નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટમાં લેવામાં આવેલા નિર્ણયની જાણકારી કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે આપી હતી. તેમણે જણાવ્યું કે, જનચેતનાના અભિયાન માટે તમામ જગ્યાઓ પર બેનર અને પોસ્ટર લગાવવામાં આવશે. વધુમાં કોરોના વિશે ચર્ચા કરતા જણાવ્યું કે, કોરોના મહામારીથી બચવા માટે દવા અને વેક્સિન વગર માસ્ક અને વારંવાર હાથ ધોવા એ જ સુરક્ષા કવચ છે. સંકટના સમયમાં તેનાથી ડરવાને બદલે સાવધાન રહેવું જરૂરી છે.
વધુમાં જાવડેકરે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરકારમાં 20 વર્ષ પૂર્ણ થતા તેમને શુભકામના પણ પાઠવવામાં આવી હતી.
કેબિનેટના મહત્વના નિર્ણયો
- સરકારે પ્રાકૃતિક ગેસ માર્કેટિંગમાં સુધારાનો નિર્ણય કર્યો
- કોલકત્તામાં મેટ્રો યોજનાને મંજૂરી આપવામાં આવી
- ભારત અને જાપાન વચ્ચે સાઈબર સિટીને પગલે MOUને મંજૂરી
પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, જાપાન સાથે એક MOU કરવામાં આવ્યો છે. આ અંતર્ગત બંને દેશો વચ્ચે સાયબર સુરક્ષા અને અન્ય સહયોગ પર જ્ઞાન અને તકનીકીનું પરસ્પર આદાન-પ્રદાન થશે.
તેમણે કહ્યું કે, કેનેડા સાથે અન્ય એક MOU પર હસ્તાક્ષર થયા છે. જેમાં ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા અને કેનેડામાં પ્રાણીસૃષ્ટિના જિનોમના બાર-કોડિંગ પર મંજૂરી આપી છે.
વધુમાં જણાવતા કહ્યું કે, અમે સ્ટોકહોમ સંમેલનનું પણ સમર્થન કર્યુ છે. આરોગ્ય અને પર્યાવરણ માટે જોખમી સાત રસાયણો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારત વિશ્વને સકારાત્મક સંદેશ આપી રહ્યું છે કે, આપણે આ ક્ષેત્રમાં પણ સક્રિય છીએ અને અમે આરોગ્ય અને પર્યાવરણ માટે કોઈ પણ પ્રકારનું જોખમ ઉઠાવી રહ્યા નથી.
મીડિયા બ્રીફિંગમાં હાજર રેલવે પ્રધાન પીયુષ ગોયલે કહ્યું કે, કેબિનેટે 8,575 કરોડના ખર્ચે પૂર્વ-પશ્ચિમ મેટ્રો કોરિડોર પ્રોજેક્ટને પૂર્ણ કરવાની મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે, આનાથી સમૂહ પરિવહન પ્રણાલીને વેગ મળશે.
કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, ઈંધણના આયાત પર નિર્ભરતા ઘટી રહી છે. તેમણે કહ્યું કે, કુદરતી ગેસના ભાવની પદ્ધતિને પારદર્શક બનાવવા માટે કેબિનેટે ધોરણસરની ઇ-બિડિંગ પ્રક્રિયાને મંજૂરી આપી છે. ઇ-બિડિંગ માટે માર્ગદર્શિકા પણ બનાવવામાં આવશે.
કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને વધુમાં કહ્યું કે, સરકાર ભારતીય ગ્રાહકોને પોષણક્ષમ ભાવે ઉર્જા પ્રદાન કરવા માગે છે. તે માટે અમે સૌર, બાયો-ફ્યુઅલ, બાયો-ગેસ, કૃત્રિમ ગેસ અને અન્ય ઘણા સ્રોતો દ્વારા ઉર્જા પ્રદાન કરવા માગીએ છીએ.