જયપુર: ચીન અને ભારતીય સેના વચ્ચે થયેલા વિવાદ અંગે કૉંગ્રેસે કેન્દ્ર સરકારને 5 સવાલો પૂછ્યા છે. કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષાપ્રધાન રાજનાથ સિંહ ચૂપ કેમ છે.
કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, આ ઘટના બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે. તેમણે કહ્યું કે, ભારત-ચીન સરહદ પર ચીનની સેનાએ ભારતની અંદર આવી આપણા ઉચ્ચ સૈન્ય અધિકારીઓ અને બહાદુર સૈનિકોને જાનહાની કરી છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન અને રક્ષાપ્રધાન શા માટે ચૂપ છે. આ મામલે કોંગ્રેસ તરફથી 5 સવાલો પૂછતાં તેમણે કહ્યું કે, કોંગ્રેસનો પહેલો સવાલ એ છે કે શું ચીની આર્મીએ હુમલો કરીને ગલવાન વેલી લદ્દાખમાં આપણા સૈનિકો માર્યા ગયા છે. જો આ સ્થિતિ છે તો રક્ષાપ્રધાન અને વડાપ્રધાને શા માટે આ મામલે મૌન ધારણ કર્યું છે. આ બાબતને દેશ સમક્ષ મૂકવામાં શું વાંધો છે.
બીજો સવાલ પૂછતાં તેમણે કહ્યું કે, એપ્રિલ અને મે 2020થી સતત એવા રિપોર્ટ આવી રહ્યાં છે કે, લદાખમાં ત્રણ સ્થળોએ ચીને ભારતીય સરહદ પર કબ્જો કર્યો છે. પરંતુ વડાપ્રધાન અને રક્ષાપ્રધાન આ મુદ્દે જાહેરમાં વાત કરવાનો ઇનકાર કરી રહ્યાં છે. વડાપ્રધાન અને રક્ષાપ્રધાને આવીને જવાબ આપવો જોઇએ કે ચીને આપણી જમીન પર કબ્જો કર્યો છે કે નહીં. જો આવું થયું હોય અને ન થયું હોય તો પણ વડાપ્રધાન અને રક્ષાપ્રધાને આગળ આવીને જવાબ આપવો જોઈએ.
તે જ સમયે, ત્રીજો પ્રશ્ન પૂછતાં તેમણે કહ્યું કે, જ્યારે સોમવારે રાત્રે આપણા સૈનિકો શહીદ થયા તો મંગળવારે બપોરે આ બાબત કેમ જાહેર કરવામાં આવી. કોંગ્રેસ પક્ષ તરફથી ચોથો સવાલ, તેમણે પૂછ્યું કે ચીન ગલવાન ખીણમાં તેની સેના પાછી ખેંચી રહી હતો તો એલએસી પર વિવાદ થવાનું કારણ શું હતું. શું કારણ હતું કે સૈન્યના અધિકારીઓ અને સૈનિકો શહીદ થયા.
રણદીપ સુરજેવાલાએ છેલ્લો અને પાંચમો સવાલ પૂછતા કહ્યું કે, વડાપ્રધાને દેશને કહેવું જોઈએ કે જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા અને આપણા ક્ષેત્રની અખંડિતતા બંનેને ચીન પડકારી રહ્યું છે. ત્યારે આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર પાસે કોઈ વ્યૂહરચના છે કે નહી. સુરજેવાલાએ કહ્યું કે દેશની સુરક્ષા અને અખંડિતતા માટે 130 કરોડ લોકો એક થયા છે. પરંતુ ખાસ કરીને ચૂંટાયેલી સરકાર ગુપ્તતાના આધારે ચલાવી શકાતી નથી. તેથી, વડાપ્રધાન અને રક્ષાપ્રધાને આગળ આવવું પડશે અને સમગ્ર સત્ય દેશને કહેવું પડશે.