ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિશ્વમાં હવે સાઇકલ યુગ ?

મે મહિનાના આરંભે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને યુકેની સંસદને જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં જ “સાઇક્લિંગ માટે નવો સુવર્ણ યુગ આવવો જોઈએ”. બે વર્ષ પહેલાનું હીરો સાયકલનું લોકપ્રિય કેમ્પેઇન યાદ કરો ઃ“રોડ પે દિખેગી તભી તો ચલેગી.”

By

Published : Jul 30, 2020, 8:55 PM IST

Bicycle to act as instrument of change in post-COVID-19 era
વિશ્વમાં હવે સાયકલ યુગ ?

ન્યૂઝ ડેસ્કઃ મે મહિનાના આરંભે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને યુકેની સંસદને જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં જ “સાયક્લિંગ માટે નવો સુવર્ણ યુગ આવવો જોઈએ”. બે વર્ષ પહેલાનું હીરો સાયકલનું લોકપ્રિય કેમ્પેઇન યાદ કરોઃ “રોડ પે દિખેગી તભી તો ચલેગી.” આ કેમ્પેઇન સાઇકલોને ફરી રસ્તાઓ ઉપર દોડતી કરવા અને સાયક્લિંગ માટે અલગ લેનની જરૂરિયાત ઊભી કરવા માટે લક્ષિત હતું. કોવિડ-19 પછીના યુગમાં કોઈ પણ પ્રચાર વિના વિશ્વ બે પૈડાં, એટલે કે સાયકલ અપનાવી લે તે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એ વાતમાં સહેજેય આશ્ચર્ય નથી કે લોકો સામાજિક અંતર જાળવવાના આ સમયે જાહેર પરિવહનને બદલે સાયકલ ઉપર કામના સ્થળે જવાનું પસંદ કરશે. દાખલા તરીકે, યુરોપની સંસદે કર્મચારીઓને જાહેર પરિવહન ટાળવાની વિનંતી કરતો પત્ર લખ્યો છે ઃ “ચાલીને આવો અથવા સાયકલ ઉપર આવો અથવા અન્ય કોઈ વિકલ્પ ન હોય તો તમારી પ્રાયવેટ કારમાં આવો.” વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ શારીરિક સંપર્ક મર્યાદિત બનાવવા સાયકલનો ઉપયોગ કરવાની હિમાયત કરી છે.

સાઇક્લિંગ - સાઇકલ ચલાવવી - એ પરિવહનનો સૌથી વધુ સાતત્યપૂર્ણ માર્ગ હોવા બાબતે કોઈ શંકા નથી. સાયક્લિંગથી પર્યાવરણ તેમજ આર્થિક દ્રષ્ટિએ મોટા લાભ થાય છે. હવાના જીવલેણ પ્રદૂષણ સામે લડત આપવા અગાઉ પણ સાયકલને પ્રોત્સાહિત કરાઈ છે. જોકે, સમય જતાં, લોકોએ મુસાફરી કરવા વધુ ખર્ચ કરવા માંડ્યો અને પરસ્પરથી સલામત અંતર જાળવાનું છોડી દીધું. પરંતુ હવે પરિવહનના પરિણામો બદલાય તેવી સંભાવના છે, કદાચ કેટલેક અંશે તો અવશ્ય બદલાશે. મહામારી પછીના સમયગાળામાં પર્યાપ્ત સામાજિક અંતર જાળવવા માટે દિલ્હી મેટ્રોએ તેની સેવાઓમાં છ ગણો વધારો કરવાની જરૂર પડશે. મુંબઈની સબર્બન રેલવેએ 14-16 ગણું વિસ્તર કરવાની અને બેંગ્લોર મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને વધારાની 24,000 બસ ચલાવવાની આવશ્યકતા છે. જાહેર પરિવહનની ક્ષમતામાં ઘટાડો થતાં, મોટાં શહેરોમાં રસ્તાઓ, ખાસ કરીને કોઈ યોગ્ય વિકલ્પની જરૂર છે. અને સાયક્લિંગ આવી પરિસ્થિતિમાં આદર્શ ઉકેલ બનીને ઉભર્યું છે.

આદર્શ વિક્પ ખરો, પરંતુ એટલો સહેલો વિકલ્પ પણ નથી. સાયકલ સલામત રીતે અને સુગમતાથી ચલાવવા માટે અન્ય મોટાં વાહનોના ટ્રાફિકથી અલગ તેમજ ફક્ત સાયકલ ચલાવવા માટેનું જ અથવા પગપાળા ચાલતા લોકો અને સાયકલ માટેની અલાયદી લેન ધરાવતું લાંબું નેટવર્ક જરૂરી છે. ડેનમાર્ક અને નેધરલેન્ડ્સ જેવા દેશોમાં શહેરોને જોડતાં લાંબા બાઈક-પાથ છે. નેધરલેન્ડ્સમાં ફિએસ્ટપેડ અથવા બાયસિકલ પાથ દૈનિક સાયક્લિંગ માટે ઉપયોગમાં આવે એ રીતે દુકાનો, રહેણાંક વિસ્તારો, સ્ટેશનો, શાળાઓ, કામકાજનાં સ્થળો - ઓફિસોને જોડતાં-સાંકળતા હોય તેવી તર્કબદ્ધ રીતે બાંધવામાં આવ્યા છે.

કોવિડ-19ને કારણે ‘તભી તો ચલેગી’ માટેની પહેલ વિશ્વભરમાં આપોઆપ શરૂ થઈ છે. ન્યુ યોર્કે તેના નેટવર્કમાં 40 માઈલ્સની સાયકલ લેન્સ ઉમેરી છે, બોગોટાએ 76 કિલોમીટર જેટલો સાયકલ માટેનો પાથ રાતોરાત બનાવ્યો, ઓકલેન્ડે 17 કિલોમીટરની કામચલાઉ બાઈક-લેન્સ માટે ઓન-સ્ટ્રીટ કાર પાર્કિંગ હટાવી લીધું, મિલાન 35 કિલોમીટરની સ્ટ્રીટ્સ પગપાળા ચાલનારા અને સાયક્લિસ્ટ્સને પ્રાથમિકતા આપતી લેન્સ તરીકે ફેરવી રહ્યું છે, પેરિસે 650 કિલોમીટરનાં પોપ-અપ સાયકલ વે બનાવ્યાં છે, બ્રિટને સાયક્લિંગ અને વોકિંગમાં બે અબજ પાઉન્ડનાં રોકાણનો નિર્ણય કર્યો છે અને વિશ્વનાં ઘણાં શહેરોએ કામચલાઉ સાયક્લિંગ લેન્સ બનાવી છે અથવા તો હાલની સાયક્લિંગ લેન્સને વિસ્તારી છે.

ભારતમાં પણ આ દિશામાં ચક્રો ગતિમાન છે. બેંગ્લોર, થિરુવનંતપુરમ, ચેન્નાઈ અને નવી દિલ્હી જેવાં શહેરો નોન-મોટરાઈઝ્ડ અને પર્યાવરણને નુકસાન ન પહોંચાડતું હોય તેવું પરિવહન સુનિશ્ચિત કરવા માટે મોટા પાયે યોજનાઓ ઘડી રહ્યાં છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે કોવિડ-19ના પ્રતિસાદમાં સ્માર્ટ સીટીઝના સાયક્લિંગ-ફ્રેન્ડલી પ્રોજેક્ટોના અમલને ટેકારૂપ બનવા ઈન્ડિયા સાયકલ્સફોરચેન્ચ ચેલેન્જ શરૂ કરી છે, જેમાં પહેલા તબક્કામાં 10 શહેરોને આવરી લીધાં છે.

વિશ્વભરમાં ફેલાયેલી જાગૃતિને કારણે મોટાં શહેરોમાં જાહેર બાઈક શેર કંપનીઓ વપરાશમાં ધરખમ વધારો નોંધાવી રહી છે અને ઘણા સાયકલ ઉત્પાદકોનાં વેચાણોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે - કેટલાક સાયકલ ઉત્પાદકો તો મહામારી શરૂ થઈ ત્યારથી અમર્યાદિત માગ જોઈ રહ્યા છે. ઘણી સરકારો પણ લોકોને સાયકલ ખરીદવા પ્રોત્સાહિત કરી રહી છે. દાખલા તરીકે ઈટલીમાં સરકારે લોકડાઉન પછીના પ્રોત્સાહન પેકેજમાં 500 યુરોનું ‘બાયસી બોનસ’ ઉમેર્યું છે, જેમાં 50,000 લોકોથી વધુની વસ્તી ધરાવતાં શહેરોમાં વસેલા લોકોને સાયકલના ખર્ચની 60 ટકા સુધીનું રિબેટ (છૂટ) અપાય છે. ફ્રાંસની સરકારે સાયકલ રિપેર કરાવવા માટે 50 યુરોના વાઉચર્સ આપ્યાં છે. વિવિધ સ્થાનિક વહીવટીતંત્રો પણ પ્રોત્સાહનો આપી રહી છે. દાખલા તરીકે ફ્રાંસના લિયોન મેટ્રોપોલિટન રિજિયને ઈલેક્ટ્રિક સાયકલ, ફોલ્ડિંગ બાઈક કે કાર્ગો બાઈક ખરીદનારા ગ્રાહકોને 500 યુરોની પરચેઝ સબસીડી આપવાનું આયોજન કર્યું છે. પોર્ટુગલની રાજધાની લિસ્બન નવી સાયકલ ખરીદવા માટે રોકડ પ્રોત્સાહન આપી રહી છે.

ભારતમાં મિક્સ લેન-યુઝ પેટર્ન્સને કારણે તેમજ શહેરી વિસ્તારોના 60 ટકા રસ્તાઓની લંબાઈ પાંચ કિલોમીટર કરતાં નાની હોવાને કારણે ભારતનાં શહેરોમાં સાયકલના ઉપયોગ માટે અસાધારણ સંભાવનાઓ છે. જોકે, આમ છતાં દરેક શહેરમાં સાયકલના ઉપયોગની ક્રાંતિ એટલી સહેલી પણ નથી. ભારતમાં 20 લાખથી ઓછી વસ્તી ધરાવતાં શહેરોમાં સાયકલ વધુ વપરાય છે અને જેમ જેમ શહેરની વસ્તી વધતી જાય છે, તેમ તેમ રસ્તાઓ ઉપર દોડતી સાયકલોની સંખ્યા ઘટતી જાય છે. દાખલા તરીકે કોલકતા જેવા ભીડભાડવાળા શહેરમાં ફક્ત સાત ટકા વિસ્તારમાં રસ્તાઓ છે અને સાયકલ માટે અલગ પાથ બનાવવો મુશ્કેલ જણાય છે. જોકે, એ વાત સાથે કદાચ કોઈ જ અસહમત નહીં હોય કે ભારતના રસ્તાઓ ઉપર સાયકલ ચલાવનારાઓને ટ્રાફિકના સરળ નિયમો સમજાતા નથી અને તેઓ ટ્રાફિકના નિયમો પોતાને લાગુ પડતા હોય, તેવું માનતા પણ નથી.

સંભાવનાઓમાં વધુ મર્યાદાઓ પણ છે. મારા એક બ્રિટિશ મિત્ર, જેઓ વૉરવિક યુનિવર્સિટીમાં પ્રોફેસર છે, તેઓ તેમના સબર્બ વિસ્તારમાં આવેલા ઘરેથી સાયકલ ઉપર કેટલાક માઈલ્સને અંતરે આવેલા ટ્રેન સ્ટેશને જાય છે, કોવેન્ટ્રી રેલ સ્ટેશન સુધી ટ્રેનમાં પોતાની સાયકલને પણ લઈ જાય છે. આ સ્ટેશન તેમના કેમ્પસથી ચાર માઈલ જેટલું છેટું છે, એટલે, ટ્રેનમાંથી ફરી પોતાની સાથે સાયકલને પણ ઉતારે છે અને કોવેન્ટ્રી સ્ટેશનથી યુનિવર્સિટી કેમ્પસ સુધી ફરી સાયકલ ઉપર જાય છે. શું આપણ આપણી લોકલ ટ્રેનમાં આ રીતે સાયકલ લઈ જઈ શકીએ તેમ છીએ ?

આમ છતાંયે, ‘રોડ પે દિખેગી’ના અભિગમવાળી તાકીદ કદાચ અગાઉ ક્યારેય પણ આટલી સુસંગત ન હતી.

અતાનુ બિસ્વાસ

(પ્રોફેસર ઓફ સ્ટેટિસ્ટિક્સ, ઈન્ડિયન સ્ટેસ્ટિકલ ઈન્સ્ટીટ્યુટ, કોલકતા)

ABOUT THE AUTHOR

...view details