ન્યુઝ ડેસ્ક :કેટો ડાયેટ હાલમાં દરેક ઉંમરના લોકોમાં ખુબ જ જાણીતુ બન્યુ છે, ખાસ કરીને યુવાન મહિલાઓમાં તે ઘણું જ પ્રચલીત બન્યુ છે. પરંતુ શું આવા આહારની વ્યક્તિ પર તીવ્ર અસર પડે છે ? નિષ્ણાંતો માને છે કે સંતુલીત અને તંદુરસ્ત આહાર લેવાને બદલે જો કોઈ વ્યક્તિ કોઈ ખાસ પ્રકારની આહાર શૈલીને વળગીને રહે છે તો શરીરમાં એક સમાન પ્રકારના પોષક તત્વોનું પ્રમાણ વધશે. અને શરીરમાં કોઈ પણ પ્રકારના તત્વનું પ્રમાણ જ્યારે વધે છે ત્યારે તેની આડઅસર ઉભી થાય છે. આ મુદ્દા પર ઉંડાણપૂર્વક ચર્ચા કરવા માટે ETV Bharat Sukhibhavaની ટીમે એમજીએમ મેડીકલ કોલેજ અને નહેરૂ ચીલ્ડ્રન્સ હોસ્પીટલ એન્ડ રીસર્ચ સેન્ટર, ઇન્દોર ખાતે ફરજ બજાવતા ન્યુટ્રીશનીસ્ટ ડૉ. સંગીતા માલુ સાથે ખાસ વાતચીત કરી હતી.
કીટો ડાયેટ વીશે સામાન્ય સમજ
ડૉ. સંગીતાએ જણાવ્યુ હતુ કે જ્યારે શરીરનું વજન ઓછુ કરવાની વાત આવે છે ત્યારે લોકો સૌથી પહેલા જેના વીશે વીચારે છે તે કીટો ડાયેટ છે. પરંતુ આ ડાયેટને સારી રીતથી અનુસરવુ ઘણુ કઠીન છે. ડૉ. માલુ જણાવે છે કે શરીરનું વજન ઓછુ કરવામાં કીટો ડાયેટ અસરકારક સાબીત થઈ શકે છે પરંતુ જો પુરતા સાવચેતીના પગલા લેવામાં ન આવે અને જરૂરી તમામ નિયમોનું પાલન ન કરવામાં આવે તો તે વ્યક્તિના સ્વાસ્થ્ય પર તેની નકારાત્મક અસર પહોંચી શકે છે.
કેટો ડાયેટ આપણી કીડની પર અસર પહોંચાડી શકે છે અને ખાસ કરીને તેની કાર્યપદ્ધતિને અસર કરી શકે છે. આ ડાયેટમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોવાથી જો આ ડાયેટ સાથે વધુ માત્રામાં પાણી ન લેવામાં આવે તો શરીરમાં યુરીક એસીડનું પ્રમાણ વધવાનું જોખમ પણ વધી જાય છે. આ ઉપરાંત કીડનીમાં પથરી થવાની સંભાવના પણ વધી જાય છે. કેટો ડાયેટમાં પણ દર રોજ ઓછામાં ઓછુ 25 ગ્રામ કાર્બોહાયડ્રેટ લેવું જોઈએ પરંતુ મોટાભાગના લોકો આ ડાયેટને અનુસરતી વખતે ફળો અને શાકભાજી ખાવાનું ઓછુ કરે છે અથવા સદંતર બંધ કરે છે. તેના કારણે શરીરમાં જરૂરી વીટામીનની ખામી સર્જાય છે. આ ઉપરાંત શરીરમાં કેટો ફ્લુનું પણ ખુબ મોટુ જોખમ રહે છે જેના કારણે વ્યક્તિને પેટનો દુખાવો, ચક્કર આવવા અને ઉલ્ટી થવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
પાચનક્રીયા પર અસર
ડૉ. સંગીતા માલુ જણાવે છે કે આપણી પરંપરાગત ભારતીય આહાર પદ્ધતિનું માળખુ, શાકાહારી અને માંસાહારી બંન્ને, તમામ પ્રકારના પોષક તત્વો જળવાઈ રહે તે રીતે તૈયાર કરવામાં આવ્યુ છે જ્યારે આ પ્રકારના ડાયેટમાં કેટલીક વાર પ્રોટીન કે વીટામીનની માત્રા જરૂર કરતા વધુ હોય છે. જો કે પાચનક્રીયા સહીતની આપણા શરીરની દરેક સીસ્ટમ એ રીતે બનેલી છે કે જો શરીરમાં કોઈ પણ પોષકતત્વનું પ્રમાણ વધે છે તો તે ઝાડા અથવા ઉલ્ટીના માધ્યમથી બહાર નીકડી જાય છે, પરંતુ આ પ્રક્રીયા દરમીયાન આપણા શરીરમાં અશક્તિ આવે છે અને આપણી પાચનશક્તિને ખુબ મોટી અસર પહોંચે છે જેના કારણે ખાસ કરીને પાચનક્રીયાને લગતા રોગ થવાની સંભાવના વધી જાય છે. અ બીમારી કેટલીક વાર જીવલેણ પણ સાબીત થઈ શકે છે.
ડૉ. સંગીતા માલુ જણાવે છે કે જ્યાં સુધી કોઈ પણ ડાયેટમાં એક સરખી માત્રામાં તમામ પ્રકારના પોષકતત્વો ન જળવાતા હોય ત્યાં સુધી તેને સંપૂર્ણ આહાર ગણી શકાય નહી. એવી આહાર પદ્ધતિ કે જે કોઈ એક પ્રકારના પોષક તત્વથી ભરપૂર છે તેને સંપૂર્ણ આહાર ગણી શકાય નહી અને વહેલા કે મોડા તે શરીર પર નકારાત્મક અસર પહોંચાડે છે. માટે જ સારા સ્વાસ્થ્ય અને સ્વસ્થ શરીર માટે શરીરને તમામ પ્રકારના પોષક તત્વો પુરા પાડતો તેમજ હળવો અને પચી જાય તેવો ખોરાક લેવો ખુબ જ જરૂરી છે.