નવી દિલ્હીઃ સમગ્ર દેશના સિનેમાઘરો ખુલવામાં હવે માત્ર 9 દિવસ બાકી રહ્યા છે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે મંગળવારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર(SOP)ની જાહેરાત કરી હતી. જેમાં પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, સિનેમા હોલની ક્ષમતાની 50 ટકા સીટ સાથે 15 ઓક્ટોબરથી હોલ ખોલવામાં આવશે.
સિનેમાઘરો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP)
- કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફિલ્મો પ્રદર્શિત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં
- ઓડિટોરિયમની બહાર કોમન એરિયા અને વેઇટિંગ એરિયામાં ઓછામાં ઓછા છ ફૂટ જેટલું શારીરિક અંતર જાળવવાનું રહેશે
- મલ્ટીપ્લેક્સ અથવા થિયેટરોમાં થૂંકવા પર પ્રતિબંધ રહેશે
- સંપર્ક ટ્રેસિંગની સુવિધા માટે થિયેટરોમાં ટિકિટ બુકિંગ સમયે મોબાઈલ નંબર નોંધવાનો રહેશે
- સિનેમાઘરોએ ડિજિટલ બુકિંગને પ્રોત્સાહન આપવાની જરૂર છે
- સિંગલ સ્ક્રિન થિયેટરોમાં ભીડ થતી અટકાવવા માટે વધુ ટિકિટ બારી ખોલવાની જરૂર છે.
- બુકિંગ કાઉન્ટર્સ દિવસભર ખુલ્લા રાખવાના રહેશે
- બોક્સ ઓફિસ પર ભીડ વધારે ન થાય તે માટે એડવાન્સ બુકિંગની મંજૂરી આપવાની રહેશે
- માત્ર પેક઼્ડ ફૂડ અને બેવરેજીસને જ થિયેટરમાં લાવવાની મંજૂરી આપવામાં આવશે
- ખાણી પીણીના કાઉન્ટર્સની સંખ્યા વધારવાની રહેશે
- કોવિડ-19 વિશે જાગૃતિ ફેલાવવા માટે શોની પહેલા અને પછી એક મિનિટની શોર્ટ ફિલ્મ બતાવવાની રહેશે
- ફેસ માસ્ક પહેરવું ફરજિયાતપણે પહેરવાનું રહેશે
- થિયેટરના પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળો પર થર્મલ સ્ક્રિનિંગ અને હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની જોગવાઈ કરવાની રહેશે
- દરેક શો બાદ થિયેટર સેનિટાઇઝ કરવાનું રહેશે
- થિયેટરના સ્ટાફને યોગ્ય હેન્ડ ગ્લોવ્સ, PPE કિટ્સ અને બૂટ આપવાના રહેશે