નવી દિલ્હીઃ હાથરસ ગેંગરેપ કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે સાક્ષીઓ અને પરિવારની સુરક્ષાને લઈને ઉત્તરપ્રદેશ સરકાર પાસે સોગંદનામું માગ્યું છે. હવે આ મામલે આગામી સુનાવણી 12 ઓક્ટોબરે થશે. હાથરસ ગેંગરેપ કેસમાં અલગ અલગ પિટિશનો પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે યુપી સરકારને ત્રણ મુદ્દા જેવા કે, સાક્ષીઓ અને પરિવારની સુરક્ષા, પીડિત પરિવાર પાસે વકીલ છે કે નહીં અને ઈલ્હાબાદ હાઈકોર્ટનું સ્ટેટસ શું છે. આ મામલે સોગંદનામું દાખલ કરવા માટે કહ્યું છે. જ્યારે આ મામલે આગામી સુનાવણી 12 ઓક્ટોબરે હાથ ધરાશે.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ.એ. બોબડેએ આ કેસને આઘાતજનક કેસ ગણાવ્યો હતો. પિટિશન કરનારના વકીલ તરફથી કોર્ટની દેખરેખમાં તપાસ કરવાની વાત કેહાવમાં આવી છે. આના પર સીજેઆઈએ પૂછ્યું કે ઈલ્હાબાદ હાઈકોર્ટ કેમ ના ગયા. સુનાવણીની શરૂઆત યુપી સરકાર તરફથી દલીલ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કરી હતી. તેમણે કહ્યું કે, અમે આ પિટિશનનો વિરોધ નથી કરી રહ્યા, પરંતુ સમાજમાં જેવી રીતે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. અમે તેના વિશે સત્ય બહાર લાવવા માગીએ છીએ. પોલીસ અને એસઆઈટીની તપાસ ચાલી રહી છે. તેમ છતાં અમે સીબીઆઈ તપાસની માગ કરી રહ્યા છીએ. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, સુપ્રીમ કોર્ટ આને મોનીટર કરે અને સીબીઆઈ તપાસ થાય. આના પર પિટિશન કરનારાના વકીલ ઈન્દિરા જયસિંહે કહ્યું, પીડિત પરિવાર સીબીઆઈ તપાસથી સંતુષ્ટ નથી. તેઓ કોર્ટની દેખરેખમાં એસઆઈટી તપાસ માગી રહ્યા છે. આ વિશે સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, તમારી માગ તપાસને ટ્રાન્સફર કરવાની છે કે ટ્રાયલને ટ્રાન્સફર કરવાની?