અરૂણ જેટલીનું વોટર આઈડી અમદાવાદનું છે, તે નાતે તેઓ લોકસભાની કે વિધાનસભાની ચૂંટણી હોય તેમાં એસજી હાઈવે પર આવેલ ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિયુટમાં મત આપવા જતા હતાં.
તેને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમનો સારો એવો ઘરોબો હતો. નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યપ્રધાન હતા. ત્યારે પણ અરૂણ જેટલી ગુજરાત આવતા હતા. નરેન્દ્ર મોદીના ખરાબ સમય વખતે પણ અરૂણ જેટલી તેમની પડખે ઉભા રહીને તેમને સાથ આપ્યો હતો. ગોધરાકાંડ પછી પણ તેમણે પાર્ટી મીટીંગમાં નરેન્દ્ર મોદીનો પક્ષ લીધો હતો.
અરૂણ જેટલી ગુજરાતની બેઠક પરથી રાજ્યસભામાં સાંસદ બન્યા હતા. જેથી તેમનો ગુજરાત પ્રત્યેનો લગાવ હોય તે સ્વભાવિક છે. તેમજ તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કેંન્દ્રીય ઈન્ચાર્જ અરૂણ જેટલી રહ્યાં હતા. હાલના ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જ્યારે રાજકોટમાંથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે અરૂણ જેટલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહને જ્યારે તડીપાર કરવામાં આવ્યા ત્યારે, તેઓ સૌથી પહેલા અરૂણ જેટલીને મળ્યા હતા.
રાફેડ ડીલમાં કૌભાંડ થયું હોવાના કોંગ્રેસના આક્ષેપ વખતે પણ અરૂણ જેટલી મોદી સરકારની સાથે ઢાલ બનીને ઉભા રહીને તમામ આક્ષેપોના જડબાતોડ જવાબ આપ્યા હતા, જેથી નરેન્દ્ર મોદીના વિશ્વાસુ મિત્રની જેમ તેઓએ પણ સાથ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળમાં તેઓ પાંચ વર્ષ સુધી નાણાપ્રધાન રહ્યા હતા. તે વખતે તેમણે ખુબ જ ખંત અને વખાણવાલાયક કામ કર્યું હતું. પીએમ મોદીના પ્રથમ કાર્યકાળમાં છેલ્લા વર્ષમાં જેટલીની તબિયત કથળી હતી. જેથી તેઓ છેલ્લુ બજેટ રજૂ કરી શકયા ન હતા. રાજ્યકક્ષાના નાણાપ્રધાન પિયુષ ગોયલે 2019ની લોકસભાની ચૂંટણી પહેલાનું બજેટ રજૂ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન એનડીએ ભાજપ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગીનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન અરૂણ જેટલીનું નામ સામે આવ્યું ત્યારે તેઓ ભાજપના અધ્યક્ષ અને વર્તમાનમાં ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખીને લોકસભાની ચૂંટણી લડવાની સામેથી ના પાડી હતી. તેઓએ અંગત કારણોસર ચૂંટણી નહી લડવાનું કારણ બતાવ્યું પણ પાછળથી ખરૂ કારણ સામે આવ્યુ કે તેઓની તબીયત ખરાબ હતી. જેથી લોકસભાની ચૂંટણીથી દૂર રહ્યા.