વિશ્લેષક અને લેખ બ્રહ્મા ચેલાણીએ 2010માં “ડેટ ટ્રેપ ડિપ્લોમસી” દેવાના જાળની ડિપ્લોમસી એવો શબ્દ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કઈ રીતે આફ્રિકાના દેશોને વિકાસના પ્રોજેક્ટ્સ માટે ધિરાણ આપીને ચીને ત્યાં સંબંધો જમાવ્યા હતા અને હવે આખી દુનિયામાં ચીન નાણાં ધીરીને પગદંડો જમાવી રહ્યું છે. ચીન એવી પદ્ધતિએ અને શરતો સાથે જંગી લોન આપે છે કે તેના બદલામાં દેવું કરનારા દેશમાં ચીનનો પગદંડો જામવા લાગે. પોતાના હિત ખાતર આ દેશોમાં ચીન દખલગીરી કરવા લાગે છે.
આ કેવી રીતે થાય છે? ઓછી આવક ધરાવતા વિકાસશીલ દેશોને ચીન બહુ સરળતાથી મોટું ધિરાણ આપે છે. વિકાસ કાર્યો માટે આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થા પાસેથી લોન ના મળે ત્યાં ચીન તે માટે નાણાં ધીરે છે. પ્રોજેક્ટમાં નિયમોનું પાલન, પુનઃ ચૂકવણી અને પારદર્શિતાની શરતો હોય છે તે આ દેશો પૂરા ના કરી શકે ત્યારે ચીન તે બધાને ધ્યાને લીધા વિના દેવું આપી દે છે. તેથી જ આવા દેશો ચીન પાસેથી દેવું લેવાનું પસંદ કરે છે.
ચીનમાં મોટા પાયે ઉત્પાદનના કારણે આવેલી સમૃદ્ધિ અને રોકડથી છલોછલ ચીન કંપનીઓ અહીં કુદી પડે છે. ચીનની બેન્કો, નાણાં સંસ્થાઓ, ખાનગી તગડી કંપનીઓ આ દેશોમાં પ્રોજેક્ટ કરનારી કંપનીઓને જોઈએ તેટલા નાણાં આપે છે. શરતોની પરવા કર્યા વિના નાણાં ધીરે, પણ તેના પર 6% સુધીનું વ્યાજ લે છે. આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ, વિશ્વ બેન્ક, આઈએમએફ ઓછા 3-4%ના દરે ધિરાણ આપે છે, પણ તેની શરતો આકરી હોય છે.
એક વાર ચીની દેવું કરવામાં આવે તે પછી ખેલ શરૂ થાય છે. ધિરધાર કરનારી ચીની કંપની, બેન્ક કે નાણાં સંસ્થા દેવું આપે તેના બદલામાં જામીનગીરી લઈ લે છે. જામીનગીરી તરીકે જમીન, ખાણખનીજ માટેના હકો અતવા હાઇડ્રોકાર્બનના હકો લઈ લે છે. કોઈ જગ્યાએ વેપાર કરવાના સાનુકૂળ હકો લઈ લે. જેવો દેશ, જેવી ગરજ તેવી રીતે હિતો ખંડાવી લેવાય છે. આવો પ્રોજેક્ટ ચીની કંપનીઓ હાથમાં લે ત્યારે તેના ભાવો પણ બહુ ઊંચા આપ્યા હોય, પણ તે સ્વીકારી લેવાયો હોય, કેમ કે ચીનમાંથી સાતે ધિરાણ આવવાનું હોય. સાથે જ સ્થાનિક નેતાઓ અને અમલદારોને તગડી લાંચ આપીને સાધી લેવાયા હોય છે. ચીન ગોલમાલ કરીને આ રીતે ઘણા દેશોમાં મોટા પ્રોજેક્ટ્સ પડાવી લે છે.
ધિરાણ આપવા સાથે એવી શરતો પણ હોય છે કે ચીની કંપનીને પ્રોજેક્ટ આપવો, ચીની ઉપકરણો ખરીદવા, ચીનનું પ્રોજેક્ટ મેનેજમેન્ટ લેવું અને ઘણી વાર તો ચીનમાંથી કામદારોને પણ ખડકી દેવામાં આવે છે. એક તો ચીને ઊંચા ભાવે પ્રોજેક્ટ લીધો હોય, તેમાં આ રીતે બધા કોન્ટ્રેક્ટ પોતાના હાથમાં જ હોય તેમાંથી પણ કમાણી થાય. તે રીતે પોતે જ આપેલું ધિરાણ પાછું પોતાના જ હાથમાં આવી જાય.
દરમિયાન કોઈ દેશ દેવું ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે શરતો પ્રમાણે ચીન જામીનગીરી પર કબજો કરી લે. ભારતના ગામડાં વ્યાજખોરો જે રીતે ચૂસી લેતા હોય છે પદ્ધતિએ જ ચીન કામ કરે છે અને એક વાર તેમની જાળમાં ફસાઈ જાવ, પણ પછી તમને છોડે નહિ. સમગ્ર કોન્ટ્રેક્ટ એવી અસ્પષ્ટતા સાથે થયો હોય કે ચીન જ ફાવે. વારંવાર ખર્ચ વધારી દેવામાં આવે, અડધેથી પ્રોજેક્ટ છોડી દેવામાં આવે અને ગીરે મૂકેલી વસ્તુઓ કબજે કરી લેવામાં આવે આ બધી રીતો ચીન અપનાવે છે.