મહારાષ્ટ્રમાં રાજ્યપાલે શિવસેનાને પૂછ્યું કે સરકાર બનાવવા તૈયાર છે કેમ? ચૂંટણી પરિણામોમાં શિવસેના બીજા મોટા પક્ષ તરીકે ઉભરી આવતા હવે તેમને આ સવાલ કરાયો છે. રાજ્યપાલે મહારાષ્ટ્ર શિવસેનાના પક્ષના નેતા એકનાથ શિંદેને આ સવાલ કર્યો છે. ભાજપ અને શિવસેના વચ્ચે 50-50ના ફોર્મ્યુલા અંગે મડાગાંઠ ન ઉકલતા ભાજપે સરકાર નહીં બનાવી શકાય તેમ કહી હથિયાર મુકી દીધા છે. ત્યારે રાજ્યપાલે પ્રક્રિયા મૂજબ બીજા મોટા પક્ષને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું છે.
રાજ્યપાલે શિવસેનાને 24 કલાકનો સમય આપ્યો છે. આવતીકાલે સાંજે સાડા સાત વાગ્યા સુધી સરકાર મળવા માટે કહ્યું છે. તેમજ સરકાર કેવી રીતે બનાવશે તે જણાવવા પણ કહ્યું છે. તેવા સમયે હવે શિવસેના શું કરશે તેની પર સૌની નજર છે. બીજીતરફ હવે ઉદ્ઘવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે મુલાકાત થાય તેવા સમાચાર પણ સામે આવી રહ્યાં છે.
સરકાર રચવા અંગે કોકડુ વધુ ગુંચવાયુ છે. મુખ્યપ્રધાન ફડણવીસે રાજ્યપાલ સાથે મુલાકાત કર્યા બાદ હવે ભાજપે મોટો ખુલાસો કર્યો છે. ભાજપના દિગ્ગજ નેતા ચંદ્રકાન્ત પાટીલે કહ્યું કે શિવસેના તૈયાર ન હોવાથી અમે સરકાર નહીં રચીએ. શિવસેનાની જીદના કારણે ભાજપ સરકાર નહીં રચે. આ સાથે જ શિવસેનાને કોંગ્રેસ અને NCP સાથે ગઠબંધન કરી સરકાર રચવા માટે શુભેચ્છા પણ પાઠવી છે.