હૈદરાબાદઃ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે દેશને કોરોનાવાઇરસ મહામારીની ભીંસમાંથી ઉગારી લેવા માટે બે ખર્વ ડોલરનું ઇતિહાસનું સૌથી મોટું આર્થિક રાહત પેકેજ જાહેર કર્યું છે. 27મી માર્ચના અઠવાડિયામાં જ્યારે અમેરિકામાં એક જ અઠવાડિયાની અંદર કોરોનાના 1,03,942 કેસ નોંધાયા અને જ્યારે 33 લાખ લોકોની સત્તાવાર રીતે બેરોજગાર તરીકે નોંધણી થઇ, ત્યારે આ રાહત પેકેજ પૂરું પાડવામાં આવ્યું. આ બે ટ્રિલિયન અમેરિકન ડોલરના પેકેજમાંથી 25 અબજ પેસેન્જર એરલાઇન્સ માટે ફાળવવામાં આવ્યા, જે તેનો માત્ર એક નાનો અંશ છે. પરંતુ, પર્યાવરણવિદો તથા વોશિંગ્ટન ડીસી ખાતેના તેમના હિમાયતીઓ માટે, આ એક પીછેહઠ હતી. કોરોનાને વધતો અટકાવવા માટે જે પગલાં ભરવામાં આવ્યાં, તેમાં પ્રવાસ ઉપર પ્રતિબંધનો પણ સમાવેશ થાય છે. જેને કારણે એરલાઇન ઉદ્યોગને ફટકો પડ્યો છે. એક આંતરરાષ્ટ્રીય જર્નલના જણાવ્યા પ્રમાણે, વૈશ્વિક સ્તરે જૂનના અંત સુધીની આશરે 11 લાખ ફ્લાઇટ્સ રદ થઇ છે અને એરલાઇન ઉદ્યોગને આ વર્ષે 250 અબજ ડોલર કરતાં વધુ નુકસાન થવાનો અંદાજ છે.
અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝના ડેમોક્રેટ્સે એવી જોગવાઇને સામેલ કરવાની જરૂરિયાત દર્શાવી છે, જે દ્વારા એરલાઇન્સે 2050 સુધીમાં પ્રદૂષણની માત્રા 2005ના સ્તરથી નીચે, 50 ટકા ઘટાડી દેવી જરૂરી છે. પરંતુ નીતિ ઘડવૈયાઓનું ધ્યાન ટૂંકા ગાળાની આર્થિક રાહત ઉપર કેન્દ્રિત થયું હોવાથી તેમની માગને બાજુએ મૂકી દેવાઇ હતી. ઉદ્યોગ પાસે તેનું પાલન કરાવવું એ એક ભગીરથ કાર્ય રહ્યું છે, તેમ ન્યૂયોર્ક સિટી સ્થિત એક એડવોકસી ગ્રૂપ એન્વાયરમેન્ટલ ડિફેન્સના ઇન્ટરનેશનલ કાઉન્સેલ એન્ની પેટસન્કે જણાવ્યું હતું. “મારૂં માનવું છે કે, તેને આગળ ધપાવવાની માગણી કરશે,” તેમ તેમણે ઉમેર્યું હતું.
આ રોગચાળાએ નિઃશંકપણે સમાજનાં લગભગ તમામ ક્ષેત્રોની સાથે સાથે આબોહવાને પણ પ્રભાવિત કરી છે. મહામારીને અંકુશમાં લેવા માટે દેશે લોકડાઉનનો માર્ગ અપનાવ્યો છે, જેને કારણે માનવીય પ્રવૃત્તિઓ તથા પરિવહન અત્યંત મર્યાદિત થઇ ગયાં છે.
વિજ્ઞાનીઓ જણાવે છે કે, આ સ્થિતિને કારણે ચીન, ઇટાલી અને ન્યૂયોર્ક સિટીમાં હવાના પ્રદૂષણના સ્તરમાં ઘટાડો નોંધાયો છે. સંશોધકો જણાવે છે કે, 2008ની મંદી બાદ, 2020માં વૈશ્વિક ગ્રીનહાઉસ – ગેસ એમિશનમાં પ્રથમ વખત તીવ્ર ઘટાડો આવેલો જોઇ શકાય છે.
આગામી થોડાં વર્ષો સુધી ભાવિ આર્થિક મંદીની સ્થિતિ સર્જાઇ શકે છે, જેને પગલે ઊર્જાની માગ ઘટશે અને હવા અને સોલાર જેવા ઊર્જાના પુનઃપ્રાપ્ય સ્રોતો માટેની તકો વધી શકે છે, તેમ ઓસ્લો સ્થિત સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ક્લાઇમેટ રિસર્ચના રિસર્ચ ડિરેક્ટર ગ્લેન પિટર્સે જણાવ્યું હતું. જો સરકારની તમામ યોજનાઓ સુચારૂ રીતે પાર પડે, તો 2019નું વર્ષ વૈશ્વિક હવા પ્રદૂષણનું સૌથી ઊંચું સ્તર ધરાવનારૂં વર્ષ બની શકે છે, તેમ તેમણે જણાવ્યું હતું.