તેમના છોગામાં વધુ એક પીછું હાલમાં જ ઉમેરાયું છે. લગ્ન બાદ અને ખાસ કરીને માતા બન્યા બાદ તેમણે બે વર્ષ માટે રમવાનું અને પ્રેક્ટિસ કરવાનું છોડી દીધું હતું. પરંતુ બે વર્ષ બાદ રમતમાં પાછા ફરીને વધુ એક સિદ્ધિ તેણે મેળવી લીધી છે. બે વર્ષના ગાળા બાદ પૂર્ણકાલિન ચેમ્પિયન્સ તરીકે તેણે પુનરાગમન કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. તેણે ચેસની દુનિયાનું સર્વોચ્ચ સન્માન ‘વર્લ્ડ ચેમ્પિયન’ મેળવી લીધું અને તે પણ ગેમના એવા ફોર્મેટમાં જે તેના માટે સાનુકૂળ ગણાતું નહોતું!
આ છે આપણા ચેસ ગોલ્ડ ચેમ્પ કોનેરુ હમ્પીની સફળતાની યાત્રા! કોનેરુ હમ્પી ભારતની મહિલા ચેસનો ચહેરો બની ગઈ છે. મહિલા ચેસમાં અત્યાર સુધીમાં ભારતને મળતી આવેલી સફળતા પાછળ કોનેરુની જ ચાલ છે. ચેસના ક્ષેત્રમાં દેશમાં ક્રાંતિ લાવવાનું કામ વિશ્વનાથ આનંદે કર્યું હતું અને એવી જ ક્રાંતિ મહિલા ચેસના ક્ષેત્રમાં લાવવાનું કામ કોનેરુ હમ્પીએ કર્યું છે. 1997માં હમ્પીએ નાની વયે જ નામના મેળવી હતી. તેમણે અંડર-10, અંડર-12 અને અંડર-14 બધી જ કેટેગરીમાં વર્લ્ડ યૂથ ચેસમાં ગોલ્ડ મેડલ્સ મેળવી લીધા હતા. તે પછી વધુ એક રેકર્ડ 2002માં કર્યો, જ્યારે સૌથી નાની વયની મહિલા એથ્લિટ (15 વર્ષ અને 67 દિવસ) તરીકેનો જુડિથ પોલગરનો રેકર્ડ તોડી નાખ્યો. તે પછીય કોનેરુ એક પછી એક સિદ્ધિ મેળવતી જ રહી છે.
જોકે આટલી સિદ્ધિઓની યાદી વચ્ચે હમ્પીના નામે વર્લ્ડ ચેમ્પિયશીપનું ટાઇટલ નહોતું. વિશ્વનાથ આનંદ પછી દેશના ચાહકો તેના માટેની આશા રાખીને બેઠા હતા.
- લગ્ન પછી કાંસ્ય અને માતા બન્યા પછી સુવર્ણ!
કોઈ પણ પ્રકારની ગેમ હોય, એથ્લિટ સ્ત્રી માટે લગ્ન પછી અને માતા બન્યા બાદ કરિયર આગળ વધારવી શક્ય નથી તેવી માન્યતા રહેતી હોય છે. કોનેરુ હમ્પીએ માતા બન્યા પછી ચેમ્પિયન બનીને તે માન્યતા ખોટી પાડી છે. હમ્પીના લગ્ન 2014માં દસારી અણવેશ સાથે થયા હતા. તે પછીના વર્ષે તેમણે વર્લ્ડ વિમેન્સ ચેસ ચેમ્પિયનશીપ (ક્લાસિક ફોર્મેટ)માં કાંસ્ય મેળવી લીધો હતો. જોકે તે પછી દીકરીના જન્મના કારણે તેમણે બે વર્ષ માટે તેમણે ચેસની રમતને બાજુએ રાખવી પડી હતી. બે વર્ષના વિરામ બાદ તેમણે ગયા વર્ષે કમબેક કર્યું ત્યારે ઘણાને સવાલ થયો હતો કે, કેવી ચાલ ચાલી શકશે. પણ હમ્પીએ બધાને ખોટા પાડ્યા અને ફરી જીત મેળવવાનું શરૂ કર્યું. બહારથી કે વિદેશમાંથી કોચિંગ લીધા વિના માત્ર પિતાની મદદથી તેણે ફોર્મ પાછું મેળવી લીધું.
2019ના વર્ષનું FIDE ગ્રાં પ્રી ટાઈટલ જીતીને તેમણે સૌને ચોંકાવી દીધા. તેમના કરિયરની એ સૌથી મોટી જીત હતી. હમ્પીએ વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો ત્યારે ખાસ આશા કે અપેક્ષા નહોતી. મીડિયાએ પણ આ બાબતમાં બહુ ધ્યાન આપ્યું નહોતું. આમ છતાં તેઓ એક પછી એક લેવલ જીતતા ગયા અને આખરે રસાકસીભર્યા ટાઇબ્રેક બાદ ટાઇટલ પણ જીતી લીધું.
- વિપરિત ફોર્મેટમાં મેળવી જીત
હમ્પીએ એવા ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી લીધી, જે તેમના માટે રસનું અને સાનુકૂળ ફોર્મેટ ગણાતું નહોતું. તેઓ ક્લાસિક ફોર્મેટ જ પસંદ કરતા હતા અને આ ફોર્મેટમાં ભાગ્યે જ તેમની કોઈ સફળતા હતી. રેપીડ ગેમ્સમાં રમવા માટે તેમનો એટલો આત્મવિશ્વાસ ક્યારેય નહોતો. તેથી જ વર્તમાન ટુર્નામેન્ટમાં ટાઈટલ માટે ખાસ આશા પણ નહોતી. મોસ્કોમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ટોપ 3મા સ્થાન મેળવવાના લક્ષ્ય સાથે તે ઉતરી હતી. જોકે ટુર્નામેન્ટમાં તેની શરૂઆત સારી થઈ અને ટાઇટલ માટે ફેવરિટ ગણાતી લી ટિંગ્જી આખરી રાઉન્ડમાં ભૂલો કરવા લાગી તેના કારણે હમ્પીનો આત્મવિશ્વાસ વધ્યો હતો.
આખરે ટાઇબ્રેકમાં વિજય સાથે તે ચેમ્પિયન બની. જીત બાદ હમ્પીએ કહ્યું હતું, “રેપીડ એન્ડ બ્લીટ્ઝ’ મારી પસંદનું ફોર્મેટ નથી. છેલ્લે દિવસે જે રીતે મેચની શરૂઆત થઈ ત્યારે ટાઇટલ જીતવાની મને આશા નહોતી. ટાઇબ્રેક રમવાનું આવશે તેવી પણ કલ્પના નહોતી. પરંતુ ક્વોલિટી ગેમ સાથે વર્લ્ડ ટાઈટલ જીતવાનો સંતોષ છે. મને માફક ના આવતી રેપીડ ચેમ્પિયનશીપ જીત્યા પછી મારો આત્મવિશ્વાસ બુલંદ બન્યો છે”.
કોનેરુના પિતા કોનેરુ અશોક પોતે પણ એથ્લિટ છે. તેઓ શાળા સ્તરેથી રમતા થયા હતા અને બાદમાં ચેસને કરિયર તરીકે અપનાવ્યું હતું. તેઓ રાષ્ટ્રીય કક્ષાએ ચેસ રમ્યા હતા. રમત-ગમતના શોખીન તરીકે તેઓ પોતાની દીકરીનું નામ રમતજગત સાથે સંકળાયેલું હોય તેવું અનોખું રાખવા માગતા હતા. તેથી તેમણે નામ રાખ્યું હમ્પી, જે અંગ્રેજી સ્પેલિંગ પ્રમાણે ચેમ્પિયનના વચ્ચેના (‘cHAMPIon’) અક્ષરો છે. પોતાનો વારસો દીકરીને આપ્યો અને હમ્પીને પણ ચેસની ખેલાડી બનાવી.
વર્લ્ડ ચેમ્પિયન બનીને હમ્પીએ પિતાનું સપનું પૂરું કર્યું છે. પિતાએ જેના પરથી નામ પસંદ કર્યું હતું તે ચેમ્પિયન શબ્દ પણ તેણે સાર્થક કર્યો. જોકે હાલમાં જ તેણે પોતાનો સ્પેલિંગ બદલીને ‘Humpy’ એવો કર્યો છે. હમ્પીનો આ પાંચમો વર્લ્ડ કપ મેડલ છે. અગાઉ તેણે (વર્ષ 1997, 1998 અને 2000માં) ત્રણ વર્લ્ડ યૂથ ગોલ્ડ મેડલ્સ જીત્યા છે. 2005માં વર્લ્ડ ટીમ બ્રોન્ઝ મેળવ્યો હતો. આખરે વર્લ્ડ રેપિડ ગોલ્ડમાં ગોલ્ડ મેડલ મેળવીને હમ્પીએ 'ચેસની રાણી'નું બિરુદ પણ મેળવી જ લીધું છે.