નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંબોધિત કરેલા કાર્યક્રમ 'મન કી બાત'માં યોગ પર ભાર મુક્યો હતો. આ દરમિયાન તેમણે my life, my yoga પ્રતિયોગિતાની જાહેરાત કરી છે. આ સાથે જ પીએમ એ યોગ અને પ્રાણાયમ પર મહત્વની ચર્ચા કરી હતી.
PM મોદીએ યોગનું મહત્વ સમજાવતાં કહ્યું કે, દરેક લોકો યોગ અને તેની સાથે સાથે આયુર્વેદ વિશે જાણવા માગે છે, તેને અપનાવવા ઈચ્છે છે. કેટલાય લોકો જેમણે અત્યાર સુધી ક્યારેય યોગ કર્યા નથી, તે પણ ઓનલાઈન ક્લાસ જોઈન કરી અથવા તો વીડિયોના માધ્યમથી યોગ શીખી રહ્યાં છે.
આ સાથે વધુમાં તેમણે ઉમેર્યુ કે, કોરાનાના આ સંકટમાં યોગ એટલા માટે વધારે મહત્વનું છે કે, આ વાઇરસ આપણી રેસ્પિરેટરી સિસ્ટમને સૌથી વધુ પ્રભાવિત કરે છે. યોગમાં રેસ્પિરેટરી સિસ્ટમને મજબૂત બનાવવાના અનેક પ્રાણાયમ છે, જેની અસર લાંબા સમયથી જોતા આવ્યા છીએ.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તમારા જીવનમાં યોગ વધારવા આયુષ મંત્રાલયે આ વખતે અનોખો પ્રયોગ કર્યો છે. આયુષ મંત્રાલયે My Life, My Yoga નામથી આંતરરાષ્ટ્રીય વીડિયો બ્લોગ પ્રતિયોગિતા શરૂ કરી છે. જેમાં ભારત સિવાયના અન્ય દેશોના લોકો પણ ભાગ લઈ શકશે.