નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં ભૂમિપૂજન બાદ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઘણા દેશવાસીઓએ ખુશી વ્યક્ત કરી હતી અને તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. જો કે કેટલાક લોકોએ તેનો વિરોધ પણ કર્યો છે. એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે અયોધ્યામાં બાબરી મસ્જિદ હતી અને રહેશે.
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પ્રેસ રિલીઝ હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ ટ્વીટ કર્યું હતું કે, 'બાબરી મસ્જિદ હતી, અને ઇન્શાઅલ્લાહ રહેશે.' ઓવૈસીએ હેશટેગ સાથે 'બાબરી ઝિંદા હૈ' પણ લખ્યું હતું.
આ પહેલા ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (એઆઈએમપીએલબી) એ કહ્યું હતું કે, બાબરી એક મસ્જિદ છે અને તે હંમેશા રહેશે, કારણ કે એકવાર એક જગ્યાએ મસ્જિદની સ્થાપના થઈ જાય, તે હંમેશ માટે રહે છે.
બોર્ડે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, અમે એજ કહીએ છીએ જે અમને શરીયત કહે છે. આ નિવેદન અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનના થોડા કલાકો પહેલાં આવ્યું હતું.
બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણની મંજૂરી આપવાનો સુપ્રીમ કોર્ટનો નવેમ્બર 2019નો નિર્ણય 'અન્યાયી અને અનુચિત' હતો.
નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે, સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું કે 22 ડિસેમ્બર, 1949 ના રોજ મસ્જિદમાં મૂર્તિઓ રાખવી એ ગેરકાયદેસર કૃત્ય હતું. કોર્ટે તેના ચૂકાદામાં પણ સ્વીકાર્યું કે 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદનું ધ્વંસ ગેરકાયદેસર, ગેરબંધારણીય અને ગુનાહિત કૃત્ય હતું.
તેમણે વધુમાં કહ્યું કે, બાબરી મસ્જિદ પહેલા પણ એક મસ્જિદ હતી, તે હજી પણ મસ્જિદ છે અને હંમેશા મસ્જિદ રહેશે.