ઉપાય: તમારા પિતાજીને પલ્મૉનરી થ્રૉમબોએમ્બૉલિઝમ (PE)ની સમસ્યા છે. જોકે તે ફેફસાંની સમસ્યા લાગે છે, પરંતુ એ નોંધવું જોઈએ કે તે પગની નસોમાં ઉદ્ભવે છે. માનવ શરીરમાં, શિરા દ્વારા અશુદ્ધ લોહી શરીરમાં પહોંચે છે અને તે પછી ફેફસામાં પહોંચે છે. આવા લોહીને ઑક્સિજન મળે છે અને તે પછી તે ફરી પાછું હૃદયમાં જાય છે અને પછી ધમનીઓ દ્વારા શરીરના અલગ-અલગ ભાગમાં જાય છે. આ સતત ચાલતી પ્રક્રિયા છે. પરંતુ કેટલાક લોકોના પગની પીંડી અને જાંઘોમાં નાનાનાના ગઠ્ઠા થઈ જાય છે. તેનાથી રક્તસંચાર ધીમો પડે છે, લોહીની નસોની દીવાલોને નુકસાન થાય છે, લોહી જાડું થાય છે. જે લોકો હાથ અને પગની કોઈ હલચલ વગર કલાકો સુધી સતત બેસી રહે છે તેમને આ સમસ્યા થવાની સંભાવના રહેલી છે.
કેટલીક વખત પગની નસોમાં થયેલા ગાંઠા સ્થાનાંતર થઈ જાય છે અને ખસી જાય છે અને તે ફેફસાંની નસોમાં જામી જાય છે. આનાથી ફેફસાંની ક્ષમતાને અસર પહોંચે છે. લોહી પૂરતો ઑક્સિજન મેળવ્યા વગર હૃદયમાં પાછું ફરે છે. લોહીમાં પૂરતો ઑક્સિજન ન હોવાથી શ્વાસોચ્છવાસની તકલીફ ઊભી થાય છે. ફેફસાં સંકોચાય છે અને છાતીમાં દુઃખાવો પણ ઊભો થઈ શકે છે. જો લોહીમાં ગઠ્ઠાની શંકા લાગે ડી-ડાઇમર નામનો ટેસ્ટ કરાવાય છે. જો કોઈ ગઠ્ઠા હશે તો ડૉક્ટર અંદાજે જાણી લેશે. જો નાનાનાના ગઠ્ઠાની શંકા હોય તો ફેફસાંનો એન્જિયોગ્રામ કરાવાય છે.