નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. રાહુલે કહ્યું કે, અહંકાર અજ્ઞાન કરતા વધુ જોખમી છે. રાહુલે મહાન વિજ્ઞાનિક આઈન્સ્ટાઈનના નિવેદનને ટ્વીટ કરતો એક વીડિયો પણ શેર કર્યો હતો. રાહુલે કહ્યું કે, લોકડાઉનને કારણે ભારતને નુકસાન થયું છે. આ વીડિયોમાં રાહુલે 'ફ્લેટનિંગ ધ રૉંગ કર્વ' લખ્યું છે.
આ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોના ચેપના 11,000થી વધુ કેસ નોંધાયા છે અને સોમવારે ચેપના કેસ વધીને 3,32,424 પર પહોંચી ગયા છે. આ ચેપના કારણે 325થી વધુ મૃત્યુ સાથે મૃત્યુઆંક 9,520 પર પહોંચી ગયો છે. યુ.એસ., બ્રાઝિલ અને રશિયા પછી કોરોના વાઇરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં ભારત ચોથા ક્રમે છે.
આ પહેલા પણ રાહુલ ગાંધી જુદા-જુદા મુદ્દાઓ પર મોદી સરકારની ટીકા કરી હતી. તાજેતરમાં જ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, જો સરકારે અર્થવ્યવસ્થા બેઠી કરવા રોકડ ખર્ચ ન કર્યો તો દેશનો ગરીબોનો વિનાશ થશે અને કટ્ટર મૂડીવાદીઓ દેશના માલિક બની જશે.
રાહુલ ગાંધીએ લદ્દાખમાં લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર ચીન સાથેના વિવાદ અંગે બીજું નિવેદન આપ્યું હતું. ચીન સાથે ચાલી રહેલા તનાવના મુદ્દે રાહુલે કહ્યું કે, ચીન અમારી સરહદમાં પ્રવેશી ચૂક્યું છે, પરંતુ પીએમ મોદી આ મુદ્દે મૌન છે. આ અગાઉ પણ રાહુલ ગાંધીએ લદાખમાં ચાઇનીઝ સૈનિકોના કથિત ઘુસણખોરી સંબંધિત અહેવાલો વિશે પૂછ્યું હતું કે, શું સરકાર ખાતરી આપી શકે શકે કે કોઈ પણ ચીની સૈન્ય ભારતીય સીમામાં પ્રવેશ્યો નથી?
મહત્વનું છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે લોકડાઉનના દરેક તબક્કાને અનુરૂપ ચાર ગ્રાફ શેર કર્યા હતાં, જેમાં કોરોના વાઇરસના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો હતો. રાહુલના ટ્વીટના થોડા કલાકો પછી ભારતમાં ત્રણ લાખ કોરોના વાઇરસના કેસ સામે આવ્યાં છે. જેમાં 24 કલાકમાં 11,000 નવા કેસ નોંધાયા છે.