નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, ઇ-કોમર્સ વેબસાઈટ પર વેચાતી દરેક પેદાશો જ્યાં ઉત્પાદિત થતી હોય તે દેશની વિગતો પેદાશ અંગેની માહિતીમાં સામેલ થવી જોઇએ. જે વસ્તુઓ આપણા દેશમાં જ બની હોય તેમાં આ પ્રકારે ઉલ્લેખ કરવો જરૂરી નથી.
ઇ-કોમર્સ વેબસાઈટ પર વેચાતા ઉત્પાદનો જે દેશમાં બન્યા હોય તેનો ઉલ્લેખ કરવો જરૂરી: કેન્દ્ર સરકાર - એમેઝોન ફ્લિપકાર્ટ
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, ઇ-કોમર્સ વેબસાઈટ પર વેચાતો સામાન જે દેશમાં બન્યો હોય તે દેશનો ઉલ્લેખ કરવો હવેથી જરૂરી ગણાશે. આ અંગે દિલ્હી હાઇકોર્ટમાં કેન્દ્ર સરકારે નિવેદન આપ્યું હતું જેમાં સામેના પક્ષકારોને 2 સપ્ટેમ્બર સુધી જવાબ દાખલ કરવાનો સમય આપવામાં આવ્યો છે.
ગ્રાહક વિભાગ દ્વારા આ નિયમના અમલ માટે ઇ-કોમર્સ વેબસાઈટને પહેલેથી સૂચનો આપી દેવામાં આવ્યા છે. જો કે, ઇ-કોમર્સ કંપની દ્વારા સ્નેપડીલ દ્વારા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોના સંકટ દરમિયાન આ પ્રકારના નિયમો લાદવા એ ગેરવ્યાજબી છે. આને પગલે ઇ-કોમર્સ કંપનીના વેપારીઓના ધંધા રોજગાર પર અસર પડશે.
કોરોના મહામારીમાં પાયમાલ થયેલા દેશના અર્થતંત્રને બેઠું કરવા કેન્દ્ર સરકાર દ્વારા સ્વદેશી પેદાશો અપનાવવાની અપીલ કરવામાં આવી છે. ત્યારે દેશની અડધા ઉપરાંતની જનતા સરકારની અપીલને અનુસરી સ્વદેશી વસ્તુઓ ખરીદતી થઇ છે. આવા સમયે ઇ-કોમર્સ વેબસાઇટ પર પેદાશોની બનાવટ જે દેશમાં થઇ છે તેનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. કારણ કે, આ દ્વારા જ ગ્રાહકને ખબર પડશે કે તે જે વસ્તુની ખરીદી કરી રહ્યો છે તે સ્વદેશી છે કે વિદેશી.