ભારતની ત્રણ બાજુએ દરિયાની હાજરી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વની ભૂમિકા ભજવવાની તક આપે છે. વિવિધ રાષ્ટ્રોને કાચું તેલ અને ખાદ્યાન્ન દરિયાઈ માર્ગે પૂરું પડાય છે. જળમાં કોઈ પણ અશાંતિની અસર વિશ્વભરના અર્થતંત્ર પર નકારાત્મક પડે છે. આથી નિષ્ણાતો સૂચવે છે કે સરકાર દેશના નૌ સેનાના જહાજોને મજબૂત કરે. દરિયા સાથે, ભારત પાસે આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ જેવા ટાપુઓ પણ છે. વિદેશી જહાજોને ભારતની જળસીમામાં આવતા રોકવા માટે સતત નજર રાખવી જરૂરી છે. થોડા મહિના પહેલાં ચીનનું જહાજ અનુમતિ વગર આંદામાનમાં આવી ગયું હતું. ભારતની નૌ સેનાએ કડક પ્રતિકાર કર્યો તે પછી જ તે પાછું ગયું. એવી શંકા છે કે ઓછામાં ઓછી સાતથી આઠ ચીનની સબમરિન ભારતના સમુદ્રતટો પર નિયમિત નજર રાખી રહી છે.
આંદામાન દરિયો હિન્દ મહાસાગરના પૂર્વીય ભાગ અને મલક્કા જળડમરુ દ્વારા પ્રશાંત મહાસાગર સાથે જોડાય છે. આંદામાન ટાપુઓ ભારતને સંરક્ષણ નિરીક્ષણમાં મદદ કરે છે. ચીન મધ્ય એશિયામાંથી મલક્કા જળડમરુ દ્વારા તેનું તેલ આયાત કરે છે. ચીન દલીલ કરી રહ્યું છે કે ચીન સમુદ્ર તેનો પોતાનો છે જ્યારે હિન્દ મહાસાગર બધાનો છે. ચીન કે જે મોતી શ્રૃંખલા પરિયોજના હેઠળ ભારત આસપાસ નૌ સેના થાણાં બનાવી રહ્યું છે તેણે મ્યાનમારને નિકટનો સાથી બનાવી દીધો છે. ચીનની સરકારે મ્યાનમારના ક્યાઉકપ્યુમાંથી તેલ અને કુદરતી વાયુ ચીનના કુન્મિંગ પ્રાંતમાં પૂરું પાડવા પાઇપલાઇન નાખી છે. ચીનની યોજના જો મલક્કા જળડમરુમાં કોઈ અશાંતિ ઊભી થાય તો આ માર્ગે તેલ પૂરું પાડવાની છે. જોકે ભારતીય સેનાના સ્રોતને ખૂબ જ શંકા છે કે ચીન આંદામાન સમુદ્રમાં આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યા છે જે ભારત, મ્યાનમાર, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયા વચ્ચે આવેલો છે અને તેના પર તેને કોઈ અધિકારો નથી.
ભારતને મ્યાનમાર સાથે ગાઢ સંબંધો છે. ઈશાનના અનેક ત્રાસવાદી શિબિરો મ્યાનમારમાં છે. બંને દેશો અનેક ત્રાસવાદી સમૂહોને ઑપરેશન સનશાઇન હેઠળ નાબૂદ કરવા એકસાથે કામ કરી રહ્યા છે. મ્યાનમારના જળમાં ચીનનો પ્રવેશ નવી દિલ્હીને કંપારી આપી રહ્યો છે. ચીને પાકિસ્તાનના ગ્વાદર અને શ્રીલંકાના હમ્બતોતામાં સફળતાપૂર્વક તેનું નૌ સેના થાણું સ્થાપિત કરી લીધું છે અને હવે તે હિન્દ મહાસાગરમાં તેની હાજરી સ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકા, ઑસ્ટ્રેલિયા, જાપાન અને ભારતે ચીનનાં આક્રમણોને રોકવા ચતુર્ભુજ જોડાણ કર્યું છે. અમેરિકા માને છે કે ચીનનો પ્રતિકાર કરવામાં ભારત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ભારતે આ તકનો ફાયદો ઉઠાવવો જોઈએ અને તેના માટે નૌ સેનાને મજબૂત કરવી જોઈએ.