ઇન્દોર સ્થિત નેચરોપથી નિષ્ણાત અને સ્પેશ્યાલિસ્ટ ડો. રાજન ચંદ્રા જણાવે છે, “આપણા દેશમાં સદીઓથી જાસૂદના જુદા જુદા ભાગોનો આયુર્વેદ અને નિસર્ગોપચારમાં ઔષધિ તરીકે ઉપયોગ થતો આવ્યો છે. જાસૂદમાં કેલ્શિયમ, આયર્ન, ફેટ, વિટામિન સી અને ફાઇબર વિપુલ માત્રામાં હોય છે. આ ઉપરાંત તેમાં રહેલાં એન્ટિઓક્સિડન્ટ્સ શરીરની ચયાપચયની ક્રિયામાં સુધારો કરે છે. વળી, જાસૂદમાં એન્ટિ-ઇન્ફ્લામેટરી તત્વો રહેલાં હોય છે, જે હાઇપર ટેન્શન તથા લિવરની તકલીફો માટે લાભકારક છે.” નિષ્ણાત દ્વારા અહીં જાસૂદના અન્ય કેટલાક લાભો વિશે સમજૂતી આપવામાં આવી છેઃ
માસિક ધર્મની સમસ્યાઓ
મહિલાઓની માસિક સ્રાવ સંબંધિત સમસ્યાઓમાં જાસૂદ અત્યંત ઉપયોગી છે. જો જાસૂદનાં ફૂલો નાંખીને બનાવવવામાં આવેલી ચાનું નિયમિતપણે સેવન કરવામાં આવે, તો અનિયમિત માસિક ચક્રની સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે.
સુંદરતા નિખારે
ચહેરાની કાળજી લેવા માટે જાસૂદ આશીર્વાદસમાન છે. સુંદરતામાં ઉમેરો કરવાના જાસૂદના ગુણોને કારણે તે બોટોક્સ પ્લાન્ટ તરીકે પણ ઓળખાય છે. જાસૂદમાં એવાં તત્વો રહેલાં છે, જે ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓની સારવારમાં ઉપયોગી થાય છે અને તમારા ચહેરાનો યુવાન દેખાવ જાળવી રાખે છે. આ ઉપરાંત જાસૂદ ખીલ, ડાર્ક સર્કલ્સ અને સ્પોટ્સમાંથી છૂટકારો મેળવવામાં પણ મદદરૂપ થાય છે. જાસૂદનાં પાંદડાં ફ્રી રેડિકલ્સ દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.
વાળ
જાસૂદનાં પાંદડાં વાળ ખરવા અને વાળ રૂક્ષ થવા સહિત વાળની લગભગ દરેક સમસ્યા માટે લાભકારક છે. કેવળ ઔષધિ તરીકે જ નહીં, બલ્કે જાસૂદનાં ફૂલો તથા પાંદડાંને આમળાં સાથે પીસીને બનાવવામાં આવેલી પેસ્ટ એક અદ્ભૂત હેર પેક ગણાય છે. તેનાથી વાળની ગુણવત્તા અને જથ્થો વધે છે અને વાળ રેશમી, મુલાયમ અને ચમકદાર બને છે.
અન્ય આરોગ્યલક્ષી ફાયદા
જાસૂદનાં ફૂલ, પાંદડાંમાંથી બનાવવામાં આવેલી ચા વાળ અને ત્વચા ઉપરાંત શરીરના અન્ય ભાગો માટે પણ લાભદાયી છે. જાસૂદનાં પાંદડાંમાંથી બનાવાયેલી ચા હાઇ બ્લડ પ્રેશર તથા હૃદયની તકલીફો ધરાવતા દર્દીઓ માટે ઔષધીનું કામ કરે છે. આ ચાનું સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય થાય છે અને શરીરને રાહતનો અનુભવ થાય છે. સાથે જ, પાંડુરોગ (એનેમિયા)ના દર્દીઓ માટે પણ જાસૂદ લાભકારક છે. નિયમિતપણે જાસૂદનું સેવન કરવાથી શરીરમાં રક્તની માત્રા વધે છે.
વધુમાં, જાસૂદનાં ફૂલ અને પાંદડાંની ચાનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટરોલનું પ્રમાણ જળવાઇ રહે છે, શરદી અને ખાંસીની સમસ્યામાંથી છૂટકારો મળે છે અને મોંના ચાંદામાં રાહત થાય છે.
સાવધાન! જાસૂદ નુકસાનકારક પણ સાબિત થઇ શકે છે!
ડૉ. રાજન કહે છે કે, આયુર્વેદ, નેચરોપથી, હોમિયોપથી કે એલોપથી, ઔષધશાસ્ત્રની કોઇપણ શાખા હોય, તેમાં ઔષધિ નિષ્ણાતની દેખરેખ હેઠળ લેવામાં આવે, તે અત્યંત જરૂરી છે. કારણ કે, ઘણી વખત, તબીબી સલાહ લીધા વગર ઔષધિ લેવાથી શરીર પર તેની વિપરિત અસરો જોવા મળી શકે છે.
જાસૂદનાં ફૂલ અથવા તો તેની સાથે સંબંધિત અન્ય કોઇ પણ દવાનું સેવન આયુર્વેદિક કે નેચરોપથિક ડોક્ટરની સલાહ લઇને જ કરવું જોઇએ. એ પાછળનું કારણ એ છે કે, ઘણાં સંજોગોમાં જાસૂદનું સેવન નુકસાનકારક નીવડી શકે છે. જેમકે, ગર્ભવતી મહિલાઓ માટે અથવા તો વંધ્યત્વની સારવાર ચાલી રહી હોય, તેવી મહિલાઓ માટે જાસૂદની ચાનું સેવન હાનિકારક બની રહે છે, કારણ કે તે શરીરમાં એસ્ટ્રોજનનું પ્રમાણ ઘટાડે છે અને તેનાથી માસિક સ્રાવ શરૂ થઇ શકે છે. વળી, કસૂવાવડ થવાની શક્યતા પણ રહે છે. સાથે જ, હોર્મોનલ સારવાર કરાવી રહેલી અથવા તો ગર્ભનિરોધક દવા લઇ રહેલી મહિલાઓએ પણ તેનું સેવન ન કરવું જોઇએ. નીચું બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓએ જાસૂદની ચા ન પીવી જોઇએ, કારણ કે તેનાથી તેમનું બ્લડ પ્રેશર વધુ નીચું જઇ શકે છે.
જેના ફાયદા છે, તેના ગેરફાયદા પણ છે. આથી, આપણે વ્યક્તિએ તેની પરિસ્થિતિ સમજવી જોઇએ, ડોક્ટરની સલાહ-સૂચના અવશ્ય લેવી જોઇએ અને ત્યાર બાદ જ જે-તે દવા લેવી જોઇએ. અન્યથા, શારીરિક સમસ્યામાંથી રાહત મેળવવાના બદલે સમસ્યા વણસી પણ શકે છે.