કે, રામ મંદિર માટે નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. એન્જિનિયરો સ્થળ પર જમીનની ચકાસણી કરી રહ્યાં છે. મંદિરના નિર્માણમાં દેશની પ્રાચીન અને પરંપરાગત બાંધકામ શૈલીનું ધ્યાન રાખવામાં આવશે. આ ભવ્ય મંદિર ભૂકંપ, તોફાન અને અન્ય કુદરતી આફતો સામે ટકી રહેવા સક્ષમ હશે.
ટ્રસ્ટે વધુ માહિતી આપી હતી કે, 'મંદિરના નિર્માણમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવશે નહીં. મંદિરના નિર્માણ માટે, કોપર પ્લેટનો ઉપયોગ કરવામાં આવશે. જે એકબીજા સાથે પત્થરના બ્લોક્સને જોડી રાખશે.'
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે અન્ય એક ટ્વિટમાં જણાવ્યું છે કે, 'આ પ્લેટ 18 ઇંચ લાંબી, 30 મીમી પહોળી અને 3 મીમી ઉંડી હશે. કુલ રચનામાં 10,000 કોપર પ્લેટોની જરૂર પડશે. શ્રી રામભક્તોને ટ્રસ્ટને આવી તાંબાની તકતીઓનું દાન કરવા હાકલ કરીએ છીએ.'
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ જન્મભૂમિ સ્થળ પર 'ભૂમિપૂજન'માં ભાગ લેવા 5 ઓગસ્ટે અયોધ્યાની મુલાકાતે ગયા હતા. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પણ ભૂમિપૂજનના સમારોહમાં સ્થળ પર હાજર હતા.