દહેરાદૂનઃ ઉત્તરાખંડના ઉચ્ચ ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં સ્થિત વિશ્વ વિખ્યાત ચારધામોમાંના એક બદરીનાથ ધામ આવેલું છે. જેના કપાટ ખોલવાનું નવુ મુહૂર્ત 15 મેના રોજ છે. જેથી કપાટ ખુલવાની તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, બદરીનાથ મંદિરના કપાટ અગાઉ 30 એપ્રિલના રોજ ખોલવાના હતાં, પરંતુ કોરોના વાઇરસના ચેપને કારણે કપાટ ખોલવાની તારીખ 15 દિવસ લંબાવાઈ 15 મેના રોજ સવારે 4:30 વાગ્યે નક્કી કરવામાં આવ્યો છે.
આ અંગે ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાન બોર્ડના મીડિયા પ્રભારી ડો. હરીશ ગૌરે જણાવ્યું કે, મંદિર સ્ટાફ બદરીનાથના કપાટ ખોલવાની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે. બરફને મંદિરના પરિસરમાંથી હટાવવામાં આવી રહ્યો છે. મંદિર પર પેઇન્ટનું કામ પણ અંતિમ તબક્કામાં છે. પાણી, વીજળીની વ્યવસ્થા પૂર્વવત કરવામાં આવી છે. સામાજિક અંતરની વિશેષ કાળજી રાખી વ્યવસ્થાની તૈયારીમાં રોકાયેલા કર્મચારીને માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
કેરળથી ઋષિકેશ પહોંચેલા બદરીનાથ ધામના રાવલ ઇશ્વરી પ્રસાદ નંબુદરી 14 દિવસના કોરોન્ટાઈન બાદ સ્વસ્થ થયાં છે. આ અંગે ગૌરે કહ્યું કે, ઋષિકેશ સ્થિત એઈમ્સમાં રાવલનો પહેલો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે 4 મેના રોજ કોરોના વાઈરસની બીજી તપાસ પણ કરશે. કોરોના વાઈરસ હેઠળ ચાલી રહેલા લોકડાઉનમાં સરકારની સલાહ મુજબ હાલમાં યાત્રાળુઓને મંદિરોની મુલાકાત લેવાની મંજૂરી નથી. જેથી બદરીનાથ ધામમાં કપાટ ખોલવાના અવસરે મર્યાદિત સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.
મહત્વનું છે કે, ચારધામમાંથી અન્ય ત્રણ ધામના કપાટ ખુલી ચૂક્યા છે. 26 એપ્રિલે અક્ષય તૃતીયાના તહેવાર પર ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોનાં કપાટ ખોલવામાં આવ્યાં હતાં, જ્યારે 29 એપ્રિલે રુદ્રપ્રયાગમાં પણ કેદારનાથ મંદિરનાં કપાટ ખોલવામાં આવ્યાં હતાં. આમ, શિયાળામાં તીવ્ર ઠંડી અને ભારે હિમવર્ષાના કારણે દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં બદરીનાથ મંદિરનાં કપાટ બંધ રહે છે અને એપ્રિલ-મેમાં ફરી ખોલવામાં આવે છે.