ન્યુઝ ડેસ્કઃ પડોશી દેશોને પરેશાન કરવા માટે ચીન એકથી વધુ જળ યોજનાઓ અમલમાં મૂકી રહ્યું છે. તેના કારણે અગ્નિ એશિયાના દેશોમાં સિંચાઈની સમસ્યાઓ ઊભી થઈ છે. તે પછી ચીન હવે ભારતનો જળ સ્ત્રોત ઘટે તેવી વિશાળ કાય બંધોની યોજના ચીને શરૂ કરી છે.
બ્રહ્મપુત્રા નદી પર ચીન જંગી જળવિદ્યુત પરિયોજના તૈયાર કરી રહ્યું છે, જેના કારણે ભારત અને બાંગ્લાદેશ બંને મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. ચીન દ્વારા ડેમ તૈયાર થવાના કારણે થનારા નુકસાનનો સામનો કરવા ભારત તૈયારીમાં લાગ્યું છે. ભારતે પણ જાહેરાત કરી છે બ્રહ્મપુત્રા નદી પર અરૂણાચલમાં બહુઉદ્દેશીય બંધ બાંધવામાં આવશે.
બ્રહ્મપુત્રા નદી તિબેટમાંથી શરૂ થાય છે અને અરૂણાચલ, આસામમાંથી પસાર થયા પછી બાંગ્લાદેશમાં પ્રવેશે છે. ભારતે ચીનને જણાવ્યું છે કે તેણે ડેમની યોજના એવી રીતે કરવી જોઈએ, જેથી ભારતને નુકસાન ના થાય.
ચીને ઉપરથી ઉપરથી તેના માટે ખાતરી આપી છે. પરંતુ ચીને હંમેશા બોલ્યું પાળ્યું નથી અને વાત કંઈ કરે અને વર્તન જૂદું કરે તેવું જોવા મળ્યું છે. ચીનની યોજના નદીઓ પર બંધ બાંધીને જળવિદ્યુત, સિંચાઈ કરવા ઉપરાંત પડોસી દેશોને ધમકાવાનું રાજકીય દબાણ પણ અપનાવ્યું છે.
ભારત, બાંગ્લાદેશ અને અગ્નિ એશિયાના પડોશી દેશોને જાણ કર્યા વિના ચીને તિબેટમાંથી વહેતી નદીઓ પર 11 બંધો બાંધી લીધા છે. મેકોંગ નદી પર 8 ડેમ બાંધ્યા છે અને વધુ 3 બંધોની તૈયારી ચાલી રહી છે. તે રીતે ચીને પોતાની મેલી મુરાદ દાખવી છે. અત્યારે ચીન ભારતની સરહદથી માત્ર 30 કિમી દૂર જ જંગી બંધ બાંધવાની તૈયારી કરી દીધી છે.
ચીનનું જળ આક્રમણ
ચીને અત્યાર સુધીમાં તિબેટમાં 55 બંધો બાંધ્યા છે. તે જળ સ્રોતનો ઉપયોગ યુદ્ધના સાધન તરીકે કરી રહ્યું છે. બ્રહ્મપુત્રા નદી પર બંધના કારણે ભારત અને બાંગ્લાદેશને નુકસાન થશે, જ્યારે મેકોંગ નદીના જળને અટકાવીને ચીને મ્યાનમાર, થાઇલેન્ડ, લાઓસ, કંબોડિયા અને વિયેટનામને નુકસાન કર્યું છે. પોતાની જરૂરિયાતો માટે પડોશી દેશોને નુકસાન કરવાની નીતિ ચીને અપનાવી છે.
ચીનના મોટા ભાગના રાજ્યોમાં જળ સ્રોતની તંગી ઊભી થયેલી છે. પીવાના પાણી માટે અને સિંચાઇ ઉપરાંત ઉદ્યોગો માટે પણ પાણીની માગ વધી રહી છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ચીને યારલંગ-સાંગ્પો નદી પર વિશાળ બંધ બાંધવાનું શરૂ કર્યું છે. બ્રહ્મપુત્રા નદીને તિબેટમાં સાંગ્પો તરીકે ઓળખવામાં આવે છે. તેના વિશાળ જળજથ્થાનો ઉપયોગ ચીન જળ વિદ્યુત અને સિંચાઈ માટે કરવા માગે છે.
ભારતમાં પણ જળ સ્રોતોની વધારે નવે વધારે જરૂર ઊભી થઈ રહી છે. દુનિયાની ત્રીજા ભાગની વસતિ ચીન અને ભારતમાં વસે છે. તેની સામે વિશ્વના કુલ જળ સ્રોતનો 7 ટકા હિસ્સો ચીન પાસે છે. ભારત પાસે માત્ર 4 ટકા જ છે.
બ્રહ્મપુત્રા ઉપરાંત પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરમાંથી પસાર થતી સિંધુ નદી પર ચીન બંધો બાંધી રહ્યું છે. તેના કારણે ઉનાળામાં બરફ ઓગળવાથી આવતું પાણી આવતું ઓછું થઈ શકે છે. બીજી બાજુ ભારે વરસાદ વખતે બંધોના દરવાજા ખોલી નખાય ત્યારે ભારતીય વિસ્તારોમાં ભારે પૂર આવવાનું જોખમ પણ રહે છે. ખાસ કરીને આસામ અને અરૂણાચર પ્રદેશમાં આમ પણ બે કાંઠે વહેતી બ્રહ્મપુત્રામાં એક સાથે પાણી છોડવામાં આવે ત્યારે ભારે નુકસાન થઈ શકે છે.
અગાઉ ચીને ખાતરી આપી હતી કે જૂન અને ઑક્ટોબરના મહિનાઓ દરમિયાન પાણી છોડવામાં આવે ત્યારે આગોતરી માહિતી આપવામાં આવશે. આમ છતાં 2017માં દોકલામમાં બંને દેશો વચ્ચે ઘર્ષણ થયું તે પછી ચીને આવી આગોતરી માહિતી આપવાનું બંધ કરી દીધું છે. આ પછી 2018માં ફરી માહિતી આપવાનું ચાલુ કર્યું હતું, પરંતુ ચીન ક્યારે રંગ દેખાડે અને માહિતી આપવાનું બંધ કરી દે તેનો ભરોસો નથી.