- બિહાર વિધાનસભા ચૂંટણીમાં પીએમનું જનસભાને સંબોધન
- વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
- વિપક્ષે માત્ર ખોટા વાયદાઓ કર્યા, કામ નહીંઃ વડાપ્રધાન
- વિપક્ષે લોકો પાસેથી મત આપવાનો અધિકાર છીનવ્યોઃ વડાપ્રધાન
ન્યૂઝ ડેસ્કઃ બિહારના અરરિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલી સંબોધી હતી, જેમાં તેમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું, કોંગ્રેસે જૂઠુ બોલીને દેશના લોકોને કેવા કેવા ખોટા સપના દેખાડ્યા. ચૂંટણી પહેલા કહેતા હતા કે ગરીબી હટાવીશું, ખેડૂતોનું દેવું માફ કરીશું, ટેક્સ ઓછો કરીશું. વાતો બહુ કરી, પરંતુ ઈતિહાસ સાક્ષી છે. દસ્તાવેજ સાક્ષી છે કે, તેમણે આમાંથી એક પણ કામ નથી કર્યું, કોંગ્રેસ ફક્ત લોકોને આડા રસ્તે લઈ જવા માગે છે. વડાપ્રધાને ઉમેર્યું કે, આજે બિહારમાં પરિવારબાદ હારી રહ્યો છે. જનતંત્ર ફરીથી જીતી રહ્યું છે. વિકાસ જીતી રહ્યો છે, અહંકાર હારી રહ્યો છે, પરિશ્રમ ફરી જીતી રહ્યો છે. કૌભાંડ હારી રહ્યા છે, લોકોનો હક ફરી એક વાર જીતી રહ્યો છે.
બિહારના લોકોએ દેશને જ નહીં સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો છેઃ વડાપ્રધાન મોદી
વડાપ્રધાને રેલીને સંબોધતા વધુમાં કહ્યું, બિહાર એ ભૂલી નહીં શકે જ્યારે ચૂંટણીને આ લોકોએ મજાક બનાવી દીધી હતી. આમના માટે ચૂંટણીનો મતલબ હતો ચારે તરફ હિંસા, હત્યા, બૂથ કેપ્ચરિંગ, બિહારના ગરીબો પાસેથી આ લોકોએ વોટ દેવા સુધીનો અધિકાર છીનવી લીધો હતો. ત્યારે મતદાન નહતું થતું. મત છીનવી લેવામાં આવતો હતો. વોટની લૂંટ થતી હતી. ગરીબોનો હક છીનવાઈ રહ્યો હતો. બિહારમાં ગરીબને યોગ્ય રીતે મતદાનનો અધિકાર એનડીએએ આપ્યો હતો. લોકતંત્રની આટલી મોટી તાકાત, લોકતંત્ર પ્રત્યે દરેક બિહારીનું આટલું મોટું સમર્પણ, વિશ્વના તમામ થિન્ક ટેન્કે આનું મૂલ્યાંકન કરવું પડશે કે ભારતના લોકોની આત્મામાં લોકતંત્ર કેટલી ઊંડું વસેલું છે. આજે બિહારના લોકોએ દેશ જ નહીં, દુનિયામાં એક સંદેશ આપ્યો છે. કોરોનાના આ સંકટ કાળમાં જ્યારે દુનિયાભરમાં હડકંપ મચ્યો છે. બિહારના લોકો પોતાના ઘરથી નીકળી રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં મતદાન કરી રહ્યા છે.