ઢાકાઃ બાંગ્લાદેશમાં હવામાન વિભાગના અધિકારીઓએ ભારતને અડીને આવેલા દેશના વાયવ્ય અને દક્ષિણપૂર્વ ભાગમાં ભારે પૂરની આગાહી કરી છે. તો બીજી બાજુ મુશળધાર વરસાદને કારણે નદીઓ પણ હિલોળે ચઢી છે, જેના કારણે લોકોના જીવન અને ખેતીની જમીનને ગંભીર ખતરો ઉભો થયો છે.
ભારતના મેઘાલય અને આસામમાં ગત દિવસોમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે બાંગ્લાદેશના કેટલાક વિસ્તારોમાં પણ પાણી પહોંચ્યું છે.
બાંગ્લાદેશમાં જમુના નામથી ઓળખાતી બ્રહ્મપુત્ર નદી જોખમ નિશાનથી 55 સેન્ટિમીટર ઉપર વહી રહી છે. શનિવારે થયેલા ભારે વરસાદ બાદ હજારો લોકોનું સ્થળાંતર કરાયું હોવાની જાણકારી મળી છે.
બાંગ્લાદેશના પૂરની આગાહી અને ચેતવણી કેન્દ્રના પ્રવક્તાએ જણાવ્યું કે, ભારે પુરની આગાહી છે કારણ કે, તમામ નદીઓ જળસ્તર પર વહી રહી છે. કેટલીક નદીઓ જોખમ નિશાન પાર કરી ચુકી છે અને નદીઓના કિનારે કેટલાક ગામડાઓ ડુબી ગયા છે.