નવી દિલ્હી: મોદી કેબિનેટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી બિલ 2020ને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી સાથે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટ, 1971માં સંશોધનનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. આ બિલને સંસદમાં આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે. આ બિલ દ્વારા હવે મહિલાઓ 24માં સપ્તાહે એટલે કે 6 મહિનાની પ્રેગ્નેન્સી હશે, ત્યારે પણ ગર્ભપાત કરાવી શકશે.
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે એક બેઠક બાદ કહ્યું હતું કે, સમય મર્યાદા વધારવાના કારણે દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાઓ અને સગીર વયની કિશોરીઓને રાહત મળશે.ગત વર્ષે ગર્ભપાતની સમય મર્યાદા વધારવા માટે કોર્ટમાં એક જનહિતની પિટિશન થઈ હતી. જેની સુનાવણી દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે દિલ્હી હાઈકોર્ટને કહ્યું હતું કે, ગર્ભપાતની સમય મર્યાદા 20 સપ્તાહથી વધારવા માટે સરકાર વિચારણા કરી રહી છે.
સરકાર તરફથી દાખલ એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, સંબંધિત મંત્રાલય અને નીતિ આયોગનું સૂચન લીધા પછી ગર્ભપાત સંબંધિત કાયદામાં સંશોધનના મુદ્દાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને ત્યારપછી તેને કાયદા મંત્રાલય પાસે મોકલવામાં આવશે. જેથી ગર્ભપાત સંબંધિત કાયદા પર જરૂરી સંશોધન થઈ શકે.
સ્વાસ્થય મંત્રાલયે હાઈકોર્ટને એવું પણ જણાવ્યું છે કે, ગર્ભપાત સંબંધિત મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગ્નેન્સી કાયદો, 1971માં સંશોધન વિશેનો મુસદ્દો કાયદા મંત્રાલયને મોકલી દીધો છે. ત્યારપછી કાયદા મંત્રાલયે સ્વાસ્થય મંત્રાલયને કહ્યું કે, અત્યારે ગૃહના બંને સદન અનિશ્ચિતકાળ સુધી સ્થગિત છે. આ સંજોગોમાં નવી સરકાર બનશે, ત્યારે આ મુસદ્દાને ધ્યાનમાં લેવામાં આવશે.
સ્વાસ્થ્ય મંત્રાલયે આ સંદર્ભમાં એક સોગંદનામું પણ કોર્ટ સમક્ષ દાખલ કર્યુ હતું. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, મહિલાઓ અને તેમના ભ્રૂણના સ્વાસ્થ્યને જોતા ગર્ભપાત કરાવવા માટેની સમય મર્યાદા 20 સપ્તાહથી વધારી 24 સપ્તાહ કરવામાં આવે. જે રીતે ગર્ભ ધારણ કરવાનો અધિકાર મહિલા પાસે છે. તે રીતે ગર્ભપાતનો અધિકાર પણ મહિલા પાસે હોવો જોઈએ.