Q: દિલ્હીમાં CAA અને NRCના મુદ્દે થયેલા તોફાનો વિશે તમે શું કહેશો?
A: બહુ દુખની વાત છે. અમે ધારાશાસ્ત્રીઓ માનીએ છીએ કે સરકારે લીધેલો નિર્ણય ટકી શકે તેવો નથી. તેની પાછળ કોઈ વાજબી કારણ નથી. જોકે અદાલત તેનો નિર્ણય કરશે અને બાબત અદાલત સમક્ષ છે. અદાલતે તાકિદે બાબત હાથમાં લીધી હોત તો આટલી અશાંતિ ના થઈ હોત. સરકાર બેજવાબદાર બનીને વર્તી રહી છે. લોકોમાં વિરોધ છે. જવાબદાર સરકારે લોકોની ચિંતા પાછળ ખરેખર વાજબી કારણો છે કે કેમ તે જાણવા વાતચીત કરવી જોઈએ. આ સરકાર બધા પર બુલડોઝર ફેરવી રહે છે. બહુમતી સાથે સંસદમાં તેમ કર્યું અને દેશને એ તરફ ધકેલી રહી છે કે જ્યાં વાજબીપણા સામે શંકા હોય. દુખ થાય છે કે સરકાર આંખ આડા કાન કરી રહી છે.
Q: એવી પણ ફરિયાદ છે કે CAAના વિરોધીઓ રસ્તાઓ રોકી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પણ આ બાબત ધ્યાને લીધી છે...
A: મહત્ત્વા રસ્તા પર ધરણા કરવામાં આવે ત્યારે તકલીફ થવાની વાત હોય શકે, પણ છેલ્લા થોડા દિવસોમાં આપણે જોયું છે કે પોતે સરકારને સમર્થન આપે છે તેવું દેખાડવા માટે લોકોએ જે કર્યું તેનાથી ઉગ્રતા વ્યાપી ગઈ છે. સરકારને ટેકો આપી શકાય છે, પણ તે માટે હથિયારો કાઢીને નીકળી પડવું અને હિંસા ફેલાવવી અને તોડફોડ કરવી તેને સ્વીકારી શકાય નહિ.
Q: આ તોફાનો પ્રેરિત છે?
A: કદાચ. CAA સામેનો વિરોધ સ્વંયભૂ જાગ્યો છે. તેમાં કોઈ નેતા નથી, કોઈ રાજકીય પક્ષની હાજરી નથી. પાયાના સ્તરે આવો વિરોધ મેં ક્યારેય જોયો નથી. હું તેને કૌટુંબિક વિરોધ કહું છું. વિદ્યાર્થીઓ ત્યાં આવે છે અને ત્યાં વર્ગો પણ ચાલે છે. મેં ક્યારેય આવું જોયું નથી. દિલ્હીની બહાર પણ મેં લોકો સાથે વાતચીત કરી છે અને ત્યાં પણ આવી લાગણીના પડઘા જોયા છે.
Q: કોંગ્રેસે CAAનો વિરોધ કર્યો છે અને કેટલાક રાજ્યોમાં તેના વિરોધમાં ઠરાવ થયા છે. આ બાબતમાં કાનૂની સ્થિતિ શું છે?
A: આમાં બે બાબતો છે: એક કાનૂની બાબત છે, જે અદાલત નક્કી કરશે. બીજી બાબત છે એવી વાત કરવી જેનાથી આંદોલનને અસર થાય. આવી વાતો જાહેરમાં ના કરવી જોઈએ. પણ આ આંદોલનમાં નાગરિક અસહકારની વાત છે, ગાંધીજીનો સત્યાગ્રહ છે અને માર્ટિન લ્યૂથર કિંગ, નેલ્સન મંડેલા અને ખાન અબ્દુલ ગફાર ખાનની રીતે વિરોધ થઈ રહ્યો છે. નાગરિક અસહકાર એટલે નાગરિક સત્તાની સામે પડે તે. જોકે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે ચૂંટાયેલી સરકાર કેન્દ્રનો વિરોધ કરે ત્યારે શું તેના વિશે બહુ લખાયું નથી. આપણી સંઘ વ્યવસ્થા છે તેથી રાજ્યોનો વિરોધ નાગરિક અસહકાર છે, જે વાજબી ગણી શકાય અને તેનું અગત્યનું નૈતિક પાસું છે. આશા રાખીએ સુપ્રીમ કોર્ટ આના વિશે નિર્ણયો કરશે.