ન્યુઝ ડેસ્કઃ સમગ્ર વિશ્વમાં ઓક્ટોબરને ઇન્ટરનેશનલ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ તરીકે માન્યતા આપવામાં આવી છે. પિંક રિબન એ બ્રેસ્ટ કેન્સર વિશે વહેલી જાણકારી મેળવવાના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા, આ બિમારીનો ભોગ બનીને તેમાંથી ઉગરી ગયેલી મહિલાઓને બિરદાવવા અને સાથે જ, બ્રેસ્ટ કેન્સર સામેની લડાઇમાં આશા, હિંમત અને તેમાંથી ઉગરવાનો સંદેશ ફેલાવવા માટે ઉપયોગમાં લેવાતું પ્રતીક છે.
ETV ભારત સુખીભવએ બ્રેસ્ટને લગતી બિમારીઓ પર વિશેષ સમજૂતી મેળવવા માટે KIMS-ઉષાલક્ષ્મી સેન્ટર ફોર બ્રેસ્ટ ડિસીઝિસના ડિરેક્ટર, ઉષાલક્ષ્મી બ્રેસ્ટ કેન્સર ફાઉન્ડેશનના સ્થાપક, સીઇઓ અને ડિરેક્ટર, Hon FRCS (થાઇલેન્ડ), FACS, FRCS (Irel), FRCS (Glasg),FRCS (Eng), FRCS (Edin),MS ડો. પી. રઘુ રામ સાથે કરેલી વાતચીતના અંશો અહીં રજૂ કરવામાં આવ્યા છેઃ
બિમારીના વૈશ્વિક આંકડા
સમગ્ર વિશ્વમાં દર વર્ષે બ્રેસ્ટ કેન્સરના 2.1 મિલિયન નવા કેસો નોંધાય છે. આ સાથે બ્રેસ્ટ કેન્સર મહિલાઓને શિકાર બનાવતું સૌથી સામાન્ય કેન્સર છે. દર વર્ષે વિશ્વની 6,50,00 મહિલાઓ આ બિમારીને કારણે મૃત્યુ પામે છે.
ભારતમાં બિમારીના આંકડા
દર વર્ષે ભારતમાં બ્રેસ્ટ કેન્સરના 1,62,000 કરતાં વધુ નવા કેસો નોંધાય છે. આ સાથે મહિલાઓને ઝપેટમાં લેતા કેન્સર તરીકે બ્રેસ્ટ કેન્સરે સર્વાઇકલ કેન્સરને પાછળ છોડી દીધું છે. ભારતમાં બ્રેસ્ટ કેન્સરનો ભોગ બનતા દર બે દર્દીમાંથી એકનું મોત નીપજે છે. દેશમાં દર વર્ષે 87,000 મહિલાઓનું બ્રેસ્ટ કેન્સરથી મોત નીપજે છે તથા દેશમાં દર 10 મિનિટે એક મહિલાનું બ્રેસ્ટ કેન્સરના કારણે મોત થાય છે. 60 ટકા કરતાં વધુ કેસો એડવાન્સ્ડ સ્ટેજ પર છે. જાગૃતિનો અભાવ અને દેશવ્યાપી વસ્તી-આધારિત સંગઠિત બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામની ગેરહાજરી એ વિલંબ થવા પાછળનાં મુખ્ય કારણો છે.
માન્યતા
છાતીમાં ગાંઠ હોય, તો મોટાભાગે કેન્સર હોય છે
તથ્ય
છાતીની 10માંથી 9 ગાંઠ કેન્સરની નથી હોતી. જોકે, જો છાતીમાં કોઇ ફેરફાર જણાય, તો સ્પેશ્યાલિસ્ટ પાસે જવું ખૂબ જરૂરી બની રહે છે. બ્રેસ્ટની ક્લિનિકલ તપાસ, બાઇલેટરલ મેમોગ્રાફી અને અલ્ટ્રાસાઉન્ડ ગાઇડેડ કોર નીડલ બાયોપ્સી – આ ત્રણ વિશ્લેષણો છાતીની ગાંઠ સામાન્ય છે કે કેન્સરની તે સચોટપણે નક્કી કરી શકે છે.
માન્યતા
બ્રેસ્ટ કેન્સર માત્ર મોટી વયની મહિલાઓને જ થાય છે.
તથ્ય
પશ્ચિમના દેશોની મહિલાઓમાં મોટાભાગે 50 વર્ષ પછીની વયે બ્રેસ્ટ કેન્સર થતું હોવા છતાં, આ બિમારી કોઇપણ વયે થઇ શકે છે. ચેતવણીરૂપ બાબત એ છે કે, ભારતમાં ઘણી નાની વયે આ બિમારી થવાનું પ્રમાણ વધી રહ્યું છે. ભારતમાં મોટાભાગે 40-60 વર્ષની વયે બ્રેસ્ટ કેન્સર થાય છે.
માન્યતા
બ્રેસ્ટ કેન્સર માત્ર સ્ત્રીઓને જ થાય છે.
તથ્ય
ઘણા લોકો એવું માનતા હોય છે કે, પુરુષોને બ્રેસ્ટ ન હોવાથી તેમને બ્રેસ્ટ કેન્સર થતું નથી. પણ વાસ્તવમાં, સ્ત્રીઓ અને પુરુષો, બંનેમાં બ્રેસ્ટ ટિશ્યૂ હોય છે. એ જાણવું જરૂરી છે કે, દર વર્ષે થોડી માત્રામાં પુરુષો પણ બ્રેસ્ટ કેન્સરનો ભોગ બને છે.