દહેરાદૂન: બદ્રીનાથ અને કેદારનાથ ધામના રાવલોને 14 દિવસ માટે કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જેથી ઉત્તરાખંડ સરકારે આ નિર્ણય લીધો છે. ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલતાની સાથે જ ચારધામ યાત્રાની શરુઆત થશે પણ આ વખતે બદ્રીનાથ અને કેદારનાથ ધામના કપાટ નિયત સમય કરતાં 15 દિવસ મોડા ખુલશે.
દેવભૂમિ ઉત્તરાખંડના વિશ્વ વિખ્યાત ચારધામના દરવાજા ખોલવા રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉત્તરાખંડ સરકારે બદ્રીનાથ અને કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખને આગળ વધારી દીધી છે. ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા તેની નિયત તારીખે 26 એપ્રિલે (અક્ષય તૃતીયા દિવસે) ખુલી જશે. પર્યટન અને ધર્મ પ્રધાન સતપાલ મહારાજે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે આ નિર્ણય ટિહરી રાજવી પરિવાર સાથે ચર્ચા કર્યા પછી લેવામાં આવ્યો છે.
ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખુલવાની સાથે જ 26 એપ્રિલથી ચારધામ યાત્રાની શરૂઆત થઇ જશે. પરંતુ આ વખતે બદ્રીનાથ અને કેદારનાથ ધામના દરવાજા તેની નિયત તારીખે ખુલી શકશે નહીં. 29 એપ્રિલે કેદારનાથ ધામના દરવાજા ખોલવાના હતા, પરંતુ ઉત્તરાખંડ સરકારના નવા નિર્ણય મુજબ હવે 14મી મેના રોજ ખોલવામાં આવશે. બદ્રીનાથ ધામના દરવાજા 30 એપ્રિલે ખોલવાના હતા, પરંતુ હવે તે પણ 15 મેના રોજ સવારે 4:30 વાગ્યે ખોલવામાં આવશે. એટલે કે બદ્રીનાથ અને કેદારનાથ ધામના દરવાજા તેમની નિયત તારીખથી 15 દિવસ મોડા ખોલવામાં આવશે. આનું કારણ એ છે કે બંને ધામના રાવલને (મુખ્ય પૂજારી) 14 દિવસ માટે કવોરેન્ટાઇન કરશે.
ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા સ્થાનિક પૂજારી ખોલે છે. પરંતુ બદ્રીનાથ અને કેદારનાથના દરવાજા ખોલવા માટે રાવલ દક્ષિણ ભારતથી (કેરળ) આવે છે. કેદારનાથના રાવલ રવિવારેજ ઉખીમઠ પહોંચ્યા હતા. બદ્રીનાથના રાવલ સોમવારેજ ઉત્તરાખંડ પહોંચ્યા હતા. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા લાઇન મુજબ બંને રાવલને 14 દિવસ માટે કવોરોન્ટાઇન કરવા જરૂરી છે. તેથી બંને ધામના દરવાજા ખોલવાની તારીખ આગળ વધારવામાં આવી છે.
આ ઉપરાંત સરકારે સ્પષ્ટતા કરી છે કે, જો બહારના રાજ્યથી કોઈ યાત્રાળુ ઉત્તરાખંડ આવે છે, તો તેને પણ 14 દિવસ માટે કવોરોન્ટાઇન કરવામાં અલગ આવશે. તે પછી જ તે ચાર ધામ જઈ શકશે.