લોકસભામાં અમિત શાહે ગાંધીનગર અને સ્મૃતિ ઇરાનીએ અમેઠી બેઠક પર જીત મેળવ્યા બાદ રાજ્યસભાની બે બેઠક ખાલી પડી હતી. રાજ્યસભાની આ બે બેઠકની ચૂંટણી યોજાવાની છે. જેનું પરિણામ આગામી 5 જુલાઇના રોજ આવશે. જેમાં ભાજપના ધારાસભ્ય અને સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ભાજપના ઉમેદવાર એસ. જયશંકર અને જુગલજી ઠાકોરે ઉમેદવારી પત્ર ભર્યુ - GDR
ગાંધીનગર: રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે તેને લઇને ભાજપાના રાજ્યસભા પદના ઉમેદવાર ડો. એસ. જયશંકર અને જુગલજી ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યુ છે.

ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની બે સીટ માટે આજે મંગળવારે ઉમેદવારી કરવાનો અંતિમ દિવસ હતો. ભાજપાએ આવતીકાલે ડો. એસ જયશંકર અને જુગલજી ઠાકોર નામના બે ઉમેદવારની જાહેરાત કરી હતી. જેને લઇને તેમણે આજે ઉમેદવારી નોંધાવી હતી. આ પહેલા રાજ્યસભાના આ બંને ઉમેદવારો મુખ્યપ્રધાન વિજય રૂપાણીને તેના નિવાસસ્થાને મળ્યા હતાં. આ ઉપરાંત, મળતી માહિતી મુજબ કોંગ્રેસ પણ પોતાના બે ઉમેદવારની જાહેરાત કરી શકે છે. જેમાં સૂત્રોના જણાવ્યાં અનુસાર, કોંગ્રેસ તરફથી ચંદ્રીકાબેન ચુડાસમા અને ગૌરવ પંડ્યાના નામ પર મ્હોર લાગી શકે તેમ છે.
ઉલ્લેખનીય છે કે, આ પેટાચૂંટણીને અલગ-અલગ બેલેટ પેપરથી યોજવા સામે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. ચૂંટણીમાં ઇલેક્શન કમિશન સામે સુપ્રીમ કોર્ટે કોઇ પણ દખલગીરી કરવાથી મનાઇ ફરમાવી છે અને હાઇકોર્ટમાં કેસ દાખલ કરવાનું જણાવી અને અરજી ફગાવી હતી. ત્યારે કહી શકાય કે પેટા ચૂંટણી પહેલા પણ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે અને જણાઇ રહ્યું છે કે ભાજપા માટે આ પેટા ચૂંટણીની જીત આસાન જણાઇ રહી છે.