ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોનો પ્રવેશ અને પડકારો - e vehicles in India

નવી દિલ્હી: આગામી સમયમાં ભારતના વધુમાં વધુ લોકો ઈલેક્ટ્રિક વાહનોમાં મુસાફરી કરશે. જેનાથી વાયુ પ્રદુષણ પણ ઓછું થશે. ધ્વનિ પ્રદુષણ ઓછું થશે અને સરકારે ઈંધણ ખરીદવા માટે પણ ઓછા રુપિયા ખર્ચ કરવા પડશે. ભારતમાં ઈલેક્ટ્રિક વાહનો સાથે જોડાયેલા કેટલાંક પડકાર પણ છે, જેને દુર કરવા જરુરી છે.

India EV Policy
ભારતમાં ઈલેકટ્રીક વાહનો

By

Published : Dec 6, 2019, 8:27 PM IST

આગામી સમયમાં ભારતના વધુમાં વધુ લોકો ઈલેક્ટ્રિક વાહનોમાં મુસાફરી કરશે. જેનાથી વાયુ પ્રદુષણ ઓછું થશે. ધ્વનિ પ્રદુષણ ઓછું થશે અને સરકારે ઈંધણ ખરીદવા માટે પણ ઓછા રુપિયા ખર્ચ કરવા પડશે.

જો આ બાબતે સરકારી દાવાઓ સાચા સાબિત થશે તો, ભારત ઈલેક્ટ્રિક વાહન બનાવવાનું મોટું કેન્દ્ર બનશે. પરંતુ આ સપનું ક્યાં સુધીમાં પુરું થશે તે એક મોટો પ્રશ્ન છે.

હ્યુંડાઈ મોટર કંપનીએ થોડા મહિનાઓ પહેલાં ભારતની પ્રથમ ઈલેક્ટ્રીક એસયુવી લોન્ચ કરી હતી. પરંતુ હવે કંપની ભારતીય ઈલેક્ટ્રીક કાર માર્કેટમાં પોતાને એકલી જોઈ રહી છે. 15 કરોડ વાહન ચાલકોના દેશમાં આ વર્ષે ઓગસ્ટ મહિના સુધીમાં ફક્ત 130 હ્યુંડાઈ કોના-એસયુવી વેંચાઈ છે.

આ કારનું સુસ્ત વેંચાણ એ વાતનો સંકેત આપી રહી છે કે, કાર નિર્માતા કંપનીઓને વિશ્વના ચોથા સૌથી મોટા કાર બજારમાં ઈલેક્ટ્રિક કાર વેંચવા કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

કોના ગાડીની કિંમત આશરે 25 લાખ રુપિયા છે. તો એક સામાન્ય ભારતીયની સરેરાશ આવક 1.45 લાખ રુપિયા છે. જ્યારે દેશમાં સૌથી વધુ વેંચાતી કાર મારુતિ અલ્ટોની કિંમત ફક્ત 2.80 લાખ રુપિયા છે. હ્યુન્ડાઈ કોના કારના ઓછા વેંચાણ માટે તેની ઉંચી કિંમત પણ જવાબદાર છે.

આ ઉપરાંત દેશમાં ઈલેક્ટ્રીક કાર માટે ચાર્જિંગ પોઈન્ટની સુવિધાનો અભાવ, આ પ્રકારની કાર માટે ખરીદી કરવા લોન આપવામાં બેંકોનો ઓછો ઉત્સાહ અને સરકારી આદેશ છતાં સરકારી વિભાગો દ્વારા ઈલેક્ટ્રીક વાહન નહીં ખરીદવાનું પણ તેના ઓછા વેંચાણનું કારણ છે.

બ્લૂમબર્ગના આંકડા મુજબ દેશમાં ગત છ વર્ષોમાં ફક્ત 8 હજાર ઈલેક્ટ્રીક કારનું વેંચાણ થયું છે. આ આંકડા એ વાતના પણ સાક્ષી છે કે, આપણો પાડોશી દેશ ચીન આટલી ગાડીઓ ફક્ત બે દિવસમાં વેંચી બતાવે છે. ભારતમાં સરકાર અને કાર નિર્માતા એ વાસ્તવિકતાથી પરિચિત છે કે, આગામી બે-ત્રણ વર્ષ સુધી ઈલેક્ટ્રીક કારના વેંચાણમાં કોઈ વિશેષ વધારો જોવા નહીં મળે.

દેશમાં ગત ચાર વર્ષથી કેન્દ્ર સરકાર પ્રદુષણ પર કાબૂ મેળવવા ઈલેક્ટ્રીક વાહનોના વેંચાણ પર ભાર મુકી રહી છે. પરંતુ હજી સુધી તેના નક્કર પરિણામ સામે આવ્યા નથી. આ વર્ષે ફેબ્રુઆરીમાં કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રીક ગાડીઓ માટે સબસીડી, સંસાધનો અને પ્રચાર પ્રસાર પર 1.4 બિલિયન અમેરિકન ડોલર ખર્ચ કરવાની જાહેરાત કરી છે.

ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની બજાર શક્યતાને નકારી શકાય નહીં. ભારતમાં દર એક હજાર લોકોમાં ફક્ત 27 વાહનો છે. તો જર્મનીમાં આ સંખ્યા 570ની છે. જેથી આંતરરાષ્ટ્રીય કાર ઉત્પાદકોને ભારતમાં જાપાની કંપની સુઝુકીની બાદશાહતને પડકારવાની તક મળે છે.

મારુતિ સુઝુકીની આગામી વર્ષ સુધી ભારતીય બજારમાં તેની ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની કોઈ યોજના નથી. બીજી તરફ ટાટા મોટર્સ અને મહિંદ્રા એન્ડ મહિંદ્રાએ કેટલાંક શરુઆતના મોડલ લોન્ચ કર્યાં છે. જો કે તેમનું ધ્યાન પણ સરકારી વપરાશની ઈલેક્ટ્રિક ગાડી બનાવવા તરફ વધારે છે.

ભારતમાં ગત વર્ષે વેંચાયેલી ગાડીઓમાંથી મોટા ભાગની કિંમત 5.80 લાખ અથવા તેનાથી પણ ઓછી હતી. જાણકારોનું માનીએ તો વર્ષ 2030 પહેલાં ઈલેક્ટ્રિક કાર, ઈંધણથી ચાલતી કારના ભાવનો મુકાબલો કરી શકશે નહીં.

ગ્રાહકોમાં ઈલેક્ટ્રીક કાર ખરીદવાને લઈને ઉત્સાહ તો છે પરંતુ ભાવ સાંભળ્યા બાદ ખરીદવાનો વિચાર ઓછો થઈ જાય છે.

ઉંચી કિંમત હોવા છતાં જે લોકો હ્યુંડાઈની ઈલેક્ટ્રીક કાર પહેલેથી જ ખરીદી ચુક્યા છે તેમના માટે ચાર્જીંગ એક મોટી સમસ્યા છે. વર્ષ 2018 સુધીમાં ભારતમાં કાર ચાર્જ કરવા માટે 650 ચાર્જિંગ સ્ટેશન હતા. તો ઈલેક્ટ્રીક કારના સૌથી મોટા નિર્માતા દેશ ચીનમાં કાર ચાર્જિંગ પોઈન્ટની સંખ્યા 4 લાખ 56 હજાર છે.

ગત મહિને દિલ્હીમાં યોજાયેલા એક સેમિનારમાં સરકારી અધિકારીઓ અને ઈલેક્ટ્રિક કાર ઉત્પાદકોએ આ વાત પર વિચાર કર્યો કે, શું પહેલા આ ગાડીઓને ચાર્જ કરવા સ્ટેશનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું જોઈએ, અથવા પહેલાં આવી કારના યોગ્ય વેંચાણની રાહ જોવી.

એ વાતની પુરી સંભાવના છે કે, દેશની જનતાને ઈલેક્ટ્રિક વાહનોનો વિકલ્પ ઘણો પસંદ આવશે. સામે પક્ષે એ પણ વાસ્તવિકતા છે કે, ચાર્જિંગ જેવી પાયાની સુવિધા વગર આવી કારનું વેંચાણ સરળ નહીં રહે.

આ ઉપરાંત ઈલેક્ટ્રિક વાહનના ઓછા વેંચાણનું એક મુખ્ય કારણ એ પણ છે કે, જ્યાં સુધી આ ગાડીના વેંચાણ માટે વૈકલ્પિક બજાર તૈયાર કરવામાં નહીં આવે ત્યાં સુધી બેંક વગેરે તેને લોન આપવા ઉત્સાહ નહીં દર્શાવે.

બજારમાં ઈલેક્ટ્રિક વાહનો માટે અનુકુળ માહોલ બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પગલાં લેવાની જરૂર છે. જુલાઈના બજેટમાં કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રિક વાહનો માટે વિવિધ પ્રકારની સબસિડીની જાહેરાત કરી હતી. જેમાં ટેક્ષમાં છુટ, આવકવેરામાં મુક્તિ અને કેટલાક સ્પેરપાર્ટ્સની આયાતમાં છૂટનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

જોકે સરકારે તેના શબ્દો અને ક્રિયાઓ વચ્ચેના અંતરને ઘટાડવાની જરૂર છે. એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડ, એ સરકાર દ્વારા બનાવવામાં આવેલી એક કંપની છે, જેનું કામ છે સરકારી કચેરીઓમાં ઈલેક્ટ્રીક વાહનો લાવવા.

આ કંપનીએ વર્ષ 2017માં 10 હજાર વાહનો માટે તેનું પ્રથમ ટેન્ડર ઈશ્યૂ કર્યું હતું. પણ હજી સુધી તેમાંથી ફક્ત 1 હજાર ગાડીઓની જ ખરીદી કરવામાં આવી છે. હવે EESL ટેક્સી કંપનીઓને પોતાની ગાડી વેંચવા પ્રયાસ કરી રહી છે.

ઈલેક્ટ્રિક વાહનોને લઈને વિશ્વના લોકોના વિવિધ અનુભવ છે. જે દેશોમાં મોટી સંખ્યામાં ઈલેક્ટ્રિક વાહનોનો વપરાશ કરવામાં આવે છે ત્યાંના સંસાધન ભારતની સરખામણીએ અલગ છે. માટે એ વાત મહત્વની બની જાય છે કે, ઈલેક્ટ્રીક વાહનોને લઈને ભારતીય ગ્રાહકોની પસંદ સહિતના મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવે, અન્યથા તેના રાજકીય અને આર્થિક રીતે વિપરિત પરીણામ જોવા મળી શકે છે.

વિશ્વભરમાં ઓટો ઉદ્યોગ પહેલેથી જ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. એક અંદાજ મુજબ ભારતીય ઓટો ઉદ્યોગમાં લગભગ ત્રણ લાખ લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. જેના માટે ઈલેક્ટ્રીક વાહનોનું માર્કેટમાં આવવાનું એક કારણ પણ માનવામાં આવે છે. ઈલેક્ટ્રીક વાહનો ભારતીય ઓટો માર્કેટમાં મોટા ફેરફાર લાવી શકે છે. કારણકે ઈંધણ વાળી ગાડીઓની જેમ ઈલેક્ટ્રીક વાહનોમાં ઘણા ખર્ચાળ સ્પેરપાર્ટ્સની જરૂર હોતી નથી.

આ બધા વચ્ચે ઈંધણના વેચાણથી થતી કમાણી પણ મોટો મુદ્દો હશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કમાણીમાં ઈંધણનું વેંચાણ કમાણીનો મુખ્ય ભાગ છે. ઈલેક્ટ્રિક વાહનો આવવાની સ્થિતિમાં શું રાજ્ય સરકારો તેમની આવકનો આ ભાગ જતો કરશે? દેશના બધા રાજ્યોના ઈંધણના વેચાણથી મળીને અંદાજીત 1.9 લાખ કરોડ રૂપિયાની આવક થાય છે. આ આવકના નુકસાનથી રાજ્યોના બજેટમાં ગડબડી થઈ શકે છે.

હાલમાં ઈંધણના ભાવ અંગેનો નિર્ણય કેન્દ્ર સરકાર લે છે. ઈલેક્ટ્રીક વાહનો બજારમાં આવવાની સ્થિતિમાં આ જવાબદારી રાજ્ય સરકારો પર આવશે. કારણકે વીજળીનો ભાવ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ નથી કે, રાજ્ય સરકારો આ બોજાનો સામનો કેવી રીતે કરશે.

વાહનોના વેચાણ અને સર્વિસ કિંમત પણ ગ્રાહકોના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. ઈંધણ વાળા વાહનોની સરખામણીમાં ઈલેક્ટ્રિક ગાડીઓને સારસંભાળની ઓછી જરુર પડે છે. આ સંજોગોમાં કાર નિર્માતા ડિલર્સને કેવી રીતે ખુશ રાખશે તે જોવું રહ્યું. કારણકે ડિલર્સની અસલ કમાણી ગાડીની સર્વિસ અને સ્પેરપાર્ટ્સ માંથી થાય છે.

તો ગ્રાહક પણ ઈલેક્ટ્રીક ગાડીની વોરંટી વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માગશે. હાલમાં ઘણી કંપનીઓ આઠ વર્ષની વોરંટી આપે છે, પરંતુ આગામી સમયમાં ગ્રાહકોને તેનાથી નુકસાન થવાની સંભાવના છે. જો ગ્રાહકે કારની વોરંટી ચાલુ રાખવી હોય તો, તેઓને આઠ વર્ષ સુધી કારની સર્વિસ ડિલર પાસે જ કરાવવી પડશે.

કેનેડા અને અમેરિકામાં કોઈ પણ સ્પષ્ટ કારણ વિના ઈલેક્ટ્રીક વાહનોમાં આગ લાગવાના અને વિસ્ફોટ થવાના કિસ્સા બન્યા છે. આ પ્રકારની ગાડીમાં બેટરી અને મોટર તેના સૌથી મહત્વના ભાગ છે. આ ગાડીનો પુરો લાભ લેવા માટે એ જરુરી છે કે, તેની બેટરીનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવે. બેટરીની આયાત કરવી ફાયદાનો વેપાર નહીં કહેવાય કારણકે, મોટાભાગના બેટરી બનાવનારા દેશ ઈલેક્ટ્રીક કાર બજારમાં ભારતના પ્રતિસ્પર્ધિ છે. જેથી ભારતને આ મામલે વધુ સારી ટેકનોલોજીની જરુર છે.

ગાડીની બેટરી ચાર્જ કરવી આ ગાડીઓને રોજ ચલાવવામાં સૌથી વધુ મુશ્કેલીનું કારણ બની શકે છે. ઝડપી ચાર્જિંગની સુવિધાના અભાવને કારણે આ પ્રકારની કારથી બે શહેર વચ્ચેની મુસાફરી મુશ્કેલ બની શકે છે.

હાલમાં દેશમાં ઈલેક્ટ્રિક કાર લોકો માટે કુતુહલતાનો વિષય છે. અને બજાર તેને અપનાવે તે માટે થોડી રાહ જોવી પડશે. ચીનની જેમ ભારતમાં પણ લોકોને પહેલાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સથી શરૂઆત કરવાની જરૂર છે. કોઈપણ અંતિમ નિર્ણય પર પહોંચતા પહેલા સરકારી ઈલેક્ટ્રિક વાહન નિર્માતા અને ગ્રાહકો વચ્ચે સંવાદ થવો ખૂબ જ જરુરી છે.

ABOUT THE AUTHOR

...view details