ગુવાહાટી: આસામમાં રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે, પૂરના કારણે કુલ 2,254 ગામના 24 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આસામના મુખ્યપ્રધાન સર્વાનંદ સોનવાલે પૂરથી પ્રભાવિત વિસ્તારના લોકોની મુલાકાત લીધી હતી. સોનવાલે રાજ્યમાં મદદ પહોંચાડવા માટે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, સરકાર પૂરથી મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને 48 કલાકમાં એક્સ-ગ્રેટિયા આપવામાં આવશે.
યૂએનના સંયુકત સચિવ સ્ટીફન દુબારિકે કહ્યું કે, ચોમાસાના ભારે વરસાદના કારણે આસામમાં અને નેપાળના 40 લાખ લોકો પ્રભાવિત થયા છે. જેમાં 189 લોકોના મોત થયા છે. સંયુક્ત રાષ્ટ્ર ભારત સરકારની મદદ કરવા માટે તૈયાર છે. સોમવારે બ્રહ્મપુત્ર નદીમાં જળસ્તર વધવાથી ડિબ્રુગઢના કેટલાક વિસ્તારોમાં પુર આવ્યું છે. સરકારે રાજ્યમાં પૂર પ્રભાવિત લોકોની સહાયતા માટે જિલ્લામાં 276 રાહત શિબિર અને 192 રાહત કેન્દ્ર શરુ કર્યા છે.