ન્યૂઝ ડેસ્કઃ બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)ની મહિલા સંશોધનકારોએ કોવીડ-19 માટે નવી પરીક્ષણ પદ્ધતિ વિકસાવી છે. આ પદ્ધતિને ટીમે પહેલાથી જ પેટન્ટ કરી દીધી છે.
મળતી માહિતી મુજબ, બનારસ હિન્દુ યુનિવર્સિટીના મોલેક્યુલર અને હ્યુમન જિનેટિક્સ ડિપાર્ટમેન્ટની મહિલા વૈજ્ઞાનિકોના જૂથે 100 ટકા ચોકસાઇ સાથે કોવીડ-19 માટે આર.ટી પી.સી.આર (રિવર્સ ટ્રાંસક્રિપ્ટ પોલિમરેઝ ચેન રિએક્શન) પર આધારિત નવીન પરીક્ષણ પદ્ધતિ વિકસાવી છે.
ડોલી દાસ, ખુશ્બુ પ્રિયા અને હિરલ ઠાકરની બનેલી સંશોધન ટીમનું નેતૃત્વ કરનારા ડૉક્ટર ગીતા રાયે જણાવ્યું હતું કે, "આ ઓછી કિંમતની પદ્ધતિ દ્વારા પરિણામો થોડા કલાકોમાં મળી શકશે. અમે આ પદ્ધતિની પેટન્ટ કરાવી દીધી છે અને આ બાબતમાં વધુ માર્ગદર્શન અને સહાય માટે અમે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસકો) અને ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)નો સંપર્ક કર્યો છે, જેથી આને લોકો સુધી લઈ જઇ શકાય."
તેમના જણાવ્યા મુજબ, આ આર.ટી પી.સી.આર (ગુણાત્મક)-આધારિત કોરોના વાઇરસ માટેની શોધ પદ્ધતિ ચોકસાઈ, ઓછી કિંમત, ઝડપી તપાસ અને ઝીણવટ ભરી તપાસ અથવા ઉંચી કિંમતના મશીનોની જરૂર નહિ પડે તેની ખાતરી આપે છે.
કેન્દ્ર સરકારે સ્ટાર્ટઅપ્સ, ઇન્ક્યુબેટર્સ અને વૈજ્ઞાનિકોને કોવિડ-19 કટોકટીના સમાધાનને શોધવા માટેના પ્રયત્નોને વેગ આપવા માટે હાકલ કરી હતી, જેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.