ન્યૂઝ ડેસ્ક: “ઢાકામાં ઉચ્ચ આયોગ બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ સહિતના ભારતીય સાથે સંપર્કમાં છે અને તેમના કલ્યાણ માટે જરૂરી તમામ પગલાંઓ લઈ રહ્યું છે,” તેમ વિદેશ સચિવ હર્ષ શ્રિંગલાએ ઇટીવી ભારત સાથે ખાસ વાતચીતમાં કહ્યું હતું. ઢાકામાં ઉચ્ચ આયોગમાં અધિકારીઓ ભારતીયો સાથે સંપર્કમાં છે- વિદેશ સચિવ.
અગાઉ મંગળવારે સૉશિયલ મિડિયા પર કાશ્મીરના લગભગ ૭૦થી વધુ તબીબી વિદ્યાર્થીઓ પશ્ચિમ બંગાળના નૉર્થ ૨૪ પરગણામાં બૉંગાઓન પાસેની બંધ કરાયેલી પેટ્રાપોલ-બેનાપોલ ભારત-બાંગ્લાદેશ સરહદી ચોકી પાસે ફસાઈ ગયા હોવાનો વિડિયો પ્રસારિત થયો હતો.
“અમે વિદેશ મંત્રાલયને અનેક વાર અનુરોધ કર્યો છે કે આ ચોકીમાંથી અમને જવાની છૂટ આપે. અમને અહીં જરા પણ સુરક્ષિત નથી લાગી રહ્યું. અહીં ટોળાંઓ છે અને અમે અહીં રહીને અમારી જાતને જોખમમાં મૂકી રહ્યા છીએ. અમે અહીં રાત પસાર કરવા તૈયાર છીએ.” તેમ એક યુવાન કાશ્મીરી મહિલાને અનુરોધ કરતા જોઈ શકાય છે.
“અમે ૭૦ કાશ્મીરી વિદ્યાર્થીઓ બાંગ્લાદેશમાં વિવિધ મેડિકલ કૉલેજોમાં અભ્યાસ કરી રહ્યા છીએ. અમે આ પેટ્રાપૉલ-બેનાપૉલ સરહદે ફસાયેલા છીએ. અમે અહીં પહોંચવા ૧૨૧૬ કલાક પ્રવાસ કર્યો છે. મારી કૉલેજો અને હૉસ્ટેલો બંધ છે અને અમને ખાલી કરીને ઘરે જવા કહેવાયું છે. અમે ગત સાંજથી આ સરહદે છીએ અને અમે એક દાણો પણ ખાધો નથી. જ્યાં સુધી અમને ભારત આવવા નહીં દેવાય ત્યાં સુધી અમે અહીં જ બેઠા રહીશું,” તેમ અન્ય એક યુવાન છોકરાએ અનુરોધ કર્યો હતો.
જોકે ભારતીય અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે આ સરહદે આ સ્થળ મારફતેથી કોઈ સ્થળાંતર નહીં કરવામાં આવે. આ સ્થળ બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન અને ભૂતાન સહિતના પડોશીઓ સાથેની જમીની કસ્ટમ ચૅક પૉસ્ટ છે જે બંધ કરવાની યાદીમાં છે. “અન્ય દેશોમાંથી ભારતમાં આવવા પર અને ભારતની અંદર પણ હલચલનાં નિયંત્રણોની જે સલાહ છે તેને ધ્યાનમાં રાખતાં, સરહદ ઓળંગવાનું નિલંબિત રાખવામાં આવ્યું છે. આથી વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેમના સ્વાસ્થ્ય અને સુરક્ષાના હિતમાં અને સમુદાયના સ્વાસ્થ્ય અને સુરક્ષાના હિતમાં પણ તેઓ તેમની હૉસ્ટેલોમાં પાછા જાય,” તેમ એક સત્તાવાર સૂત્રએ કહ્યું હતું.